Homeગુર્જર નગરીપિતાપુત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષ થી કરી રહી છે ગાય આધારિત...

પિતાપુત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષ થી કરી રહી છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી, શા માટે પાકેલી કેરીને સાત્વિક કેરી કહે છે?

Team Chabuk-Gujarat Desk: વાઘોડિયા તાલુકાના સાંકરીયા ગામના કૃણાલ શશીકાંત પટેલ હાલમાં ૧૦ વિંઘાના આંબાવાડીયામાં સાત્વિક કેરીનો પાક ઉતરવાની રાહ જોઈ રહ્યાં છે. કેરી તો કેરી હોય, સાત્વિક કેરી કેવી હોય? એવા કુતૂહલને સંતોષતા તેઓ જણાવે છે કે આ આંબા વાડિયાનો ઉછેર અમે સુભાષ પાલેકરજી પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી/ બાગાયતની પદ્ધતિ અનુસરીને કર્યો છે. એટલે એના પર પાકેલી કેરીને સાત્વિક કેરી કહીએ છે કારણ કે અમારા આ આંબાને સાચવવા અમે રાસાયણિક ખાતર કે જંતુનાશકો નો ઉપયોગ કરતાં જ નથી.

વાસ્તવમાં ગૌ મૂત્ર અને ગોબરમાંથી બનતા ઘન અને પ્રવાહી જીવામૃતનો ઉપયોગ કરીને જો આંબા ઉછેરો તો મોરના રક્ષણ માટે કે વૃક્ષો ના પોષણ માટે ખાતર કે જંતુનાશકો મોટેભાગે વાપરવા પડતાં નથી. મોર આવે ત્યારે તકેદારી રૂપે ખાટી છાશ અને જીવામૃત ના મિશ્રણ નો છંટકાવ કરી શકાય. તેમના આંબાવાડિયામાં કેસર, લંગડો, તોતાપુરી, આફૂસ જેવી વેરાયટીના ત્રણસો થી વધુ આંબા લહેરાય છે. ગાય આધારિત પ્રાકૃતિક બાગાયતથી તેમણે સીતાફળ પણ ઉછેર્યા છે.

પિતા-પુત્રની જોડી કરી રહી છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને બાગાયત

શશીકાંતભાઈ અને કૃણાલ, પિતા-પુત્રની આ જોડી છેલ્લા આઠ વર્ષથી રાસાયણિક ખાતર અને જીવાતો કરતાં જમીનને વધુ હાનિકારક જંતુનાશકો ને સદંતર જાકારો આપીને દેશી ગાયના ગોબર, ગૌ મૂત્ર, ખાટી છાશ, કડવી વનસ્પતિઓના પાંદડાંનો અર્ક ઇત્યાદિ ની મદદથી પ્રવાહી અને ઘન જીવામૃતની મદદથી તેમની ૩૦ વિંઘા જેટલી જમીનમાં  સાત્વિક ખેતી અને બાગાયત કરી રહ્યાં છે. તેમણે દેશી ગાયો ની ગૌશાળા પણ ઉછેરી છે.

આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કર્યા નથી

તેમનું કહેવું છે કે આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યાં નથી. અમારો ખેતી ખર્ચ લગભગ ૫૦ ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. જેમણે શુદ્ધ આહાર પસંદ છે તેવા લોકો ગાય આધારિત ખેતીના ચોખા, ઘઉં, કઠોળ જેવા સાત્વિક ઉત્પાદનોનો ભાવ રાસાયણિક ખેતીના ઉત્પાદનો કરતાં થોડો વધુ ચૂકવતા ખચકાતા નથી અને અમારો પાક લગભગ તો આગોતરા મળેલા ઓર્ડર પ્રમાણે ઘેરબેઠો વેચાઈ જાય છે. અત્રે એ યાદ રાખવું ઘટે કે આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે. જર્સી કે શંકર ગાયો માન્ય નથી.

આ ખેતી કરતા ખેડૂતોને રાજ્ય સરકાર આપે છે પ્રોત્સાહન: કૃણાલ પટેલ કહે છે કે રાજ્ય સરકારે દેશી ગાય આધારિત ઉત્તમ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું છે. આ ખેતીના અનાજ, કઠોળ, શાકભાજી અને બાગાયત ઉત્પાદનો ને માટે વાજબી બજાર વ્યવસ્થા ગોઠવવા સરકાર તજવીજ કરી રહી છે. આત્માના માધ્યમથી ગાય ઉછેરીને તેના આધારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ગૌ ઉછેર સરળ બનાવવા ગાય નિભાવ ખર્ચની યોજના અમલમાં મૂકી છે.

આત્મા સાથે જોડાયેલા ખેડૂતોનું ગ્રૂપ

કૃણાલ કહે છે કે વાઘોડિયા તાલુકાના નાના મોટા પચાસેક ખેડૂતો આ સુધારેલી અને સાત્વિક ખેતી કરે છે અને આત્મા સંસ્થા એ બનાવેલા ખેડૂત વોટ્સેપ ગ્રુપમાં જોડાઈને સતત એકબીજાના સંપર્કમાં રહે છે અને નવા પ્રયોગો અને અનુભવોનું આદાન પ્રદાન કરે છે. આ ગ્રુપમાં સદસ્યો આગામી મોસમમાં તેઓ કયા કયા અનાજ, કઠોળનું વાવેતર કરવાના છે અને મોસમ પૂરી થાય ત્યારે કયા અનાજ, કઠોળ ઉપલબ્ધ છે તેની વિગતો મૂકે છે. તેના આધારે ગ્રુપમાં જ આ ખેત ઉત્પાદનો મોટેભાગે વેચાઈ જાય છે. આમ, આ ગ્રુપ બજાર વ્યવસ્થા અને વેચાણ સરળ બનાવે છે.

 શશીકાંત ભાઈએ હરિયાણામાં રાજ્યપાલની પ્રાકૃતિક ખેતી સંસ્થાની મુલાકાત લીધી છે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સુભાષ પાલેકરજી પ્રેરિત ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી છે અને હરિયાણામાં પ્રાકૃતિક ખેતી સંસ્થા ઊભી કરી છે. આત્મા દ્વારા યોજવામાં આવતા ખેડૂત પ્રવાસ હેઠળ શશીકાંતભાઈ ઉપરોક્ત ફાર્મની મુલાકાત લઈને તેના પ્રત્યક્ષ પાઠો શીખ્યા છે.તો કૃણાલે પણ બે શિબિરોમાં આ ખેતીની પદ્ધતિસરની તાલીમ મેળવી છે.

આ પિતાપુત્રની જોડી કહે છે કે શરૂઆતમાં દેશી ગાય આધારિત જીવામૃતની મદદથી જમીન સુધારવા અને આ ખેતીની ટેવ પાડવાના સમય દરમિયાન થોડી ધીરજ રાખવી પડે છે.તે પછી આ ખેતીમાં ઉત્પાદન સારું મળે છે, સાત્વિક મળે છે. નાના પાયે પણ તેની શરૂઆત કરી જોવા જેવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments