Team Chabuk-Gujarat Desk: સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પત્યા પછી સુરતના રાજકારણમાં કંઈક અલગ જ કરંટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં ત્રીજો પક્ષ બનીને ઉભરી રહેલી અને સુરત મનપાની ચૂંટણીમાં મજબૂત વિપક્ષ બનીને ઉભરી આવેલી આમ આદમી પાર્ટી હવે ભાજપ સાથે લડી લેવાના મૂડમાં છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસથી પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલી ખાડીની સફાઈનો મુદ્દો ગરમાયેલો છે. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે મહાનગરપાલિકાના સત્તાધિશો અને અધિકારીઓને ખાડીની સફાઈ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં વાત કાને ધરવામાં આવતી નથી.
રજૂઆતો કરીને કંટાળેલી આમ આદમી પાર્ટીએ જાતે જ ખાડીની સફાઈ હાથ ધરી છે. છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોર્પોરેટરો આ ખાડીની સફાઈ કરી રહ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા ખાડી સફાઈ દરમિયાન અનોખી રીતે શાસક પક્ષના સત્તાધિશોનો વિરોધ કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા ખાડી પાસે મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતાના ફોટો સાથે સ્ટેન્ડી મૂકવામાં આવી હતી. આ સ્ટેન્ડીમાં સુરતના મેયર હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શાસક પક્ષના નેતા અમિત રાજપૂતના નામની સાથે ગોબરદાસનું ટેગ લગાવવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટીએ આ સ્ટેન્ડીમાં ત્રણેય સત્તાધિશોને ગોબરદાસનું ઉપનામ આપીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. આ સ્ટેન્ડીની સામે લોકો હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે વહેલી તકે આ ખાડીની સફાઈ કરવામાં આવે. આમ આદમી પાર્ટીનો એવો પણ આરોપ છે કે તેઓ છેલ્લા ત્રણ દિવસથી આ ખાડની સફાઈ કરી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના સત્તાધિશો સ્થળ પર ડોકાયા પણ નથી.
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે પુણા પશ્ચિમ વિસ્તારમાં આવેલી આ ખાડીના સફાઈનો પ્રશ્નો વર્ષોથી ઉકેલાયો નથી. ખાડીમાં સફાઈ ન થવાના કારણે સ્થાનિક લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે. સુરત મહાનગરપાલિકા આ અંગે કોઈ પગલાં ભરતી નથી. આમ આદમી પાર્ટી વિપક્ષમાં આવ્યા બાદ આ અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ સત્તા પક્ષ દ્વારા ઉકેલ લાવવામાં નથી આવ્યો. જેથી છેલ્લા ત્રણ દિવસથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા સહિતના કાર્યકરો અને કોર્પોરેટરો ખાડીના સફાઈ અભિયાનમાં જોડાયા છે. સ્થાનિક લોકો પણ ખાડીની સફાઈ કામગીરી કરવા આવી રહ્યા છે.
સફાઈ માટે મશીનરી પણ ન આપી હોવાનો આરોપ
સુરત પુણા પશ્ચિમ વિસ્તારના આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ સાકરીયાએ આરોપ લગાવ્યો છે કે, હાલ ખાડીની સફાઈ કામગીરી ચાલી રહી છે. જેમાં મશીનરીની જરૂર પડી રહી છે. જેના માટે અમે સુરત મહાનગરપાલિકાને મૌખિક રજૂઆત કરીને મશીનરી પૂરી પાડવા કહ્યું હતું. પરંતુ મશીનરી પૂરી પાડવામાં આવી નથી. જેથી પાયલ સાકરીયાએ સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને લેખિત રજૂઆત કરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત