Team Chabuk-Gujarat Desk: કોરોના પછી મધ્યમવર્ગીય લોકોની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જઈ રહી છે. એમાં પણ સુરતમાં રહેતા અને મજૂરી કામ સાથે સંકળાયેલા લોકોનું જીવન દોઝખ સમાન થઈ ગયું છે. જ્યાં પેટીયું રળવા માટે પરપ્રાંતિય લોકોની પણ ભીડ ઉમટી પડે છે. એક આવી જ ઘટના સુરત શહેમાં બની છે, જ્યાંના લીંબાયત વિસ્તારના યુવકે નિલગીરી રેલવે ફાટક ઉપર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ યુવક બચી ગયો હતો. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તે બસ એક જ વાતનું વારંવાર રટણ કરી રહ્યો છે કે, ‘મને એવું ઈન્જેક્શન આપો કે હું મૃત્યુ પામું…’ આખરે આ યુવક શા માટે આવું કહી રહ્યો છે?
યુવકનું નામ વિનોદ
સુરતના લીંબાયત વિસ્તારમાં રહેતા આ યુવકનું નામ વિનોદ બાબુલાલ વૈદ્ય છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર તે ઘરેથી નીકળી ગયો હતો અને ત્રણ કલાક સુધી શોધખોળ કર્યાં છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે હોસ્પિટલમાંથી સવારના ચાર વાગ્યાની આસપાસ તેના અંગેના આ અશુભ સમાચાર પરિવારજનોની કાને પડતા, પરિવારજનો દોડતા ગયા હતા.
વિનોદની જીભે બસ એક જ વાત હતી
પોલીસનું અનુમાન છે કે આ ઘટના મળસ્કે 2-15 વાગ્યાની હોઈ શકે છે. પોલીસને ઉધના સ્ટેશન પરથી ફોન આવ્યો તો તે ત્યાં તાત્કાલિક પહોંચી હતી. અહીં એક યુવક ટ્રેનની અડફેટે આવી ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં પડ્યો હતો. 108ની મદદથી આ યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે, ગંભીર સ્થિતિમાં જ્યારે તેને હોસ્પિટલ લઈ આવવામાં આવ્યો ત્યારે તેના મુખે એક જ શબ્દો હતા કે, ‘મને એવું ઇન્જેક્શન આપો કે હું મરી જાઉં, મને મારી જ નાખો, મારે નથી જીવવું, શેઠ પગાર નથી આપતો, ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે, ઘર ભાડું ચૂકવવાનું પણ બાકી છે.’
હાથની આંગળી કપાઈ ગઈ અને પગ….
ડોક્ટરોએ એમ પણ કહ્યું હતું કે તેની વાત સાંભળીને આર્થિક લાચારીના સંકટની સામે હારી ગયો હોવાથી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેને દવાખાને લાવવામાં આવ્યો ત્યારે તેના હાથની એક આંગળી કપાઈ ગઈ હતી. તેના પગમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી. પગ બચાવવા તુરંત ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી.
એક મહિનાથી પગાર નથી થયો
આપઘાતનો પ્રયાસ કરનાર યુવક વિનોદના ભાઈ વાલ્મિકીએ જણાવ્યું હતું કે, વિનોદ ટેમ્પો ચલાવે છે. ત્રણ સંતાન છે. ઘરમાં આ સિવાય પત્ની અને માતા છે. આખા પરિવારનું ગુજરાન એ જ ચલાવી રહ્યો છે. ભાડાના મકાનમાં રહે છે જેથી ભાડું ભરવું જરૂરી છે. એવામાં એક મહિનાથી તેનો પગાર નહોતો થયો. ઘર ચલાવવા પત્ની પૈસા માગે અને ઝઘડો થાય. જેથી રાત્રે 10:30 વાગે હું આવું છું કહી ને ગયેલો વિનોદ પરત નહીં આવતા ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી. સવારે 4 વાગે હોસ્પિટલથી ફોન આવ્યા બાદ ખબર પડી એટલે દોડતા થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
