Homeગુર્જર નગરીસોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ લોકોની મેદની...

સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળાના બીજા દિવસે વિક્રમજનક 2 લાખથી વધુ લોકોની મેદની ઉમટી

Team Chabuk-Gujarat Desk: સોમનાથમાં આયોજિત કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 અત્યાર સુધીના દરેક રેકર્ડ તોડી રહ્યો છે. જ્યારે મેળાની પ્રથમ રાત્રિએ 1 લાખ થી વધુ સેહલાણીઓનો સમુદ્ર ઘુઘવાટા મારી રહ્યો હતો. ત્યારે મેળાના બીજા દિવસે વિક્રમ જનક 2,00,000 લાખથી વધુ મુલાકાતીઓ મેળામાં પધાર્યા હતા. 

ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને સરકારના સુરક્ષા માપદંડો મેળવવામાં નિષ્ફળ ગયેલ એજન્સીનું ટેન્ડર રદ કરી મોટી રાઇડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે આ નિર્ણય લોકો અને વેપારીઓ બંને માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. જે સામાન્ય પરિવારો મેળામાં બે કે ત્રણ રાઈડમાં બેસીને ખાણીપીણીમાં ઓછો ખર્ચો કરતા તેની સામે ખાણીપીણી, રાચરચીલાનો વ્યાપાર અનેક ગણો વધ્યો છે. અત્યાર સુધી ક્યારેય પહેલા દિવસે ન આવી હોય તેટલી મેદની 2 દિવસમાં જોવા મળી છે જેથી મેળામાં વેપારીઓ આનંદમાં છે.

સાથે મેળામાં આવનાર મુલાકાતીઓ પણ જણાવી રહ્યા છે કે, મેળામાં રાઇડ્સમાં ખર્ચો કરવા ઉપરાંત પણ સલામતીની ચિંતા સતાવતી હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટે સલામતી ન હોય તેવી રાઇડ્સ બંધ રાખવાનો જે નિર્ણય કર્યો છે. તેને કારણે સુરક્ષિત પણ અનુભવીએ છીએ સાથે સાથે જે રાઇડ્સમાં ખર્ચો કરવાના હતા તે બાળકો સાથે ખાણીપીણી અને ખરીદીમાં કરીએ છીએ જેથી પરિવાર પણ ખુશ છે. 

મેળાના બીજા દિવસે 2,00,000 થી વધુ લોકોએ હસ્તકલા, રાચરચીલું, ફૂડ માર્કેટ, જેલના ભજીયા, સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા સુશ્રી અપેક્ષા પંડ્યા અને વૃંદની સંગીત સાધના સાથે સાથે મેળાના પરંપરાગત અને આધુનિક બંને પ્રકારના મનોરંજન મેળવ્યા હતા.

kartik purnima mela

નાના બાળકો માટે રાખવામાં આવેલ 50 જેટલી રાઇડ્સ અને ગીરનું ગામડું, somnath@70, પંચદેવ મંદિર, કલ્પ વૃક્ષ સેલ્ફી પોઇન્ટ, જેવા મનોહર પ્રદર્શનોને કારણે મેળામાં લોકોને વિશેષ આકર્ષણ જાગ્યું છે. લોકોએ આ મેળામાં પોતાના પરિવાર સાથે ઉમંગભર્યા માહોલમાં ભાગ લીધો છે. જોવા મળી રહ્યું છે કે સરેરાશ મુલાકાતિઓની ખરીદશક્તિ વધી છે, જેના કારણે મેળાના વિવિધ સ્ટોલ્સ પરના વ્યાપારીઓને ગત વર્ષોની સાપેક્ષમાં અપેક્ષા કરતાં બમણું વેચાણ થતાં અર્થતંત્ર તંદુરસ્ત રીતે ખીલ્યું છે.

મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા

ત્યારે આટલી મોટી સંખ્યામાં આવનાર મુલાકાતીઓ માટે ટ્રસ્ટ દ્વારા વિશાળ પાર્કિંગ પાણી સહિતની પ્રાથમિક વ્યવસ્થાઓ ગોઠવી છે. સાથે સાથે મેળાની સુરક્ષાને પણ અગ્રીમતા આપવામાં આવી છે ફાયર ટેન્ડર સહિતની ટીમ એમ્બ્યુલન્સ મેળામાં સ્ટેન્ડ બાય રખાયા છે. મેળા ને ચારે તરફથી પોલીસ સુરક્ષા પણ મળી છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પૂરતો પોલીસ ફોર્સ ગોઠવવામાં આવ્યો છે સાથેજ ગીર સોમનાથ પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ કરીને સુરક્ષાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે.

આમ, શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો 2024 પોતાના ઇતિહાસમાં સૌથી વધારે ફૂટફોલ અને વેપારીઓ માટે વિક્રમી વ્યાપાર તરફ આગળ વધી રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments