Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરના ખેડૂત કિશોરભાઈએ જૂનાગઢથી એવું બિયારણ મંગાવ્યું જેની ખેતી ભાગ્યે જ આ...

સુરેન્દ્રનગરના ખેડૂત કિશોરભાઈએ જૂનાગઢથી એવું બિયારણ મંગાવ્યું જેની ખેતી ભાગ્યે જ આ પંથકમાં થતી હતી

Team Chabuk-Gujarat Desk: હવે ખેતી માત્ર કહેવા પૂરતી રહી છે. ખેતીમાં કાંઈ વળતું નથી. આવું દરેક ખેડૂતના મોંઢેથી સાંભળવા મળતું હોય છે. પરંતુ જો આધુનિક ટેક્નોલોજી અને બુદ્ધિ પૂર્વક ખેતી કરવામાં આવે અને એવા પાકોનું વાવેતર કરવામાં આવે જેમાંથી ખૂબ ઓછા ખર્ચે, ખૂબ ઓછી મહેનતે સારું વળતર મેળવી શકાય. દરેક ખેડૂત આવા પાકના વાવેતરની મથામણમાં ગુંચવાયેલો હોય છે. પરંતુ ક્યાં પ્રકારના પાકોની ઊપજ લેવી તેની યોગ્ય માહિતી મેળવી શકતા નથી. ત્યારે આજે આપણે એક એવા ખેડૂતની વાત કરવાની છે જેણે ખૂબ ઓછા ખર્ચે અને ખૂબ ઓછી મહેનતે સારું વળતર આપતાં પાકનું વાવેતર કર્યું છે.

વાત જાણે એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડીયાદ ગામના ખેડૂત કિશોરભાઈ ડુમાણીયાએ સૌપ્રથમ વખત શક્કરટેટીનું વાવેતર કરી મહેનત અને ખર્ચના પ્રમાણમાં સારું વળતર પ્રાપ્ત થવાની આશા વ્યક્ત કરી છે. કિશોરભાઈ ડુમાણીયાએ ધ ચાબુક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં અમારા ગામ ખોલડીયાદમાં એક એકર જમીનમાં શક્કરટેટીનું વાવેતર કર્યું છે. શક્કરટેટીનું વાવેતર સુરેન્દ્રનગર પંથકમાં ભાગ્યે જ થતું હોય છે ત્યારે કિશોરભાઈએ કચ્છમાં રહેતા તેમના મિત્ર ગોપાલભાઈ પાસેથી શક્કરટેટીના વાવેતર કરવા અંગેની પ્રેરણા મેળવી સારું વળતર મેળવવાનો અખતરો કર્યો છે.

કિશોરભાઈ અગાઉ કપાસ, મગફળી, મરચી વગેરે પાકો જ લેતા હતા, પરંતુ આ વખતે પ્રથમ વખત તેમણે શક્કરટેટી વાવી છે. શક્કરટેટીના પાક અંગે કિશોરભાઈએ જણાવ્યું હતું કે આ પાક ત્રણ મહિને તૈયાર થાય છે. તેમણે આ શક્કરટેટીનું ગત ફેબ્રુઆરીમાં વાવેતર કર્યું છે. ત્યારે હાલ ફળ આવી ગયા છે પરંતુ હજું થોડા કાચા છે જે આગામી 20 થી 25 દિવસમાં તૈયાર થવાની શક્યતા છે.

ખાનગી નોકરી છોડી ધંધાની સાથે ખેતીકામ શરૂ કર્યું

કિશોરભાઈ એજ્યુકેટેડ છે તેમ છતાં ખેતી સાથે સંકળાયેલા છે. કિશોરભાઈએ કૃષિ ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે હળવદની એક ખાનગી કંપનીમાં નોકરી પણ કરી હતી. પરંતુ 2005માં નોકરી છોડી દઈ 2006થી સાયલા ખાતે એગ્રો શરૂ કર્યો અને ખેતીકામમાં પણ હાથ અજમાવવા લાગ્યા. કિશોરભાઈને તેમનો અભ્યાસ અને અનુભવ ખેતી કામમાં પણ ઉપગોયી થઈ રહ્યા છે.

જૂનાગઢથી મગાવ્યું ખાસ પ્રકારનું બિયારણ

ખેતીમાં અભ્યાસુ એવા કિશોરભાઈને લાગ્યું કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ ગરમી પડે છે તેથી આ ગરમી સામે ટક્કર જીલી શકે તેવો નવીનતમ પાક વાવવો જોઈએ. આ માટે તેમણે જૂનાગઢથી ખાસ પ્રકારનું મધુરાજા બીએસએફ નામનું શક્કરટેટીનું બિયારણ મગાવ્યું. મધુરાજા બીએસએફ નામનું શક્કરટેટીનું બિયારણ કચ્છમાં વધારે વવાય છે. આ બિયારણ ગમે તેટલી અસહ્ય ગરમી પણ સહન કરી શકે છે. જેથી ઉનાળાની સિઝન તેને માફક આવે છે.

શક્કરટેટીના વાવેતરમાં આટલો ખર્ચ થયો

માત્ર એક એકરમાં વાવેલી શક્કરટેટી પાછળ ખાસ ખર્ચ થયો નથી. કિશોરભાઈના જણાવ્યા મુજબ તેઓએ 10 હજાર રૂપિયા ગ્રોકવર કરવા પાછળ, 7 હજાર રૂપિયાનું બિયારણ, અને ખાતર મળી આશરે 20 હજાર જેટલો જ ખર્ચો કર્યો છે.

ઉનાળામાં ખવાતા શક્કરટેટી અને તરબૂચ એવા પાકો છે જેને પાણીની સૌથી વધુ જરૂર પડે છે. જેમાં પુષ્કળ માત્રામાં પાણી જોઈએ છે. ત્યારે કિશોરભાઈએ શક્કરટેટીનો પાક ઉગાડવા કેનાલ મારફતે પાણી લઈ ટપકપદ્ધતિથી પિયત કરી રહ્યા છે. આ પાકમાં શરૂઆતમાં જીવાંતનો ઉપદ્રવ રહેતો નથી પરંતુ જ્યારે ફળ બેસે ત્યારે ઇયળો લાગે છે. કિશોરભાઈએ સૌપ્રથમ વખત ટેટી વાવી છે ત્યારે રોઝ, ભુંડ વગેરેનો કેવો ત્રાસ રહે તે હવે જોવાનું રહ્યું.

આટલા ઉત્પાદનનો અંદાજ

આગામી 15-20 દિવસમાં તૈયાર થનાર શક્કરટેટીનો અંદાજે સાત થી આઠ ટનનો ઉતારો આવવાની શક્યતા કિશોરભાઈએ વ્યક્ત કરી છે. મિનિમમ રૂપિયા 10 પ્રતિ કિલો લેખે શક્કરટેટીનું વેચાણ થાય તો પણ 70 થી 80 હજાર રૂપિયાની આવક આ પાકમાંથી રળી લેવાશે તેમ ખેડ઼ૂત કિશોરભાઈ જણાવી રહ્યા છે. શક્કરટેટીના વેચાણ અંગે કિશોરભાઈએ કહ્યું હતું કે, જો યાર્ડમાં સારા ભાવ મળી રહેશે તો ત્યાં શક્કરટેટી વેચી દઈશું અને જો યાર્ડમાં સારા ભાવ નહીં મળે તો અમે અમારી રીતે ગામડે ગામડે જઈ વેચાણ કરીશું.

ખારેકનું પર પણ અજમાવ્યો છે હાથ

કિશોરભાઈ ડુમાણીયા 50 એકર જમીન ધરાવે છે તેથી તેઓ અવનવા પાકો માટે અખતરા કરતાં રહે છે. ત્યારે તેઓએ 3 વીઘામાં ખારેકનું પણ વાવેતર કર્યું છે. ખારેક વાવવાની પ્રેરણા તેઓ જ્યારે કચ્છમાં ગયા ત્યાંથી મળી હતી. કચ્છની ખારેક ખાધા બાદ અને જો કચ્છની જમીનમાં મીઠી મધુર ખારેકનું ઉત્પાદન લઈ શકાય તો આપણી જમીનમાં આ ખારેક થાય જ… એવા વિચારથી તેઓએ 3 વીઘામાં ગયા વર્ષે ખારેક વાવી છે. જે અઢીથી ત્રણ વર્ષે તૈયાર થાય છે. તેઓએ વાવેલી ખારેક તૈયાર થતાં હજું બેથી અઢી વર્ષનો સમય લાગશે. તેઓએ ખારેકના કૂલ 31 રોપાનું વાવેતર કર્યું છે. ખારેકની માવજત અંગે કિશોરભાઈ જણાવે છે કે દવા અને ખાતરની કોઈ જરૂરિયાત રહેતી નથી. માત્ર પિયતની જ જરૂરિયાત રહે છે. લાલ ખારેક ખાવામાં પણ મીઠી મધુર લાગે છે અને કચ્છની ખારેક આમ પણ પ્રખ્યાત છે.

આમ સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામના ખેડૂત કિશોરભાઈ ડુમાણીયા ખેતીમાં નવા નવા પાકોના પ્રયોગો કરીને કમાલ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં ખેડૂતો મુખ્યત્વે કપાસ, તલ, એરંડા, જીરું, વરિયાળી અને ચણા જેવા પાકોનું વધારે વાવેતર કરતાં હોય છે ત્યારે ખોલડીયાદના કિશોરભાઈ ડુમાણીયાએ આ પાકોની સાથે સાથે શક્કરટેટી અને ખારેક જેવા પાકોનું વાવેતર કરીને અલગ ચીલો ચાતર્યો છે.

(જો તમે પણ હો સફળ ખેડૂત અને તમારી પણ હોય નિષ્ફળમાંથી સફળ થવાની એક કહાની. તમે પણ કોઈ એવા ખેડૂતને જાણતા હો જેણે ભારે પરિશ્રમ કરી પારસમણી મેળવ્યો હોય, તો ચાબુકને ઈમેઈલ કરો. તેની સિદ્ધિને અમે ગુજરાત સમક્ષ લાવીશું.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments