Homeગુર્જર નગરીસુરત: આત્મહત્યા માટે પાણીમાં ધુબાકો માર્યા પછી જીવ વ્હાલો લાગતા એક કલાક...

સુરત: આત્મહત્યા માટે પાણીમાં ધુબાકો માર્યા પછી જીવ વ્હાલો લાગતા એક કલાક સુધી પિલર પકડી પાણીમાં રહ્યો, અંતે આ રીતે બચ્યો જીવ

Team Chabuk-Gujarat Desk: તાપી અને સાબરમતી નદીમાં અસંખ્ય લોકો કોઈને કોઈ સમસ્યાથી પીડાઈને જીવાદોરી ટૂંકાવવા માટે જતા હોય છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ ગુજરાતમાં ઉગે છે જ્યારે આત્મહત્યાના સમાચાર ન મળ્યા હોય. આવો જ એક આત્મહત્યાનો બનાવ બનતા બનતા રહી ગયો. ખૂબ જ સારી વાત છે કે આ 35 વર્ષીય ભાઈને મોડે મોડે પણ જીવનનું મહત્વ સમજાયું. ભલે ભયથી તો ભયથી! મૃત્યુ એ કાંઈ આપણા હાથમાં નથી અને આપણા હાથમાં હોય તોપણ આટલું કાયર શા માટે બનવું જોઈએ?

રવિવારની રાત્રે આત્મહત્યાના ઈરાદાથી સુરતના કાપોદ્રા-ઉતરાણ બ્રિજ પરથી ધુબાકો મારવાના આશય સાથે એક ભાઈ ગયા હતા. ધુબાકો માર્યો પણ ખરો, જોકે તેની હાથની લકીરોમાં જીવાદોરી લાંબી કંડારાયેલી હશે તે બચી ગયો. ફાયર ફાઈટરના જવાનોએ તેને બચાવી લીધો હતો. આમ તો આ યુવક મૃત્યુ જ પામત, પણ ભૂસ્કો માર્યા બાદ તેને મરવું સરળ નથી એવું જ્ઞાન મગજમાં ઉતર્યું. પાણીમાં ગમે તે ભોગે હાથ પગ મારી યુવાન બ્રિજના પિલરની પાસે આવી ગયો. પિલર પકડી રાખ્યો અને તેના મામાને પોતે ક્યાં છે તે વાતથી ફોન દ્વારા અવગત કર્યાં. અંતે હેમખેમ આ જુવાનનો જીવ બચી ગયો.

આ ઘટના રાતના સાડા બાર વાગ્યાની હોવાનું ફાયર વિભાગના જવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ફાયર વિભાગના કર્મચારીઓને યુવાને કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી છલાંગ લગાવી હોવાની માહિતી મળી હતી. ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને હેમખેમ બહાર કાઢ્યો હતો.

ફાયર વિભાગના જવાનોએ જણાવ્યું હતું કે યુવાન આત્મહત્યા કરવાના ઈરાદે જ આવ્યો હતો. તેણે ધુબાકો માર્યો પણ ખરો, જોકે રહી રહીને તેને પોતાનો જીવ વ્હાલો લાગ્યો હતો. તે હાથ પગ પછાડી ગમે તે ભોગે પિલરની પાસે આવી ગયો હતો. અહીં તે આશરે એક કલાક સુધી પિલર પકડીને રહ્યો હતો. જોકે યુવાન બડભાગી કહેવાય કે પાણીમાં પડ્યા છતાં તેનો મોબાઈલ ફોન ચાલુ રહ્યો હતો. તેણે મામાને ફોન જોડ્યો હતો અને પોતે કઈ સ્થિતિમાં છે તેની માહિતી આપી હતી. ફાયર સ્ટેશન નજીક હોવાથી મામાએ ત્યાં જાણ કરી હતી અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી યુવકનો જીવ બચાવી લીધો હતો. હાલ તો આ યુવાન માનસિક બીમારીથી પીડાઈ રહ્યો હોવાની માહિતી મળી છે.

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments