Homeગુર્જર નગરીપાટણઃ તેલનું ટેન્કર પલટી મારી જતાં લોકો તેલના ડબ્બા લઈને તેલ ભરવા...

પાટણઃ તેલનું ટેન્કર પલટી મારી જતાં લોકો તેલના ડબ્બા લઈને તેલ ભરવા ઉમટી પડ્યા

Team Chabuk-Gujarat Desk: બે દિવસ પહેલાં ધ્રાંગધ્રા પાસે તેલનું ટેન્કર પલટી જતાં લોકોએ જે રીતે તેલ લેવા માટે પડાપડી કરી હતી તેવા જ દ્રશ્યો પાટણમાં પણ જોવા મળ્યા. પાટણ સિદ્ધપુર હાઈવે પર વનાસણ પાટિયા પાસે તેલ ભરેલું એક ટેન્કર પલટી ગયું. ટેન્કર પલટી ગયાના સમાચાર મળતાં જ આસપાસમાંથી લોકો તેલ લેવા માટે ઉમટી પડ્યા હતા અને તેલ ઘર ભેગું કર્યું હતું.

પાટણ સિદ્ધપુર હાઈવે પર વનાસણ પાટિયા પાસેથી પસાર થઈ રહેલું તેલ ભરેલું ટેન્કર પશુને બચાવવા જતાં પલટી મારી ગયું હતું. તેલ ભરેલું આખું ટેન્કર પલટી ગયું હોવાની જાણ આસપાસના લોકોને થઈ હતી. બસ તેલનું ટેન્કર પલટી ગયાની જાણ થતાં જ લોકો હાથમાં જે આવે તે લઈને તેલ લેવા ઉમટી પડ્યા હતા. લોકો કેરબા, તેલના ખાલી ડબ્બા, ડોલ, ટબ સહિતની વસ્તુઓ લઈને તેલ લેવા માટે દોડી આવ્યા હતા અને તેલ ભરી ભરીને ભાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

આ ટેન્કર સવારના સમયે ગાંધીધામથી સિદ્ધપુર ગોકુલ રિફાઈનરીમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન વનાસણ પાટિયા પાસે એક પશુ વચ્ચે આવતા ટેન્કર ચાલકે પશુને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો જેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા તેલ ભરેલું ટેન્કર રસ્તાની સાઈડમાં આવેલા ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ટેન્કરમાં અંદાજે 39 હજાર લિટર તેલ હોવાનું જાણવા મળ્યું છે. તેલ ઢોળાઈ જતાં ખેતરમાં માટી પણ ચીકણી થઈ ગઈ હતી. તેમ છતાં લોકો કાદવ ખુંદીને ટેન્કર સુધી તેલ લેવા પહોંચી ગયા હતા અને તેલ લેવા માટે પડાપડી કરી હતી.

ખેતરમાં તેલનું ટેન્કર પલટી મારી જતાં ખેતરમાં તેલના ખાબોચિયા ભરાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ આવી હતી ને ત્યારબાદ ક્રેનની મદદથી ટેન્કરને સીધું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે બે દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસેના ધ્રુમઠ બાજુના હાઈવે પર ટેન્કર અને ટ્રેકટરનો અકસ્માત થતાં ટેન્કરમાંથી તેલ ઢોળાયું હતું અને લોકોએ તેલની રીતસરની લૂંટ ચલાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments