Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરઃ એશિયાનું સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન હોવા છતાં પાણી માટે વલખાં, રોજ...

સુરેન્દ્રનગરઃ એશિયાનું સૌથી મોટુ પમ્પિંગ સ્ટેશન હોવા છતાં પાણી માટે વલખાં, રોજ 15 હજાર રૂપિયાનું પાણી વેચાતું લેવું પડે છે !

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના લીંબડીના નાની કઠેચી સહિતના આસપાસના ગામોમાં પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવ્યું હોવા છતાં પાણીની પારાયણ સર્જાઈ છે. અહીં તંત્ર દ્વારા લોકો સુધી પાણી પહોંચાડવા માટે ટેન્કરની વ્યવસ્થા કરાઈ છે. જો કે, પાણીથી વંચિત ન રહી જવાય તે માટે લોકો પાણીનું ટેન્કર આવતાની સાથે જ પડાપડી કરવા લાગે છે.

નાની કઠેચી ગામના આ વાયરલ વીડિયો પાણીની વિકટ સમસ્યાને વર્ણવી રહ્યા છે. આરોપ છે કે, લોકોને ટેન્કરથી પણ પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નથી આવતું.. પીવાનું પાણી પણ પૂરતું ન મળતું હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.. તંત્રની નિષ્ફળતાના કારણે જ લોકો વેચાતું પાણી લઈ પીવા મજબૂર બન્યા છે. નાની કઠેચી ગામમાં દરરોજનું અંદાજે 15 હજારનું પાણી વેચાતું લેવામાં આવતું હોવાનો પણ દાવો કરાયો છે.


સ્થાનિકોનું કહેવું છે કે, તેમને વિઠ્ઠલગઢથી ખાસ યોજના હેઠળ નાની કઠેચી ગામે પાઇપલાઇનથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, જો કે, વચ્ચે કેટલાક લોકો પાઇપલાઇનમાંથી પાણીની ચોરી કરતાં હોવાથી નાની કઠેચી ગામે પીવાનું પાણી નથી પહોંચી રહ્યું. આ અંગે અનેક રજૂઆત છતાં કોઈ પગલાં નથી લેવાતા.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાનું ઢાંકી પમ્પિંગ સ્ટેશન એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન છે, જેમાંથી કુલ પાંચ પમ્પિંગ સ્ટેશનમાં હેવી વોલ્ટેજ મોટરોથી પાણી પમ્પિંગ કરીને સુરેન્દ્રનગર ધોળીધજા ડેમની સાથે સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગર સુધી પહોંચાડવામાં આવે છે. જોકે એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન ધરાવતા જિલ્લામાં જ પાણીની સમસ્યા સર્જાતા અનેક સવાલો ઉઠ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments