Team Chabauk-Gujrat Desk: રાજ્ય સહિત દેશભરમાં ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. છેતરપિંડી, હત્યા, છેડતી, લૂંટફાટ, ચોરી, મારા-મારીના દરરોજ અનેક બનાવો બનતા રહે છે. ત્યારે આજે બનેલી આવી કેટલીક ઘટનાઓ પર નજર કરીએ.
ઘટના નંબર 1
રાજકોટના આજે બે એવા કિસ્સા સામે આવ્યા છે જેને લઈને રાજકોટ પોલીસ દોડતી થઈ ગઈ છે. પહેલાં કિસ્સાની વાત કરીએ તો આ માત્ર રાજકોટ જ નહીં પરંતુ આંતરરાજ્ય કૌભાંડ છે. રાજકોટમાં એક આંતરરાજ્ય કૌભાંડ ચાલતું હતું જે નોકરી આપવાના બહાને નોકરિવાંચ્છુકોને ટાર્ગેટ કરતાં હતા અને તેમન પાસેથી નાણાં પણ પડાવતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ લોકો સરકારી ભરતીની જેમ જ પરીક્ષા લેતા, તેમને બોગસ ઓર્ડર પણ આપતાં એટલું જ નહીં આરોપીઓએ જેમને ઓર્ડર આપ્યો હોય તેમને ટ્રેનિંગ પણ આપતા.
આરોપ છે કે આ ગુનાની દુનિયાના ઠગબાજોએ એક બે નહીં પરંતુ 6 યુવકોને મીઠીછૂરી મારીને 68 લાખ રૂપિયા પડાવી લીધા છે. ફરિયાદીનો આરોપ છે કે, ભેજાબાજોએ તેમને રેલવેમાં નોકરી આપવા માટે પ્રથમ નોકરીનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ તેમને લખનૌમાં ટ્રેનિંગ પણ આપી હતી. ફરિયાદીનું કહેવું છે કે, આરોપીએ લખનૌમાં બોગસ ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું હતું. હાલ આ મુદ્દે પોલીસે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં ચોંકાનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
ઘટના નંબર 2
આ કિસ્સો પણ રાજકોટનો જ છે. રાજકોટમાં ગુનેગારો બેફામ બન્યા હોય અને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ફરી રહ્યા છે. આપણે એમ પણ કહી શકીએ કે આવા ગુનેગારો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે કે, અમને પકડીને બતાવે. રાજકોટના લીંબુવાળી વિસ્તારમાં વહેલી સવારે એક શખ્સે વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેંચી ફરાર થઈ ગયો. આ શખ્સ એક્ટીવ પર આવ્યો હતો. સુમસામ રસ્તાનો લાભ લઈને તે વૃદ્ધા તરફ ગયો અને વૃદ્ધા સાથે ઝપાઝપી પણ કરી. વૃદ્ધાએ બૂમાબૂમ કરી પરંતુ કોઈ ફાયદો થયો નહીં. જ્યાં સુધીમાં કોઈ આવે ત્યાં સુધીમાં આ શખ્સ ત્યાંથી છૂ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. હાલ વૃદ્ધાની ફરિયાદ અને CCTV ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઘટના નંબર 3
આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. અહીં ચાલુ એમ્બ્યૂલન્સે એક આરોપી રસ્તા પર કૂદી ગયો. જેમાં તે ગંભીર રીતે ઘવાતા તેનું મૃત્યું થયું છે. અમરોલી પોલીસે ચોરીના આરોપમાં આરોપીની અટકાયત કરી હતી. ધરપકડ પહેલાં તેનો કોરોના રિપોર્ટ કરાવાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. જેથી સારવાર માટે તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો. જો કે, તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ યમલોક પહોંચી ગયો છે. આ મુદ્દે પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ઘટના નંબર 4
ગીર સોમનાથના કોડીનારના છાછર ગામે એક સગીરા પર દુષ્કર્મ મામલે 15 દિવસ બાદ ગુનો નોંધાયો છે. આરોપ છે કે, સગીરા પર તેના જ ગામના યુવકે છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતું. સાજીદ વાકોટ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ છે. એટલું જ નહીં આરોપી સાજીદ વાકોટે પીડિતાની નાની બહેનની પણ છેડતી કરી હતી અને તેને ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપીની માતા પર પણ આરોપ લગાવ્યો છ કે, સાજીદની માતાએ પણ તેની મદદ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઘટના નંબર 5
મુંબઈ ડ્રગ્સ કેસની તપાસ હવે બોલિવુડ બાદ કોલેજના વિદ્યાર્થી સુધી પહોંચી છે. NCBએ મુંબઈના બાંદ્રામાંથી એક 19 વર્ષના કોલેજના વિદ્યાર્થીને ઝડપી લીધો છે. જે વિદ્યાર્થી ઝડપાયો છે તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. આ ઉપરાંત તેની પાસેથી NCBએ 2 લાખ 3 હજાર રૂપિયાનો મુદ્દામાલ જ પણ જપ્ત કર્યો છે. ઝડપાયેલા વિદ્યાર્થી પર આરોપ છે કે તે બોલિવુડ સ્ટાર્સને ડ્રગ્સ પહોંચાડતો હતો. NCBએ હાલ વિદ્યાર્થીની પૂછપરછ શરૂ કરી છે. NCB તપાસ કરી રહી છે કે, વિદ્યાર્થીના ક્યા ક્ય બોલિવુડ સ્ટાર્સ સાથે કનેક્શન છે. NCBએ વિદ્યાર્થીનો મોબાઈલ પણ કબજે કર્યો છે અને તેને FSLમાં મોકલી દીધો છે. મોબાઈલ ડેટાના આધારે બોલિવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીના નામ ખુલી શકે છે. સાથે જ વિદ્યાર્થી પાસે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો તેની તપાસ પણ NCB કરી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત