અગમચેતીના પગલાં રૂપે અને કોરોનાના વધતા આતંકી વ્યાપને નાથવા માટે કેટલાક રાજ્યો દ્રારા નિર્ણયો લેવામાં આવ્યા હતા. દિવાળી અને નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત જનતાએ ગણતરીની સેકન્ડોમાં એ તમામ નિર્ણયોને કાગનો વાઘ બનાવીને રાખી દીધા. નિયમો શોભાના ગાંઠીયા સમાન બની ગયા.
રાત થતા જ્યારે મોટી ઉજાણી કરવાની હોય એ રીતે ધૂમ ધડાકા થતા હતા. આ પહેલા સોશિયલ મીડિયામાં મેસેજોનો મારો ચલાવવામાં આવ્યો હતો કે, આખુ વર્ષ ગાડીઓ ચાલે છે તેનાથી પ્રદૂષણ નથી થતું અને તહેવારના દિવસે ફટાકડા ફોડવામાં આવે તો વાતાવરણ પ્રદૂષિત થઈ જાય છે. જોકે કોરોનાના કારણે ગત્ત વર્ષની તુલનાએ ફટાકડાઓ ઓછા ફૂટ્યા. કેટલાક ખરેખર સમજુ લોકોએ સાદગી અને સમજદારી પૂર્વક ઘરે પરિવાર સાથે રહીને દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી હતી.
ગુજરાતમાં તો કેટલાક નિયમોની વચ્ચે ફટાકડા ફોડવા દેવાની એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી હતી. એ ગાઈડલાઈનનો બે દિવસ કોઈ અત્તોપત્તો ન રહ્યો. દિવાળી અને નવા વર્ષ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતો ધોખો, ધોકો નહીં. આવી જતા એ દિવસે પણ રાત્રે ફટાકડાની મજા લોકોએ માણી હતી.
દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે આ વર્ષે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પ્રદૂષણની સાથે ત્યાં વકરતો કોરોના અને હવે શિયાળામાં ધુમ્મસના કારણે વાતાવરણ દૂષિત થવાની સમસ્યા રહે છે. મુખ્યમંત્રીએ નિર્ણય લીધો હતો કે આ વખતે સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવે, પણ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આદેશના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.
રાજસ્થાનમાં પણ સ્થિતિ કાબુ બહાર રહી હતી અને જાહેર રસ્તાઓ પર ઉતરી આવેલી કેટલીક ટોળકીઓએ રસ્તા વચ્ચે આવી ધૂમધડાકા કર્યા હતા. દિલ્હીના ગુરૂગ્રામમાં તો હવાનું સ્તર ખૂબ બગડ્યું છે. જેથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કરવો પડશે.
દિલ્હીની સરકારે 30 નવેમ્બર સુધી ફટાકડાની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારનો આ નિર્ણય પણ તેના અમલીકરણમાં પાંગળો પૂરવાર થયો હતો. કેટલાક લોકોએ પહેલાથી જ ફટાકડાની ખરીદી કરી દીધી હતી અને ધામધૂમથી ધડાકા કર્યા હતા.
નિષ્ણાંતો દ્રારા શુક્રવારે દિલ્હીના હવામાનની ક્વોલિટી તપાસવામાં આવી ત્યારે 324 નીકળી અને દિવાળી પછી એ જ ક્વોલિટી 424 સુધી પહોંચી ગઈ હતી. આજે એ ક્વોલિટીનું સ્તર 500 સુધીના ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.
#WATCH Delhi: People burst firecrackers in South Extension area in South Delhi on #Diwali.
— ANI (@ANI) November 14, 2020
National Green Tribunal (NGT) has imposed a total ban on the sale or use of all kinds of firecrackers in Delhi-NCR till 30th November. pic.twitter.com/qBw8ADRpe4
જનતા પણ ફૂલઝડી જેવા નાના ફટાકડાઓ ફોડવાની જગ્યાએ પોતાની બહાદુરી સાબિત કરતાં ગગનચૂંબી જાય તેવા, કાનમાં ધાકુ પાડી દેતા અને ત્રણ કિલોમીટર સુધીના વિસ્તાર સુધી તેની સૌંદર્યતાની ઝલક દર્શાવતા ફટાકડા ફોડ્યા હતા.
ફટાકડા કેટલા ફૂટ્યા છે અને વાતાવરણ કઈ હદ સુધી પ્રદૂષિત થવાનું છે તેની ગંભીરતા સોશિયલ મીડિયાની સેના દ્વારા અપલોડ કરવામાં આવેલા વીડિયો પરથી જ લગાવી શકાય. ફટાકડા ફોડતા અસંખ્ય વીડિયો પણ સોશિયલ મીડિયા પર અપલોડ થયા. જે એ વાતની સાબિતી હતી કે નિયમોનું ઉલ્લંઘન થયું તો છે.
ગુજરાતમાં તો દિવાળીની રાત્રે આઠથી દસ વાગ્યા સુધી જ ફાટાકડા ફોડવાનું જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જે કાગળ પર જ રહી ગયું. દસ વાગ્યા પછી પણ ધડાકા થતા રહ્યા. એ વાત પણ જાણવા જેવી છે કે ગુજરાતમાં શું દેશી જ ફટાકડા ફૂટ્યા વિદેશી ફટાકડા ન ફૂટ્યા ? કારણ કે ગાઈડલાઈન મુજબ વિદેશી ફટાકડા ફોડવાની પરવાનગી નહોતી, પણ કેટલાક ધડાકાઓ એ વાતની પૂર્તિ આપતા હતા કે વિદેશી ધડકાઓ પણ થયા તો છે જ.
સુરતમાં 125 ડેસિબલથી ઓછો અવાજ હોય તેવા ફટાકડા અને તે પણ જાહેર રસ્તામાં કે બજારોમાં નહીં તેવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ ફટાકડો 125 ડેસિબલનો જ અવાજ કરે છે વધારે નહીં તે કોણ માપશે ? આ જ રીતે અમદાવાદમાં પણ 125 ડેસિબલની વાત થઈ હતી. પણ ઘરના બંધ બારી-બારણ વચ્ચે પણ ધડાકો સ્પષ્ટ ઉત્તર આપતો કહેતો હતો કે, ‘આઈ એમ નોટ 125 ડેસિબલ્સ ફટાકડા.’
આમા તંત્રનો વાંક નથી. તેના માથે તહેવારો દરમિયાન બીજી પણ મોટી જવાબદારી હોય છે. વાંક જનતાનો જ છે. ગાઈડલાઈનનું ઘણી જગ્યાએ ઉલ્લંઘન થયું. કદાચ તંત્ર આ વાતથી અજાણ હશે તો એમણે એ લોકોને પૂછવું જે લોકો ફટાકડાના અવાજના કારણે રાત્રે ઉંઘી નહોતા શકતા. ખ્યાલ આવી જશે કે ફટાકડા દસ વાગ્યા સુધી 125 ડેસિબલ વાળા જ ફૂટ્યા કે વધારે.