Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ સોનાપુરી સ્મશાનમાંથી નીકળતા ધુમાડાથી રહેવાસીઓમાં દહેશત, નગરસેવકે કરી રજૂઆત

સુરેન્દ્રનગરઃ સોનાપુરી સ્મશાનમાંથી નીકળતા ધુમાડાથી રહેવાસીઓમાં દહેશત, નગરસેવકે કરી રજૂઆત

Team Chabuk-Gujarat Desk: કોરોના વાઇરસના કારણે દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે. સ્મશાન ગૃહમાં પણ લાંબુ વેઈટિંગ છે. દિવસ રાત મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાનું ચાલુ જ હોય છે. ત્યારે સ્મશાન ગૃહની નજીકમાં રહેતા લોકોમાં પણ દહેશત જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં આ મુદ્દે નગરસેવકે રજૂઆત પણ કરી છે. સુરેન્દ્રનગર શહેરના સોનાપુરી રોડ પર આવેલા મુખ્ય સ્મશાનમાંથી ધુમાડો અને રાખ ઉડીને રહેણાંક વિસ્તાર તરફ આવતી હોવાની ફરિયાદ નગરપાલિકાને કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગરસેવક વિશાલ જાદવે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને કારોબારી ચેરમેનને પત્ર લખીને આ અંગેની રજૂઆત કરી છે. વિશાલ જાદવે પત્રમાં લખ્યું છે કે, ‘વોર્ડ નંબર 8માં આવેલ સોનાપુરી રોડ પર મુખ્ય સ્મશાન આવેલ છે. હાલમાં કોવિડ-19માં મૃત્યુ પામેલા વ્યક્તિઓના ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં અગ્નિદાહ કરવામાં આવે છે. જેનો ધુમાડો-રાખ હવામાં ઉપર ભુંગળા વાટે છોડવામાં આવે છે. જે ભુંગળુ બહુ નીચું હોવાથી તેની હાનિકારક રાખ અમારા વિસ્તારના આંબેડકરનગર-1, કુંભારપરા, શારદા વિજય સોસાયટીના રહેણાંક વિસ્તારના ઘરોમાં પડે છે.’

વિશાલ જાદવે પત્રમાં આગળ લખ્યું છે કે, ‘હાલમાં અમારા આ ત્રણ વિસ્તારમાં ઘરે-ઘરે ધુમાડાને કારણે બીમારી ફેલાઈ રહી છે. જે અંગે અમારા મતદારોની ફરિયાદ હોવાથી આ ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું ભુંગળુ વધારે ઉંચાઈ પર લઈ જવું અને આ કામગીરી દરમિયાન ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ રાખવી અને ત્યાં સુધી લાકડા વડે અગ્નિદાહ આપી અમારા વિસ્તારનું આરોગ્ય જળવાઈ રહે તે બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા વિનંતી છે.’

વોર્ડ નંબર-8ના નગરસેવક વિશાલ જાદવે ધ ચાબુક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘થોડા દિવસથી આ અંગેની રજૂઆત રહેવાસીઓ તરફથી મને મળી રહી હતી. સ્મશાન ગૃહની આસપાસના આશરે 2 હજાર લોકોને આ અંગેની ચિંતા સતાવી રહી હતી જેથી મેં આજે ચીફ ઓફિસર સંજય પંડ્યા સાહેબને પત્ર લખીને રજૂઆત કરી છે. ચીફ ઓફિસર સાહેબ તરફથી હકારાત્મક જવાબ મળ્યો છે અને આ સમસ્યાનું નિકારણ ઝડપથી લાવવાની તેઓએ ખાતરી આપી છે.

ચીફ ઓફિસરની સાથે નગરસેવક વિશાલ જાદવે નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનને પણ રજૂઆત કરી છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, આરોગ્ય અધિકારી અને સોનાપુર સ્મશાન ગૃહને મેનેજરને પણ આ વાતની જાણ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments