Team Chabuk-Gujarat Desk: : ટંકારાની કમ્ફર્ટ હોટેલમાંથી ઝડપાયેલા હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહીં આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ 6-6 લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું ઘટસ્ફોટ થયો છે. જેથી પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
મહત્વનું છે કે, ગત 26 ઓક્ટોબરના રોજ મોરબી-રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.105 માં દરોડો પાડી ટંકારા પી.આઇ. વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી (1) નિરવભાઈ અશોકભાઇ ફળદુ (2) નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા (3) ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ (4) વિમલભાઈ રામજીભાઈ પાદરીયા (5) રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (6) કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ (7) નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર (8) ગોપાલ રણછોડભાઈ સભાડ તથા (9) ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજી તરફ મોટમાથાઓને સંડોવતા આ જુગાર દરોડા પ્રકરણમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવતા અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને રાજકીય આગેવાનની રજૂઆત રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવતા પી.આઇ. વાય.કે. ગોહિલ તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

બીજી તરફ એસએમસીની તપાસ બાદ ગઈકાલે રાત્રે એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્વારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુનાહિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂપિયા 12 લાખ વિમલભાઈ પાદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂપિયા 41 લાખ તથા રોકડા રૂપિયા 10 લાખ ન્યુઝ-મીડિયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સોશિયલ મીડિયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂપિયા 51 લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત