વાર્તા – નાનો જાદુગર
લેખક – જયશંકર પ્રસાદ
મૂળ -હિન્દી ભાષા
અનુવાદ – Team Chabuk
કાર્નિવલના મેદાનમાં રોશની જગમગી રહી હતી. લોકો ખડખડાટ હસી રહ્યા હતા તેનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું નાના ફુવારાની પાસે ઊભો હતો. જ્યાં એક છોકરો ચૂપચાપ દારૂ પીનારાઓને જોઈ રહ્યો હતો. તેના ગળામાં ફાટેલા કૂરતાની ઉપરથી સૂતરની દોરી લબડેલી હતી અને ખિસ્સામાં ગંજીપાના પત્તા હતા. તેના ચહેરા પર ગંભીર વિષાદની સાથે ધૈર્યની રેખા સ્પષ્ટ અંકાઈ રહી હતી. હું તેના પ્રત્યે શા માટે આકર્ષિત થયો. તેના અભાવમાં જ સંપૂર્ણતા વર્તાય રહી હતી.
મેં પૂછ્યું, ‘કેમ, તે આમાં શું જોયું ?’
‘મેં બધુ જોયું. અહીં બંગડીઓ ફેંકે છે. રમકડાં પર નિશાનો લગાવે છે. તીરથી આંકડાઓને મારવામાં આવે છે. મને તો રમકડાં પર નિશાનો લાગે એ સારું લાગ્યું. જાદુગરને તો કંઈ નથી આવડતું. તેનાથી સારો ગંજીપાનો ખેલ તો હું બતાવી શકું છું.’ તેણે ખૂબ જ પ્રગલ્લભતાથી કહ્યું. તેની વાણીમાં જરા પણ અવરોધ નહોતો.
મેં પૂછ્યું, ‘અને એ પડદામાં શું છે ? ત્યાં તું ગયો હતો ?’
‘ના, ત્યાં નથી જઈ શકતો. ટિકિટ જોઈએ.’
મેં કહ્યું, ‘તો ચાલ, હું ત્યાં તને લઈ જાઉં.’ મેં મનમાં જ કહ્યું, ‘ભાઈ, આજનો તું જ મિત્ર છો.’
તેણે કહ્યું, ‘ત્યાં જઈને શું કરવું ? ચાલો નિશાનો લગાવીએ.’
હું તેની સાથે સહમત થયો અને કહ્યું, ‘તો પછી ચાલ, પહેલા શરબત પી લઈએ.’ તેણે અનુમતિની મુદ્રામાં માથુ હલાવ્યું.
માણસોની ચીક્કાર ભીડના કારણે શિયાળાની સાંજે પણ ત્યાં ઉષ્ણતાની અનુભૂતિ થઈ રહી હતી. અમે બંને શરબત પીને નિશાનો લગાવવા ગયા. રસ્તામાં જ મેં તેને પૂછ્યું, ‘તારા ઘરમાં બીજા કોણ છે?’
‘મમ્મી અને પપ્પા.’
‘એણે તને અહીં આવવા માટે ના ન પાડી?’
‘પિતાજી જેલમાં છે.’
‘કેમ ?’
‘દેશ માટે.’ એ ગર્વથી બોલ્યો.
‘અને તારી મા?’
‘એ બીમાર છે.’
‘અને તું તમાશો જોઈ રહ્યો છો?’
તેના મોઢા પર તિરસ્કારનું હાસ્ય ફૂટી નીકળ્યું. તેણે કહ્યું, ‘તમાશો જોવા નહીં બતાવવા નીકળ્યો છું. થોડા રૂપિયા લઈ જઈશ અને મમ્મીને આપી દઈશ. મને શરબત ન પીવડાવીને મારો ખેલ જોઈને, જો તમે મને કંઈક આપી દીધું હોત, તો મને વધારે ખુશી મળેત.’
હું આશ્ચર્યથી એ તેર-ચૌદ વર્ષના છોકરાને જોવા લાગ્યો.
‘હું,સાચું કહું છું સાહેબ! મમ્મી બીમાર છે. એટલે હું ન ગયો.’
‘ક્યાં?’
‘જેલમાં! જ્યારે કેટલાક લોકો ખેલ જુએ છો, તો હું શા માટે નાનો મોટો ખેલ બતાવીને મમ્મીની દવા ન કરું અને પેટ ન ભરું.’
મેં ઊંડો શ્વાસ લીધો. ચારે બાજુ વિજળીના ગોળા નૃત્ય કરી રહ્યા હતા. મન વ્યગ્ર થઈ ગયું. મેં તેને કહ્યું, ‘ઠીક છે, ચાલ, નિશાનો લગાવીએ.’
અમે બંને એ જગ્યાએ પહોંચ્યા જ્યાં રમકડાંની મદદથી બોલને પાડવામાં આવે. મેં બાર ટિકિટ ખરીદીને છોકરાને આપી.
એ તો પાક્કો નિશાનેબાજ નીકળ્યો. તેનો એક પણ બોલ ખાલી ન ગયો. જોનારા તો આભા થઈ ગયા. તેણે બારે રમકડાંને એકઠા કરી લીધા. આટલા બધા ભેગા કેમ કરવા? એટલે કેટલાક રૂમાલમાં બાંધ્યા, કેટલાક ખિસ્સામાં સેરવી દીધા.
છોકરાએ કહ્યું, ‘શેઠ તમને ખેલ બતાઉં. બહાર આવો હું જાવ જ છું.’ એ એક-બે અને ત્રણ થઈ ગયો. મેં મનમાં જ કહ્યું, ‘આટલી જલદી આંખ બદલી ગઈ.’
હું રખડીને પાનની દુકાન પર આવી ગયો. પાન ખાઈને મોડે સુધી અહીંથી ત્યાં રખડતો રહ્યો. ચકડોળની પાસે લોકોને ઉપર-નીચે થતાં જોતો રહ્યો. હું જોતો હતો અને અકસ્માતે કોઈએ ચકડોળની એક ડોલીમાંથી અવાજ કર્યો, ‘એ શેઠ.’
મેં પૂછ્યું, ‘કોણ?’
‘હું નાનો જાદુગર.’
*******
કલકત્તાના સુરમ્ય બોટનિકલ ગાર્ડનમાં હું લાલ કમળોથી ભરાયેલા એક નાના એવા તળાવના કિનારે, આચ્છાદિત વૃક્ષોની છાયામાં મારી ટોળકીની સાથે બેઠો હતો અને પાણી પીતો હતો. વાતો થઈ રહી હતી. એટલામાં એ જ નાનો જાદુગર આવી ગયો. હાથમાં ખાદીના કપડાં હતા, એકદમ સાફ અને અડધી બાંઈનો કુરતો. માથા પર મારો રૂમાલ સુતરની દોરીથી બંધાયેલો હતો. મસ્તાની ચાલમાં મૌજથી મારી પાસે આવીને બોલ્યો.
‘શેઠ નમસ્કાર! આજ કહો તો ખેલ બતાઉં.’
‘ના હમણાં નહીં અત્યારે હું પાણી પીઉં છું.’
‘એ પછી શું ગીત-સંગીત થશે શેઠજી?’
‘નહીં તને…’ ગુસ્સામાં હું કંઈક બીજું કહેવા જઈ રહ્યો હતો. મિસિસે કહ્યું, ‘બતાવ જોઈએ. અમે પણ જોઈએ. ક્યાંક મન તો લાગે.’ હું ચૂપ થઈ ગયો. મારી પત્નીના અવાજમાં મમતાથી લથબથ મીઠાશ હતી. જેની સમક્ષ કોઈ પણ છોકરાને આંતરી ન શકાય. તેણે રમતની શરૂઆત કરી.
એ વખતે કાર્નિવલના બધા રમકડાં તેની રમતમાં અભિનય કરવા લાગ્યા. રિંછ મનાવવા લાગ્યો. બિલાડી ઉદાસ થવા લાગી. વાંદરાઓ ઘુરકારી કરવા લાગ્યા. ઢીંગલીના લગ્ન થયા. ઢીંગલો વર બન્યો. છોકરાની વાણીમાંથી અભિનય નિતરતો હતો. સૌ હસી હસીને લોટપોટ થઈ ગયા.
હું વિચારી રહ્યો હતો. બાળકને તેની અનિવાર્યતાએ કેટલો બુદ્ધીશાળી બનાવી દીધો હતો. આ જ તો સંસાર છે.
ગંજીપાના બધા પત્તા લાલ થઈ ગયા. એ પછી બધા કાળા થઈ ગયા. ગળામાં રહેલી સૂતરની દોરી ટૂકડા ટૂકડા થઈને ફરી જોઈન્ટ થઈ ગઈ. મેં કહ્યું, ‘બસ હવે. તારો ખેલ અહીં જ પતાવી નાખ, અમે લોકો હવે જવા માગીએ છીએ.’
મારી પત્નીએ ધીરેથી એક રૂપિયો કાઢીને તેને આપી દીધો. એ ઉછળી પડ્યો.
મેં કહ્યું, ‘છોકરા.’
‘નાનો જાદુગર કહો. એ જ મારું નામ છે. એના થકી જ મારી આજીવિકા છે.’
હું કંઈક બોલવા ઈચ્છતો હતો ત્યાં મારી પત્નીએ કહ્યું, ‘ઠીક હવે કહે, આ રૂપિયાનું તું શું કરીશ?’
‘પહેલા ભરપેટ પાણીપુરી ખાઈશ અને પછી એક ધાબળો લઈશ.’
મારો ગુસ્સો પરત આવી ગયો. હું મારા પર જ ગુસ્સે થઈ વિચારવા લાગ્યો, ‘ઓ…. કેટલો સ્વાર્થી છું હું. તેને એક રૂપિયો મળતો જોઈ હું ઈર્ષ્યા કરવા લાગ્યો હતો.’
એ નમસ્કાર કરીને ચાલ્યો ગયો. અમે લોકો લતા-કુંજ જોવા માટે ચાલ્યા ગયા.
એ નાના કૃત્રિમ જંગલમાં સાંજ કંઈક બબડી રહી હતી. અસ્તાંચળગામી સૂર્યની કિરણો વૃક્ષના પાંદડાઓ પરથી વિદાય લઈ રહી હતી. એક શાંત વાતાવરણ હતું. અમે લોકો ધીમે ધીમે મોટરથી હાવડા તરફ આવી રહ્યા હતા.
રહી રહી ને એ નાનો જાદુગર યાદ આવી જતો હતો. ત્યાં સાચેક એક ઝુંપડીની પાસે તે ખભા પર ધાબળો નાખેલો મળી આવ્યો. મેં મોટર ઊભી રખાવીને તેને પૂછ્યું, ‘તું અહીં ક્યાંથી.’
‘મારી મા અહીં જ છે ને. હવે તેને હોસ્પિટલવાળાઓએ કાઢી મૂકી છે.’ હું ઉતરી ગયો. મેં ઝુંપડીમાં જોયું તો એક સ્ત્રી ચીંથરાઓ ઓઢી કણસી રહી હતી.
નાના જાદુગરે તેના શરીર પર ધાબળો ઓઢાળ્યો અને તેની સાથે પોતે પણ ઓઢી જતાં બોલ્યો, ‘મમ્મી.’
મારી આંખોમાંથી આંસુઓ સરી પડ્યા.
*******
રજાઓ પૂરી થઈ તેને લાંબો સમય વીતી ગયો હતો. મારે મારી ઓફિસમાં સમયસર પહોંચવાનું હતું. કલકત્તાથી મન ઉઠી ગયું હતું. છતાં ચાલતા ચાલતા વધુ એક વખત તે બગીચાને જોવાનું મન થઈ ગયું. સાથે જ જાદુગર પણ દેખાય જાય તો વધારે જ….હું એ દિવસે એકલો જ જઈ રહ્યો હતો. જલદીથી પરત ફરવાનું હતું.
દસ વાગી ચૂક્યા હતા. મેં જોયું કે એ નમણા તડકામાં રસ્તાના કિનારે નાના જાદુગરનો રંગમંચ સજેલો હતો. હું મોટર ઊભી રખાવીને ઉતરી ગયો. ત્યાં બિલાડી રિસાઈ રહી હતી. રિંછ મનાવી રહ્યો હતો. વિવાહની તૈયારીઓ થઈ રહી હતી. આ બધું થતું હતું પણ જાદુગરના અવાજમાં જે આનંદ હોવો જોઈએ તે નહોતો દેખાઈ રહ્યો. જ્યારે એ બીજાઓને હસાવવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે તે ધ્રૂજી જતો હતો. માની લો જાણે એ રડી રહ્યો હોય. ક્ષણ માટે જ તે સ્ફૂર્તિવત્ત થઈ ગયો. મેં તેની પીઠ થપથપાવતા કહ્યું, ‘આજે તારો ખેલ જામ્યો નહીં?’
‘મમ્મીએ કહ્યું છે કે આજે તુરંત આવી જજે.’ ચહેરા પર અવિચલ ભાવ લાવતા તેણે કહ્યું.
‘તો પણ તું ખેલ કરવા આવી ગયો.’ મેં ગુસ્સો ઓકતા કહ્યું. માણસના સુખ-દુખનું માપ પોતાનું જ તો સાધન છે. તે અનુપાત સાથે તુલના કરી રહ્યો હતો.
તેના ચહેરા પર એ જ તિરસ્કારની રેખા ફૂટી નીકળી.
તેણે કહ્યું, ‘ન શા માટે આવું ?’
વધારે કંઈક કહેતા તે અપમાનનો અનુભવ કરી રહ્યો હતો.
તત્ક્ષણ મને મારી ભૂલની ખબર પડી ગઈ. તેના થેલાને ગાડીમાં નાખતા મેં તેને કહ્યું, ‘જલદી ચાલ.’ અને મોટર મેં બતાવેલા માર્ગ પર ચાલવા લાગી.
થોડી જ મિનિટોમાં ઝુંપડીની પાસે પહોંચ્યો. જાદુગર ઝુંપડીમાં દોડીને મમ્મી-મમ્મી કરતો દોડ્યો. હું પાછળ હતો. પણ તેની માનાં મોઢામાંથી, ‘બે…’ નીકળીને રહી ગયું. તેના નબળા હાથ ઉપર ઉઠ્યા અને પછી પડી ગયા. જાદુગર તેને પકડીને રડી રહ્યો હતો. હું સ્તબ્ધ હતો. એ ઉજ્જવળ તડકામાં સમસ્ત વિશ્વ જાદુની રીતે મારી ચારે તરફ નાચી રહ્યું હતું.