Team Chabuk-Gujarat Desk: સુરતના કામરેજના સેખપુર ગામે વેરાવળના હડમતિયા ગામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ કેસમાં 2 સગીર સહિત કુલ 3 આરોપીને ઝડપી લીધા છે. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ કહ્યું કે, તેણે જ યુવકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો
મૃતદેહને સળગાવવાનો પ્રયાસ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામે 8 માર્ચે વિજય દેસાણી નામના યુવકની હત્યા કરાયેલી હાલતમાં અર્ધબળેલી લાશ મળી હતી. હત્યા બાદ આરોપીએ મૃતદેહને ઠેકાણે પાડવા માટે મૃતદેહ પર કેરોસિન છાંટીને આગ લગાવી દીધી હતી. જો કે, મૃતદેહ સંપૂર્ણ સળગી શક્યો ન હતો. બનાવની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા LCBએ તપાસનો દોર આગળ વધાર્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, યુવક ગીર સોમનાથના વેરાવળના હડમતીયા ગામનો છે અને તેનું નામ વિજય હિમ્મત દેસાણી છે.
બાતમીના આધારે ધરપકડ
જેમ જેમ તપાસના તાર આગળ વધતાં ગયા તેમ તેમ પોલીસ હત્યારાઓની વધુ નજીક પહોંચી ગઈ હતી. પોલીસને જે વ્યક્તિ પર શંકા હતી તે અંગે પોલીસે વધુ માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. એવામાં પોલીસને બાતમી મળી હતી કે, આરોપી સાયણ નજીક એક કારમાં જઈ રહ્યા છે. જેથી LCBની ટીમે તાત્કાલિક ત્યાં જઈને આરોપીની અટકાયત કરી હતી. અટકાયત કરેલા ભરત લવજી કુકડિયા ઉપરાંત બે સગીર છે.
શા માટે કરી હત્યા ?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ભરત દેહવેપારના ધંધા સાથે સંકળાયેલો છે. ભરત સાયણ ગામે એક મકાનમાં દેહવેપારનો ધંધો ચલાવી રહ્યો હતો. ભરતની સાથે જે યુવતી કામ કરી રહી હતી તેની પાસેથી મૃતક વિજય દેસાણી પત્રકારની ઓળખ આપીને હપ્તો વસૂલી રહ્યો હતો. જે વાતની ભરતને પણ જાણ હતી. જો કે, મૃતક વિજય દેસાણીના ત્રાસથી યુવતી વતન જતી રહી હતી જેથી વિજયનો હપ્તો પણ બંધ થયો હતો. યુવતી પાસેથી હપ્તો બંધ થતાં વિજયે ભરત પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી જેની અદાવત રાખીને ભરતે વિજયની હત્યાનો પ્લાન ઘડ્યો હતો.
પાણીમાં આપી ઘેનની ગોળી
હત્યાની ઘટનાના દિવસે ભરતે વિજય દેસાણીને સાયણ બોલાવ્યો હતો. ભરત સાથે બે સગીર પણ હાજર હતા. વિજય દેસાણી સાયણ પહોંચ્યો ત્યારે તેને ઠંડા પાણીમાં ઘેનની દવા આપી દેવામાં આવી હતી. ત્યારબાદ તેની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દીધી હતી. હત્યાબાદ મૃતદેહને ઠેકાણે પાડવા માટે આરોપી સેખપુર ગામે ગયા હતા જ્યાં મૃતદેહ પર કેરોસીન છાંટીને લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ હથિયાર અને મોબાઈલ નહેરમાં નાખી દીધા હતા.
હાલ આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી વિરૂદ્ધ દેહવ્યાપાર મુદ્દે પણ કાર્વયાહી શરૂ કરી છે. આ ઉપરાંત બંને સગીર વિરૂદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આરોપી ભરતની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી પણ શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત