Homeગુર્જર નગરીસુરતઃ મહામારી પહેલા જે વેપારીઓને ચા પીવાનો પણ સમય ન હતો તે...

સુરતઃ મહામારી પહેલા જે વેપારીઓને ચા પીવાનો પણ સમય ન હતો તે હવે ક્રિકેટ અને બેડમિન્ટન રમી સમય પસાર કરે છે

Team Chabuk-Gujarat Desk: કોરોના મહામારીના કારણે છેલ્લા સવા વર્ષથી દેશભરમાં વેપાર-ઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. ઉદ્યોગ-ધંધા બંધ જેવી હાલતમાં જ છે. જેના કારણે વેપારીઓની આવક પર મોટી અસર પડી છે. વેપારીઓ હાલ નવરાધૂપ થઈ ગયા છે. સુરતના કાપડ માર્કેટ (surat cloth market)ને પણ મોટો ફટકો પડ્યો છે. હાલ કાપડની ડોમેસ્ટિક માર્કેટ (Domestic market)માં માગ ન હોવાથી વેપારીઓ પણ ધંધા વગરના થઈ ગયા છે અને અલગ અલગ રમતો રમીને પોતાનો ટાઈમ પાસ કરી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં સુરતની કાપડ માર્કેટને સૌથી વધુ અસર થઈ છે. કોરોનાની બીજી લહેરમાં દક્ષિણ અને ઉત્તર ભારતના લગભગ રાજ્યમાં લોકડાઉન હોવાથી બહારગામના વેપારીઓ સુરત આવતાં નથી. ઉપરથી લગ્નની સિઝન પણ મંદ રહેતા સ્થાનિક વેપાર પણ ઠપ્પ થઈ ગયો છે. હાલ કાપડ માર્કેટમાં વેપારીઓને સરકારની ગાઈડલાઈન પ્રમાણે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી વેપાર કરવાની છૂટ આપવામાં આવી છે. પરંતુ ધંધો મંદ હોવાથી વેપારીઓ 3-4 કલાક માટે માર્કેટમાં આવે છે. આ સમયગાળામાં પણ કોઈ ખરીદદાર ન આવતા હોવાથી વેપારીઓ નવરા બેઠાં હોય છે.

નવરાધૂપ બેઠેલા વેપારીઓ સમય પસાર કરવા માટે માર્કેટના ગ્રાઉન્ડના ફ્લોર પર પ્લાસ્ટિક બોલથી ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતો રમીને સમય પસાર કરતાં નજરે પડી રહ્યા છે. ગઈકાલે જ સુરતની રઘુવીર બિઝનેસ એમ્પાયર માર્કેટમાં વેપારીઓ બેડમિન્ટન અને ક્રિકેટ રમી રહ્યા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

વેપારીઓ કહી રહ્યા છે કે, સામાન્ય રીતે આ દિવસોમાં દક્ષિણ ભારત, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યમાંથી કાપડની માગ જોવા મળતી હોય છે, પરંતુ કોરોના મહામારીના કારણે આ માગ બંધ છે. મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ અને કર્ણાટકમાં સહિતના મોટાભાગના રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી લોકડાઉનની સ્થિતિ છે. જેની સીધી અસર સુરતના કાપડ માર્કેટ પર દેખાઈ રહી છે. ઉપરથી સ્થાનિક ખરીદદાર પણ નથી આવી રહ્યા. આમ સુરતના કાપડ માર્કેટને બેવડો માર પડી રહ્યો છે.

લગ્નસરાંની સિઝન પણ નિષ્ફળ ગઈ

ગત વર્ષે કોરોનાની એન્ટ્રી થયા પછીથી લગ્નસરાંની સિઝન જોઈએ એવી રહી નથી. જેના કારણે સુરત કાપડ માર્કેટ સ્થાનિક ખરીદી પણ મંદ પડી ગઈ છે. કોરોનાની બીજી લહેરમાં રમજાન ઇદની સિઝન પણ પસાર થઈ જતાં સ્થાનિક લોકો ખરીદી માટે આવ્યા નથી. જેની અસર કાપડ માર્કેટ પર પડી છે.

કાપડના વેપારી જણાવે છે કે, કોરોના મહામારીના કારણે ઓર્ડર નહીં મળતાં વેપારીઓ પાસે કોઈ રસ્તો ન હોવાથી સમય પસાર કરવા માટે અવનવા પ્રયાસો કરાઈ રહ્યા છે. હાલની સ્થિતિ વેપારીઓ માટે ખૂબ જ ખરાબ છે. વેપાર-ધંધા પર ખૂબ જ ગંભીર અસર પડી છે. સરકારે આ અંગે નોંધ લેવી જોઈએ. કોરોના મહામારી પહેલા વેપારીઓ પાસે ચા પીવાનો પણ સમય નહતો અને હવે નવરાધૂપ થઈને ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતો રમીને સમય પસાર કરવો પડી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments