Homeગુર્જર નગરીજામનગરઃ દીકરીના લગ્નના આગલા દિવસે જ પિતાએ કરી આત્મહત્યા, પરિવાર શોકમગ્ન

જામનગરઃ દીકરીના લગ્નના આગલા દિવસે જ પિતાએ કરી આત્મહત્યા, પરિવાર શોકમગ્ન

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં બનેલી એક ઘટનાએ ભલભલા લોકોના કાળજા કંપાવી દીધા છે. જે ઘરમાં શરણાઈ ગુંજવાની હતી તે ઘરમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. વાત જાણે એમ બની કે, જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુરમ સોસાયટીમાં દીકરીના લગ્નના એક દિવસ પહેલાં જ પિતાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. દીકરીના લગ્નના એક દિવસ પહેલાં જ પિતાએ આ પગલું ભરી લેતાં પરિવારજનો અને સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જે દીકરીના લગ્ન હતાં તેના હજુ ગઇકાલે સાંજે જ લગ્નગીત અને માંડવાની રસમ પૂર્ણ થઈ હતી અને આવતીકાલે જાન આવવાની હતી. ત્યારે પિતાએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં પરિવાર પર માથે આભ ફાટી પડ્યું છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, જામનગરના નવાગામ ઘેડની મધુરમ સોસાયટી વિસ્તારમાં રહેતા નરોત્તમભાઈ છગનભાઈ રાઠોડે આજે વહેલી સવારે પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વહેલી સવારે પિતાને ચા પીવડાવીને નરોત્તમભાઈ ઘરેથી નીકળ્યા હતા. જ્યારે થોડી જ વારમાં મોતના સમાચાર આવતાં લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મૃતક નરોત્તમભાઈ રાઠોડને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે, જેમાંથી મોટી દીકરીના લગ્ન સિક્કા ગામે નક્કી થયા હતા અને આવતીકાલે સિક્કાથી જાન આવવાની હતી. નરોત્તમભાઈના અન્ય ત્રણ ભાઈઓ સહિતનો પરિવાર લગ્નપ્રસંગને લઈને એકત્ર થયો હતો અને ઘેર માંડવા પણ બંધાઈ ગયા છે. એ દરમિયાન આજે વહેલી સવારે પોતે બહાર ગયા હતા અને બાદમાં પોતાના મકાનની બાજુમાં જ ચાલતી એક કન્સ્ટ્રક્શનની સાઇટ પર દોરડુ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મૃતક નરોત્તમભાઈનો પુત્ર ત્યાંથી પસાર થતાં પિતાના મૃતદેહને લટકતો જોઈને અવાચક બની ગયો હતો અને પરિવારને જાણ કરી હતી. આ સમાચાર મળતાં જ પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ દ્રવી ઊઠ્યું હતું.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી. ડિવિઝનના પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન કયા સંજોગોમાં તેમણે આત્મહત્યાનું પગલું ભરી લીધું એ અંગે પરિવારજનો કોઈપણ બાબત જાણતા ન હોવાનું જણાવ્યું હતું. તેમને આર્થિક કોઈ તકલીફ ન હતી અથવા તો અન્ય કોઈ દબાણ પણ ન હતું, તેમ છતાં કયા સંજોગોમાં લગ્નના આગલા દિવસે જ આ પગલું ભરી લીધું એ અંગે પોલીસ તપાસ કરી રહી છે. નરોત્તમભાઈ રાઠોડના મોત બાદ દીકરીના લગ્ન હાલ મોકૂફ રાખવામાં આવ્યા છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments