Team Chabuk-Gujarat Desk : ઘોર કળિયુગ આવી ગયો છે. કોઈ સ્મશાન માટે બોલાવેલી અંતિમયાત્રનાં રથનાં પૈડા પણ રહેવા દેવા નથી માગતા. થયું ને કૌતુક ? આ ગુજરાતની ઘટના છે. ગુજરાતના કઠલાલની. જ્યાં તસ્કરોની નજર અંતિમયાત્રાના રથનાં પૈડામાં ચોંટી ગઈ અને એવી ચોંટી ગઈ કે રથનાં પૈડા જ ઉઠાવી ગયા. પેલા કવિની કવિતા જેવું થઈ ગયું, ‘પ્રભાતે ઉઠીને જોઉં તો પૈડાનાં દિસે’
હવે ચારેબાજુથી આ ઘટનાની કડી નિંદા થઈ રહી છે. ચોરી થઈ છે તેવી પોલીસને જાણ પણ કરવામાં આવી છે. જોકે સૌથી મોટો પ્રશ્ન તો એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ મહાશય ચોરો કંઈ નહીં ને અંતિમયાત્રા માટેના રથનાં પૈડા જ શા માટે ઉઠાવી ગયા.
અહીં કેન્દ્રસ્થાને ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ છે. ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટે દયાનું કામ કર્યું હતું. તેણે શહેરનો વ્યાપ વિસ્તાર વધતા અને અંતરિયાળ વિસ્તારમાંથી મૃતદેહોને સ્મશાન સુધી લઈ જવામાં ભારે જહેમત ઉઠાવવી પડતી હોવાના કારણે આજથી બરાબર એક વર્ષ પહેલા વિનામૂલ્યે રથ આપવામાં આવ્યો હતો. જેથી લોકોની અગવડતા સગવડતામાં પરિણમી જાય અને મૃતદેહો તાત્કાલિક સ્મશાને પહોંચી જાય.
લોકો પણ ખુશ ખુશ થઈ ગયા. રથને કારણે હવે મૃત પામેલા વ્યક્તિનાં પરિજનો ક્ષેમ કુશળતા પૂર્વક મૃતદેહોને સ્મશાને લઈ જતાં હતાં અને વહેલી તકે અંત્યેષ્ટી ક્રિયા પતાવી પાછા આવી જતા હતા. જોકે રથને કોઈ ચોરની નજર લાગી ગઈ. આમ પણ મફતની વસ્તુમાં ઘણાની નજર ખૂબ હોય!!
ગયા અઠવાડિયાની વાત છે. કઠલાલ-નડિયાદ રોડની બાજુમાં આ રથ વિશ્રામની મુદ્રામાં પડ્યો હતો. એ રથને સાવેય વિશ્રામ કરી દેવા માટે ચોરો ત્રાટક્યા અને ગણતરીની ક્ષણોમાં જ રથના પૈડા લઈ ઉડન છૂ થઈ ગયા. સવાર થતા વાયુવેગે આ ઘટના સમગ્ર વિસ્તારમાં અને બાદમાં ગુજરાત આખામાં પ્રસરી ગઈ. જાણે ચોરોથી કોઈનું મૃત્યુ પણ સરળતાથી લઈ જવામાં આવે એ જોવાતું ન હોય!
હવે કઠલાલના તો ખૂણે ખૂણે એક જ વાત થઈ રહી છે કે, ભાઈ કોરોના એમ નેમ થોડો આવ્યો છે. ઘોર કળિયુગ કહેવાય આ તો !! પહેલા તો માલ અને લત્તાને જ સાચવવું પડતું પણ હવે અંતિમયાત્રા માટે રાખવામાં આવેલા સાર્વજનિક રથને પણ લંગડો કરી નાખવામાં આવ્યો છે.
આ ઘટનાની ખબર વહિવટકર્તાઓને પડતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને લંગડા રથને ટેકા આપવા માટે પથ્થરોનો મેળ કરવામાં આવ્યો હતો. જોકે કળિયુગનાં અસલી પાપીઓ પર આજે ફિટકાર વરસી રહ્યો છે. કોણ કરે છે આવું ? અરે કોણ છે આ લોકો ? અને ક્યાંથી આવે છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત