Homeગુર્જર નગરીધારાસભ્યના ઘરમાં ધાડ પડીઃ કલોલના MLA બળદેવજી ઠાકોરના ઘરમાંથી લાખોની ચોરી

ધારાસભ્યના ઘરમાં ધાડ પડીઃ કલોલના MLA બળદેવજી ઠાકોરના ઘરમાંથી લાખોની ચોરી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ચોર, લૂંટારું બેફામ બન્યા હોય તેમ અવારનવાર ચોરી અને લૂંટના બનાવો સામે આવતા રહે છે. સામાન્ય જનતાની સાથે સાથે હવે તો નેતાજીના ઘર પણ સલામત નથી રહ્યા. ગુજરાતના કલોલના કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ઘરમાંથી તસ્કરો લાખોની મત્તા ઉઠાવી ગયા છે.

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો બંગલો કલોલના અંબિકાનગર બસ સ્ટેન્ડ પાસે આવેલો છે. બસ સ્ટેન્ડ પાસે આવેલા તેમના આ બંગલામાંથી રૂપિયા 8.51 લાખથી વધુની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

ધારાસભ્યના બંગલામાંથી ચોરીની ઘટના ગત રાત્રે બની છે. ગત રાત્રે તેમના બંગલામાં તસ્કરો ત્રાટક્યા હતા. બંગલામાંથી ચોર 2 લાખ રૂપિયા રોકડા, બે સોનાની ચેઈન, બે રાડો ઘડિયાળ, ત્રણ એલસીડી ટીવી અને સીસીટીવી રાઉટર મળીને કુલ 8.51 લાખની મત્તાની ચોરી કરીને ભાગી છૂટ્યા હતા. સવારે જોતાં ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. તપાસ કરતાં ઘરમાંથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું છે કે, ધારાસભ્ય બળદેવજી ઠાકોરના બંગલાના મુખ્ય દરવાજાનું તાળું તોડીને તસ્કરોએ આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના સમયે બળદેવજી ઠાકોર ગાંધીનગર હતાં. ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ચોરીની ઘટના બાદ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કલોલમાં દરરોજ ઘર તૂટવાના બનાવો બનતાં રહે છે. અગાઉ પણ મારા ઘરે ચોરી થઈ હતી જે અંગે હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

બળદેવજી ઠાકોરે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, જે રીતે કલોલમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ બની રહી છે તે જોતાં લાગી રહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાના નામે પોલીસની કામગીરી મીંડું છે. પોલીસને દારૂ-જુગારના અડ્ડાઓ અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

ચોરીની આ ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે ચોરનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે. તિજોરી વજનદાર હોવાથી તેને ખસેડી શકાય તેમ ન હોવાથી તિજોરીમાંથી કેટલી મત્તાની ચોરી થઈ તેનો ચોક્કસ આંકડો સામે આવી શક્યો નથી. તસ્કરોની ફિંગર પ્રિન્ટ હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે. કલોલના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ધારાસભ્યના બંગલામાંથી સોનાના દાગીના, બે લાખ રોકડ, ડીવીઆર, ત્રણ એલઈડી ટીવી સહિત કુલ રૂપિયા 8.51 લાખનો મુદ્દામાલ ચોરાયો હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments