Homeગુર્જર નગરીગીર સોમનાથ: "માતાજી રૂપિયાનો ઢગલો કરી દેશે" કહી પૂજારીને ચૂનો લગાવ્યો, ખોપરી,...

ગીર સોમનાથ: “માતાજી રૂપિયાનો ઢગલો કરી દેશે” કહી પૂજારીને ચૂનો લગાવ્યો, ખોપરી, ત્રિસૂલ, ચૂંદડી, શ્રીફળ, સાચો નાગ…

Team Chabuk-Gujarat Desk: આપણે ત્યાં કહેવત છે કે, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. એટલે કે, લાલચમાં આવનારા લોકોને ધૂતારા લૂંટી જાય છે. આવો જ એક કિસ્સો ગીર સોમનાથમાં બન્યો છે. જ્યાં તાંત્રિકવિધિના નામે 10 શખ્સોએ રાજકોટના પૂજારી પાસેથી લાખો રૂપિયા પાડાવી લીધા. લોકોને છેતરવા માટે આરોપીઓ એવી સ્ક્રીપ્ટ લખતા કે કોઈ મુવીની સ્ટોરી પણ ટૂંકી પડે.

અત્યાર સુધીમાં આરોપીઓએ અલગ અલગ લોકો પાસેથી કુલ 93 લાખ રૂપિયાની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં 66 તોલા સોનુ પણ સામેલ છે. ઝડપાયેલા આરોપીઓનો અલગ અલગ રોલ હતો. આ ટોળકીમાં કોઈ તાંત્રિક બનતું, કોઈ પોલીસ બનતું તો કોઈ પત્રકાર બનતા. તાંત્રિકનું કામ પુરુ થાય એટલે પોલીસનો રોલ શરૂ થતો. તાંત્રિકોની ટોળકી પૈસાની જરૂરિયાતવાળા લોકોને પૈસાનો ઢગલો કરાવી દેવાની માયાજાળમાં ફસાવીને લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરતી.

આરોપીઓએ રાજકોટના પૂજારીને 500 કરોડનો ઢગલો કરી દેવાની લાલચ આપી. ત્યારબાદ આરોપીઓએ ઢોંગ શરૂ કર્યો. અલગ-અલગ વિધિ કરવાના નામે છુટક છુટક કુલ 15 લાખની છેતરપિંડી કરી હોવાનો દાવો છે.

શરૂઆતમાં મુસા નામના આરોપીએ પૂજારીને રૂપિયાનો ઢગલો કરવાની લાલચ આપી. આરોપીઓએ એવો ખેલ રચ્યો કે પૂજારી લાલચમાં આવી ગયો. શરૂઆતમાં એક વ્યક્તિને માતાજી આવે છે તેમ કહીં પૂજારી સામે લવાયો જેણે માથાથી પગ સુધી કાળા કપડા પહેર્યાં હતા. અંદાજે 5 ફૂટનો આ માણસ હતો. જો કે, માતાજી આવતા જ આ વ્યક્તિની ઉંચાઈ એકાદ ફૂટ વધી ગઈ. જો કે, પૂજારીને એ ક્યાં ખબર હતી કે, કાળા કપડાવાળા વ્યક્તિએ પોતાની પાસે રહેલી લાકડીથી આ કપડું ઉંચુ કર્યું છે જેથી તેની હાઈટ વધુ દેખાઈ હતી. જો કે, પૂજારીને ચકમો આપવામાં આરોપીઓ સફળ થયા હતા. થોડીવાર ઢોંગ ચાલ્યો અને ત્યારબાદ છ ફૂટનો માણસ ફરી તેના મૂળ બાંધામાં આવી ગયો.

આ નાટક બાદ તાંત્રકે પૂજારીને કહ્યું કે, વિધિ માટે એક તેલ લાવવું પડશે જેની કિંમત 5 લાખ રૂપિયા છે. ત્યારબાદ તમને રૂપિયા મળશે. આમ પૂજારી લાલચમાં આવતો ગયો અને આરોપીઓ જેટલા રૂપિયા ખંખેરાય તેટલા રૂપિયા ખંખેરતા રહ્યા. ક્યારેક વિધિના નામે તો ક્યારેક માતાજીનો ડર દર્શાવી પૂજારી પાસેથી રૂપિયા પડાવ્યા. છેલ્લે તો આરોપીએ કહ્યું કે, હવે નર બલી ચઢાવવી પડશે. અને તે પણ કુંવારી છોકરીની તો જ માતા પ્રસન્ન થશે. પૂજારી ડરી ગયો તો આરોપીએ કહ્યું, ખોપરીની વ્યવસ્થા અમે કરી આપીશું તમે ખાલી રૂપિયા આપો. રૂપિયા આપ્યા એટલે આરોપી પ્લાસ્ટિકની ખોપરી લઈ આવ્યા. એકવાર તો આરોપીએ રૂપિયા ભરેલો રૂમ પણ પૂજારીને બતાવ્યો. જો કે, જે રૂમ બતાવ્યો તેમાં રહેલી તમામ નોટ નકલી હતી.


જો કે, હવે આરોપીઓની કાળી કરતૂતોનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીઓને ઝડલી લઈ તાંત્રિકવિધિના ઢોંગમાં ઉપયોગમાં લેવાતી નકલી ખોપડી, સાચો સાપ, ત્રિસૂલ, નાળિયેર, ધારિયું, ચૂંદડી, ધૂપિયું, ગન, મોબાઈલ અને રોકડા 6.46 લાખ રૂપિયા તેમજ 21 તોલા સોનુ સહિત 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે એસપી મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, “બે વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા પૂજારી હરકિશન ગૌસ્વામીએ આશ્રમ બનાવવા માટે પૈસાની જરૂરિયાત હોવાની વાત કરતા અલ્તાફ સમા નામના આરોપીએ કહ્યુ હતુ કે, તાલાલાના પાણીકોઠા ગામે રહેતા મુસાબાપુને સાક્ષાત માતાજી આવે છે. તે 500 કરોડ રૂપિયાનો ઢગલો કરી દેશે પરંતુ તેના માટે વિધિ કરવી પડશે.”

અલ્તાફ હરકિશન બાપુને પાણીકોઠા ગામે મુસબાપુની વાડીએ લઈ ગયો. રાતના ગોળ કૂંડાળામાં બેસાડીને મુસાબાપુએ વિધી ચાલુ કરી. અચાનક એક કાળા વસ્ત્રો ધારણ કરેલો વ્યક્તિ પ્રગટ થયો. તે માતાજી હોવાનું જણાવીને મુસાબાપુએ કહ્યું હતુ કે, ‘માતાજી આ ભેખધારી માણસને પૈસાની જરૂરિયાત છે, તમે કૃપા કરો’ એટલું કહેતા જ અંધારામાં માતાજી આલોપ થઈ ગયા.

ત્યારબાદ મુસાબાપુએ કહ્યુ હતુ કે, ‘માતાજીને પ્રસન્ન કરવા માટે સાડા પાંચ લાખ રૂપિયાનું કામરૂ અથવા પુસ્કર દેશનું તેલ મંગાવું પડશે. જેના માટે તમે થોડા દિવસો માટે પૈસા વ્યાજે લઈ લો પછી હું તમને પૈસાનો ઢગલો કરી દઈશ તેમાંથી તમે પરત આપી દેજો.’

પૂજારીએ તેમના બહેન અને સેવકો પાસેથી રકમ એકત્ર કરીને કટકે કટકે 15 લાખ જેવી રકમ તાંત્રિક વિધિ કરવા અને તેની સામગ્રી લેવા માટે મુસાબાપુને આપી હતી. ‘આ તાંત્રિક વિધિ દરમિયાન પ્રગટ થયેલા માતાજીએ એક વખત ધર્માદાના રૂપિયા આપું છું. આશ્રમના પૈસા પછી આપીશ. તેમ કહી અદૃશ્ય થઈ ગયા હતા. ત્યારબાદ વિધિમાં પૂજારીને વાડીના એક રૂમમાં ભોંયરામાં રાખેલી લાખોની રકમ બતાવી ‘આવી જ રીતે રાજકોટ તમારા ઘરે વિધિ કરવાથી પૈસાનો ઢગલો થશે’ તેમ કહી વિશ્વાસમાં લઇ લીધા હતા.

આ ઉપરાંત કારમાં મુસાબાપુ, અલ્તાફ સહિતના પૂજારી હરકિશન સાથે રાજકોટ તેમના ઘરે વિધિ કરવા જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં સાદા કપડામાં રહેલા બે નકલી પોલીસ કર્મચારીઓએ કારને વાહન ચેકિંગ માટે રોકાવી તલાસી લીધી હતી. 3 લાખ રોકડા અને ખોપળી મળી આવી હતી. આ દરમિયાન નકલી પોલીસ બનેલા શખ્સોએ મુસાબાપુને માર માર્યો અને પૂજારીને ભગાડી દીધા.

થોડા દિવસો પછી મુસાબાપુએ પૂજારીને ફોન કરીને પોલીસથી માંડ છૂટ્યો હોવાનું જણાવ્યું. અને માતાજી નારાજ થઈ ગયા હોવાથી વિધિ થશે નહીં તેવું જણાવી દીધું. રૂપિયા ન મળતા પૂજારીને પોતે છેતરાયા હોવાનો અસેહાસ થયો અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 10 લોકોની ધરપકડ થઈ છે જ્યારે 4 જેટલા આરોપી હજુ ફરાર છે.

doctor plus

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments