Homeગુર્જર નગરીવાવાઝોડાનું જોર ઘટ્યું, અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે

વાવાઝોડાનું જોર ઘટ્યું, અમદાવાદથી ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે

Team Chabuk-Gujarat Desk: અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલું તૌકતે વાવાઝોડું ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, તેમ છતાં ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. આગામી ૨૪ કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે તૌકતે વાવાઝોડું હાલ અમરેલી અને બોટાદની વચ્ચે છે. જે કલાકના ૭ કિલોમીટરની ઝડપે રાજ્યની ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સ્થિતિમાં વાવાઝોડું અમદાવાદ નજીકથી પસાર થશે. જોકે પવનની ઝડપ ઘટીને ૪૦ થી ૪૫ કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા પણ છે.

મનોરમા મોહંતીએ ઉમેર્યું કે આ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે તેથી ઉત્તર ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે. આ વાવાઝોડું નબળું પડ્યું છે, પણ નાગરિકોએ પોતાના ઘરમાં સુરક્ષિત રહેવા માટે તેમણે અપીલ કરી હતી.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું કે હવામાન વિભાગની આગાહી બાદ આગામી સ્થિતિ અંગે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ છે તેમજ ભારે વરસાદની સંભાવના ધરાવતા જિલ્લાના વહીવટીતંત્રને સજાગ રહેવા સૂચના આપવામાં આવી છે. પંકજ કુમારે વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલ સવારથી વાવાઝોડાની અસર ઓછી થશે. રાત સુધી તકેદારી રાખવી પડશે. વાવાઝોડાની ગતિ ધીમી થયા બાદ સહાયતાની કામગીરી કરવામાં આવશે.

આવતીકાલે વહેલી સવારે જ વાવાઝોડું ગુજરાત છોડી દે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદથી આ વાવાઝોડું ઉત્તર ગુજરાત થઈ રાજસ્થાન તરફ ફંટાઈ શકે છે. દીવથી પ્રવેશેલું આ વાવાઝોડું ગઈકાલ રાતથી રાજ્યમાં તાંડવ મચાવી રહ્યું છે. જો કે રાહતની વાત એ છે કે વાવાઝોડાની ગતિ ધીમી પડી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને વાવાઝોડાની પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના જણાવ્યા અનુસાર 2437 ગામમાં વીજળી ડુલ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1081 થાંભલા પડી ગયા છે, 40 હજારથી વધુ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. 196 જેટલા રસ્તાઓ બંધ થયા છે. 16500 કાચા મકાન અસરગ્રસ્ત થયા છે. હાલ સર્વે ચાલુ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments