Homeગુર્જર નગરીઅમદાવાદની આ જગ્યાએ દિવાળીની મીઠાઈ માટે નહીં પણ દારૂ લેવા માટે લાઈન...

અમદાવાદની આ જગ્યાએ દિવાળીની મીઠાઈ માટે નહીં પણ દારૂ લેવા માટે લાઈન લાગી છે

Team Chabuk-Gujarat Desk: પ્રથમ આ સ્ટીંગ ઓપરેશન પાર પાડનારા ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરે શું લખ્યું એ જાણી લો, ‘દિવ્ય ભાસ્કર દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આ જગ્યા પર અનેક લોકો ભેગા થાય છે અને દારૂનું વેચાણ થતું હોય છે ત્યાં અંદર જવા માટે લાઈન લગાવે છે. વીડિયોમાં દેખાતાં દૃશ્યો પ્રમાણે અહીં લગાવવામાં આવેલો પડદો હટતાંની સાથે જ રીતસર દારૂનું વેચાણ શરૂ થાય છે. લોકો રોકડા રૂપિયા આપીને બિનધાસ્ત દારૂ ખરીદે છે. લાઈનમાં ઊભેલા લોકો પણ હાથમાં દારૂની પોટલી લઈને ઊભેલા દેખાય છે.’

ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂનું એક પણ ટીપું મળતું નથી એવા નિવેદનોના અવારનવાર સૂરસૂરિયાં થઈ ગયા પછી વધુ એક નરાજણું સામે આવ્યું છે. ગુજરાતમાં ફરી એક વખત દારૂ વેચાઈ રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જાણે કરિયાણાની દુકાન કે પછી વેક્સિન લેવા લાઈન લાગી હોય એમ પીયક્કડોની લાઈન લાગી છે. વીડિયોની કેટલીક તસવીરો કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પણ શેર કરવામાં આવી છે.

આશ્ચર્યની વાત છે. દિવાળીનો તહેવાર નજીક છે. દિવાળીની ખરીદી માટે બજારમાં લોકોની હકડેઠઠ ભીડ ઉમટી પડી છે પણ બીજી બાજુ ગુજરાતના અમદાવાદમાં એક એવો વિસ્તાર પણ ધમધમી રહ્યો છે જ્યાં કોઈ સ્પેશિયલ મીઠાઈ કે કપડાં નહીં પણ દારૂ મળે છે. અને આ વખતે ફરી દારૂબંધીની વાતનું બાષ્પીભવન થઈ ગયું છે. અમદાવાદ શહેરનો ઘાટલોડિયા વિસ્તારનો મુખ્ય માર્ગ છે.

આ અંગે ઘાટલોડિયાના પોલીસ ઈન્સ્પેક્ટર વાય.આર.વાઘેલાને પૂછવામાં આવ્યું તો તેમણે આ તેમની હદમાં નથી આવતું જેવો જવાબ વાળ્યો હતો. અમદાવાદના ઘાટલોડિયામાં સિંધવાઈ માતાના મંદિરેથી AEC બ્રિજ નીચેથી ગુરુકુળ તરફ જતા માર્ગ પર ટ્રાફિકનો શંભૂમેળો જોવા મળે છે. આ જગ્યાએથી પસાર થાવ તો અસહ્ય દુર્ગંધ ધ્રાણેન્દ્રિય પર કબ્જો જમાવી લે છે. જોકે ગુજરાતમાં તો દારૂ મળતો જ નથી!

કેટલીક તસવીરો ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા પણ શેર કરવામાં આવી હતી. ફેસબુક પર તેમણે લખ્યું છે કે, ‘‘ગુજરાતમાં ‘દારૂબંધી’ ના કાયદાના અમલના નામે માત્ર ‘હપ્તારાજ’ ચાલી રહ્યું છે અને તેના હપ્તા ગાંધીનગર સુધી પહોંચે છે. એટલે જ તો દારૂના આ માફિયાઓ આટલા બેખોફ બનીને ખુલ્લેઆમ દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે. ‘દિવ્ય ભાસ્કર’ ના રિપોર્ટર ચેતન પુરોહિતે સ્ટીંગ ઓપરેશન કરીને અમદાવાદમાં ખુલ્લેઆમ ચાલી રહેલ દેશી દારૂના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. જે માટે ચેતન પુરોહિત અને દિવ્ય ભાસ્કરની ટીમ અભિનંદનને પાત્ર છે. પરંતુ સવાલ એ છે કે લોકડાઉન સમયે કોઈ માણસ કામથી ઘર બહાર નિકળી જાય તો પણ ડ્રોન કેમેરાઓ વડે તેમના ઉપર વોચ રાખી ફરિયાદ નોંધનાર અમદાવાદની પોલીસને શું આ દરેક વિસ્તારમાં ચાલી રહેલ દેશી દારૂના અડ્ડા અને આ અડ્ડાઓ ઉપર લાગતી રાશનની દુકાનોથી પણ મોટી લાઈનો દેખાતી નથી? કે પછી ઉપરથી ઓર્ડર છે આ દેશી દારૂના અડ્ડાઓ સામે કોઈ કાર્યવાહી નહીં કરવાનો?’’

ADV

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments