Team Chabuk-Gujarat Desk: મહીસાગર જિલ્લામાં શરૂ કરવામાં આવેલી મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપી સાબિત થઇ રહી છે. ત્યારે જિલ્લામાં ચાલી રહેલી મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી દ્વારા અત્યાર સુધી કુલ મળીને પશુઓના ૩૮૦૯ સારવારને લગતા કોલ મળ્યા છે. તેમજ ૫૩૨૧૩ શિડ્યૂલ દરમિયાન ફાળવેલ ૧૦ ગામમાં અને ઈમરજન્સીમાં ૩૮૦૯ પશુની સારવાર કરવામાં આવી છે.

આ અંગે માહિતી આપતા જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું કે મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી દ્વારા મહીસાગર જિલ્લાના તાલુકા પ્રમાણે કરાયેલી સારવારની સંખ્યા જોઇએ તો લુણાવાડામાં ૧૨૨૪૫, ખાનપુરમાં ૧૨૦૯૫, બાલાશિનોરમાં ૮૯૬૫, વિરપુરમાં ૬૨૩૦, સંતરામપુરમાં ૯૮૫૦ અને કડાણા તાલુકામાં ૧૦૮૭૬ મળી ૫૭૦૨૨ પશુઓની સારવાર કરવામાં આવી છે.

જિલ્લામાં કુલ ૧૪ આવા ફરતા પશુ દવાખાના છે. જેમાં લુણાવાડા તાલુકામાં હાથીવન ગામ અને પાદેડી ગામ અને ખાનપુરમાં તાલુકામાં લીમડી ટીંબા ગામ, કનોડ ગામ અને મુડાવડેખ ગામ, બાલાશિનોર તાલુકામાં જનોડ ગામ, વિરપુર તાલુકામાં કોયલા ગામ, સંતરામપુર તાલુકામાં ભાણસીમલ, બટકવાડા અને ખેરવા ગામ અને કડાણા તાલુકામાં લાડપુર, ડિટવાસ, ઝાલાસાગ અને નાનીરાઠ ખાતે આ ફરતા પશુ દવાખાના કાર્યરત છે.

ફરતા પશુ દવાખાના દ્વારા સારવાર આપવામાં આવેલા રોગના પ્રકારો જોઇએ તો જિલ્લાના પશુઓમાં મોટા ભાગે બાહ્ય પરોપજીવીની સારવાર આ સેવામાં કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ૨૭૬૪૨ પશુઓને બાહ્ય પરોપજીવીથી મુક્ત કરવામાં આવ્યા છે. આ જ રીતે ૩૧૯૫ પશુઓને ઘાની સારવાર અપાઇ છે. ૫૯૦ પશુઓના ગર્ભ પરીક્ષણ કરવામાં આવ્યા છે. ઘણી વખત એવું થાય છે કે પશુપાલકને માલૂમ પડતું નથી કે પશુને ગર્ભ રહ્યો છે કે નહીં ? એવા સમયે આ સેવા મદદ પૂરી પાડે છે.

તાવના ૧૪૨૫, ઝાડાના ૪૩૧૪ કેસોમાં સારવાર આપવામાં આવી છે. કૃમિના ૨૬૪૦, આફરાના ૬૭૯ કેસોમાં સારવાર આપવામાં આવી છે. વધારા પડતું લીલું ઘાસ ખાવાથી કે કોઇ ચારો ખાવાથી પશુઓને ગેસ થવાની સમસ્યાને આફરો કહેવામાં આવે છે. પાઠાના ૧૨૨૦, ઓર ના પડવાના ૨૮૬ ઉપરાંત ગાભણ પશુઓને સિઝેરીયન કરીને બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે અને રાની પશુઓ દ્વારા હુમલામાં ઘાયલ થયેલા પશુઓને પણ આ મોબાઇલ વેટેનરી ડિસ્પેન્સરી દ્વારા સારવાર આપવામાં આવી છે.

આ ઉપરાંત ૩૪૧૫૨ ગાયો, ૧૮૪૮૫ ભેંસો અને ૩૬૮૯ બકરા ઉપરાંત ૩૯૪ કૂતરા, ૧૧૨ ઘોડા, ૫૬ મરઘા, ૨૯ ઊંટ, ૯ બિલાડી, ૧૦ કબૂતર, ૧ ચામાચીડીયા, ૩ કાગડા, ૯ ગઘેડા, ૪ બાજ, ૧૦ સસલા, ૧ વાંદરા, ૧ મોર જેવા પ્રાણીઓની પણ સારવાર કરવામાં આવી છે. આમ, ફરતા પશુ દવાખાના દ્રારા મહીસાગર જિલ્લામાં ઉત્તમ સેવા કરી રહયાં છે. જિલ્લા વિકાસ અધિકારી કે. ડી લાખાણી તથા જિલ્લા પશુપાલન અધિકારી ડો. એમ.જી.ચાવડા, જિલ્લા પ્રોજેક્ટ ઇન્ચાર્જ ચિરાગ સોલંકી સમયાંતરે આ કામગીરીની સમીક્ષા કરતા રહે છે. જેના થકી જિલ્લામાં પશુપાલન વ્યવસાયને સારું ઉતેજન મળતા પશુપાલકોની આવકમાં ઉતરોતર વધારો નોંધાયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત