Team Chabuk-Gujarat Desk: ૧૮ ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા ઓસમ ડુંગર ખાતે બીજી આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ આ સ્પર્ધા વર્ષ ૨૦૨૦ માં યોજાઇ હતી. પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન રાજકોટ જિલ્લા ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારે વિવિધ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાંની એક સ્પર્ધા એટલે પર્વત આરોહણ – અવરોહણ સ્પર્ધા. આ સ્પર્ધાના સૌપ્રથમ આયોજનમાં જૂનાગઢના ગિરનાર ઉપરાંત ગુજરાતના પાવાગઢ, ઇડર, ચોટીલા, પાલીતાણા અને ઓસમ પર્વતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કુદરતી સૌંદર્યથી આચ્છાદિત, અનેક કવિઓની કવિતાઓનું વાસ્તવિક સ્વરૂપ એવો પાટણવાવનો ઓસમ પર્વત અનેક પ્રાચીન સંસ્મરણો અને સાંસ્કૃતિક વારસાઓની સાથોસાથ મહાભારત કાળની ઐતિહાસિક ઘટનાઓ સાચવીને બેઠો છે. પૌરાણિક માન્યતા મુજબ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલો ઓસમ ડુંગર સંવત ૧૮૮૨ માં અસ્તિત્વમાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, જ્યાં આજે પણ મહાભારત વખતના અનેક અવશેષો મળી આવે છે. આવા અવિરત વારસાને જાળવી રાખવા રાજ્ય સરકારે પ્રવાસન ધામમાં ઓસમ પર્વતનો સમાવેશ કરીને, તેના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામગીરી હાથ ધરી છે. જે અન્વયે રમણીય તળેટી, સુંદર પગથિયા, પ્રાથમિક સવલતો વગેરે સહિત પ્રવાસીઓને આકર્ષે તેવા રંગ – રુપ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારનાં આ હેતુને સિધ્ધ કરવા અને આ સ્થળનું મહત્વ લોકો સુધી પહોંચાડવાનાં કાર્ય અન્વયે નાયબ કલેકટર કચેરી, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે. આ સ્પર્ધા કોરોના મહામારીને કારણે બે વર્ષ સુધી યોજવામાં આવી ન હતી. પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આગામી તારીખ ૧૮ ફેબ્રુઆરી શુક્રવારનાં રોજ સવારે ૭.૦૦ કલાકે વધુ એક વાર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાના આયોજન અન્વયે નાયબ કલેકટર કચેરી અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી દ્વારા તમામ વ્યવસ્થાનું આયોજન કોરોનાની ગાઈડલાઈન હેઠળ હાથ ધરવામાં આવયું છે. જે પ્રમાણે રાજકોટ જિલ્લાના ઈચ્છુક ૧૪ થી ૧૮ વયનાં તરુણો આ સ્પર્ધામાં જોડાઈ શકશે. આ સ્પર્ધાનું આયોજન તારીખ ૧૮ ના રોજ થવાનું હોવાથી તારીખ ૧૭ ના સાંજના ૫.૦૦ કલાક સુધી પોતાનું રજિસ્ટ્રેશન ઓસમ પર્વત તળેટી ખાતે કરાવી શકાશે. જે અંતર્ગત હાલ, ૨૨૩ તરુણોની અરજીઓ સ્વીકારવામાં આવી છે. સમયમર્યાદામાં કરવામાં આવેલી અરજીઓને જ ધ્યાનમાં લેવાશે.
સ્પર્ધકોએ ચડતી વખતે તળેટીથી શરૂ કરીને ૭૫૦ પગથિયાં ચડવાનાં રહેશે. ત્યાર બાદ ઉતરવાનો રુટ માત્રી માતાના મંદિર થી ૭૫૦ પગથિયાં અને ટપકેશ્વર મહાદેવ અને ૬૫૦ મીટરનો ટ્રેક પાર કરવાનો રહેશે. આ અંગે ખરાઈ કરવાના હેતુથી કેમેરા અને સ્પર્ધકોને આર. એસ. આઇ. ડી. ચીપ (રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફીકેશન ચીપ)થી મોનીટર કરવામાં આવશે.
વિજેતા થનાર સ્પર્ધકને ગોલ્ડ મેડલ અને ૧૨૫૦૦ રોકડ પુરસ્કાર, દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર સ્પર્ધકને સિલ્વરમેડલ અને ૧૦૦૦૦ રોકડ પુરસ્કાર તથા તૃતિય ક્રમ મેળવનારને બ્રોન્ઝ મેડલ અને ૯૨૦૦ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. ઉપરાંત પ્રથમ આવેલ ૧ થી ૧૦ વિજેતાઓને ગિરનાર પર્વત આરોહણ – અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે. સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ અને બહેનો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા ધોરાજી પ્રાંત કચેરી કરવામાં આવી છે.
યાત્રાળુઓની અવર-જવર પર પ્રતિબંધ
રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલ ઓસમ પર્વત ખાતે રાજ્યના યુવકો/યુવતીઓ માટે ૧૮ ફેબ્રુઆરીએ યોજાનારી દ્વિતીય ઓસમ પર્વત આરોહણ-અવરોહણની રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેના કારણે ઓસમ પર્વત પર જતા પ્રવાસીઓ યાત્રાળુઓ કે અન્ય વ્યક્તિઓના કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા સ્પર્ધકોને સ્પર્ધામાં સંભવિત અંતરાય કે ખલેલ ઊભી ન થાય તે હેતુથી તા. ૧૮-૦૨-૨૦૨૨ના રોજ રાત્રિના ૧૨.૦૦ થી બપોરના ૧૨ .૦૦ સુધી ઓસમ પર્વતની સીડી કે પગથિયા ઉપર સ્પર્ધકો સિવાયના પ્રવાસીઓ યાત્રાળુઓ કે વ્યક્તિઓને જવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન ઠક્કર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત