ગુજરાત સરકારમાં છેલ્લા વર્ષમાં લેવાયેલી ભરતી પરીક્ષામાં થયેલા ભવાડાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ પ્રવર્ત્યો હતો. વિરોધનું વાવાઝોડુ ગાંધીનગર સુધી પહોંચ્યું હતું. જોકે નવા વર્ષે ગુજરાત સરકાર ફરી એક વખત પારદર્શી ભરતી કરવામાં સજ્જ થઈ છે.
શૈક્ષણિક સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં રોજગારીના લક્ષ્યાંકને પાર પાડવા માટે સરકારે કમર કસી છે. GPSCની 1200થી વધારે જગ્યા પર ભરતી પરીક્ષાની અરજીની તારીખ ડિસેમ્બર સુધી લાંબાવી દેવામાં આવી છે. આ કારણે રહી ગયેલા વિદ્યાર્થીઓ પણ આવેદન કરી શકશે.
સરકારે પોતાના અંદાજપત્રમાં 35,000થી વધારે રોજગારી આપવાની વાત કરી હતી. કઈ કઈ જગ્યાએ ભરતી કરવામાં આવશે તેના પર નજર કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા કુલ 35,000 ભરતીમાંથી પોલીસ ખાતામાં 11,000 ભરતી કરવામાં આવશે. શૈક્ષણિક સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 6 હજાર શિક્ષકો અને 2 હજાર લોકોની ઉર્જા વિભાગમાં ભરતી કરવામાં આવશે.
આ પહેલા 900 કરતા પણ વધારે ભરતીની પ્રક્રિયા જાહેર કરવામાં આવી હતી. જેને પણ ટૂંક સમયમાં આટોપવામાં આવશે. GPSCની ભરતી પર જીપીએસસીના અધ્યક્ષ દિનેશ દાસાએ કહ્યું હતું કે, આ જગ્યાઓ પર ડીવાયએસઓ, જીએમડીસી વહિવટી અધિકારી, ઓફિસ આસિસ્ટન્ટ અને એવી અન્ય જગ્યાઓ માટે કોઈ પણ અરજદારે જે તે વિદ્યાશાખામાંથી સ્નાતક હોવું આવશ્યક છે.
આ વર્ષે કોરોના કારણે એક પણ ભરતી શક્ય ન બની. હવે આવનારા વર્ષમાં ગુજરાત સરકાર પારદર્શી ભરતી કરી નવી જગ્યાઓ ભરશે. અગાઉ ભરતીમાં થયેલા ભવાડાએ સરકાર રોજગારી નથી અપાવી શકતી અને અપાવે છે તો એ પરીક્ષાઓ પૂર્ણ નથી થતી તેવા આક્ષેપો થયા હતા. હવે સરકાર જો પરીક્ષા યોજે છે તો તેના માથે પણ મોટી જવાબદારી રહેશે કે તે શિસ્તપૂર્વક એક પણ પ્રકારના છમકલા વગર ભરતી પ્રક્રિયાનું આયોજન કરે.
સરકારે બજેટમાં 35,000 ભરતી કરવાની વાત વહેતી મૂકી હતી. જેમાં સૌથી વધારે પોલીસના વિવિધ વિભાગોમાં જ ભરતી થશે તે વાત હાલ તો ઉડીને આંખે વળગી રહી છે.
હવે તાડામાર તૈયારીઓ થશે. લાઈબ્રેરીઓ ભરચક થઈ જશે. વિદ્યાર્થીઓ કમર કસસે. દિવસ રાતના ઉજાગરા થશે. ગ્રાઊન્ડ પાસ કરવા મહેનત કરવામાં આવશે. આ બધા માટે નર્મદની કવિતા..
સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
કેટલાંક કર્મો વિષે ઢીલ નવ ચાલે
શંકા ભય તો બહુ રોજ હામને ખાળે
હજુ સમય નથી આવિયો કહી દિન ગાળે
જન બહાનું કરે નવ સરે અર્થ કો કાળે
ઝંપલાવવાથી સિદ્ધિ જોઈ બળ લાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને
તે પરશુરામ પરસિદ્ધ રહ્યો નિજ વચને
સાહસે ઈન્દ્રજિત શૂર હણ્યો લક્ષ્મણે
સાહસે વીર વિક્રમ જગત સહુ ભણે
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
સાહસે કોલંબસ ગયો નવી દુનિયામાં
સાહસે નેપોલિયન ભીડ્યો યુરોપ આખામાં
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં
સાહસે સ્કોટે દેવું રે વાળ્યું જોતામાં
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે
સાહસે જ્ઞાતિના બંધ કાપી ઝટ નાખો
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો
સાહસે કરો વેપાર જમે સહુ લાખો
સાહસે તજી પાખંડ બ્રહ્મરસ ચાખો
સાહસે નર્મદા દેશદુઃખ સહુ ભાગે
યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે