Homeગુર્જર નગરીકમુહૂર્તા ઉતરતા તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયાના શ્રીગણેશ

કમુહૂર્તા ઉતરતા તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયાના શ્રીગણેશ

Team Chabuk- Gujarat Desk: શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે તેની સાથે તુવેર, ચણા અને રાયડો સહિતના પાકો પણ ખેતરોમાં તૈયાર થઈ ગયા છે. ખેડૂતો આ પાકો પોતાના ઘરમાં લાવે તેટલી જ વાર… શિયાળુ પાકો તૈયાર થઈ જતા રાજ્ય સરકાર દ્વારા જેમ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ રહી છે તેમ ટૂંક સમયમાં સરકારે લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા તેમજ રાયડાની ખરીદી કરવા તૈયારીઓ કરી લીધી છે.

ચાલુ વર્ષે રાજ્યભરમાં શિયાળુ પાકોનું બમ્પર વાવેતર થયું છે. જેને કારણે ઉત્પાદન પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે. અતિવૃષ્ટિ બાદ જમીન ભેજવાળી રહેતાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ચણા, તુવેર, ધાણા, જીરું સહિતના પાકોનું ખેડૂતોએ મલબખ વાવેતર કર્યું છે અને હાલ આ પાકો તૈયાર થઈ ગયા છે. ત્યારે આજથી રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે તુવેર, ચણા તથા રાયડાની ખરીદી માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. સરકાર દ્વારા તુવેરનો ટેકાનો ભાવ રૂપિયા 6000 પ્રતિ ક્વિન્ટલ, ચણાનો ભાવ રૂપિયા 5100 પ્રતિ ક્વિન્ટલ, તેમજ રાયડાનો ટેકાનો ભાવ રૂપિયા 4650 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યો છે. એટલે કે તુવેરના મણ દીઠ 1200 રૂપિયા, ચણાના મણ દીઠ 1020 રૂપિયા અને રાયડાના મણ દીઠ 930 રૂપિયા ટેકાના ભાવે ખરીદી થશે.

રજિસ્ટ્રેશનની તારીખ

તુવેરની ટેકાના ભાવની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન આજથી એટલે કે 15 જાન્યુઆરી 2021થી 31 જાન્યુઆરી 2021 સુધી થઈ શકશે. જ્યારે ખરીદીનો પ્રારંભ 1 ફેબ્રુઆરી 2021એ થશે અને 1 મે 2021 સુધી ચાલુ રહેશે. ચણાની ટેકાના ભાવની ખરીદી માટે ખેડૂતો 1 ફેબ્રુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે અને ચણાની ખરીદી 16 ફેબ્રુઆરી 2021 થી 16 મે 2021 સુધી ચાલુ રહેશે. અને રાયડાની ખરીદી માટે 1 ફેબ્રુઆરી 2021 થી 15 ફેબ્રુઆરી 2021 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે જ્યારે રાયડાની ખરીદી પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2021 થી 16 મે 2021 સુધી હાથ ધરાશે.

આટલા માર્કેટિંગ યાર્ડમાં થશે ખરીદી

રાજ્ય સરકાર દ્વારા તુવેરની ખરીદી માટે રાજ્યના અલગ અલગ કૂલ 105 એપીએમસી કેન્દ્રો નક્કી કર્યા છે જ્યારે ચણાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્યના 188 એપીએમસી કેન્દ્રો નક્કી કરાયા છે અને રાયડાની ખરીદી માટે રાજ્યના 99 એપીએમસી કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આપની નજીકના એપીએમસીમાં જે-તે પાકની ટેકાના ભાવે ખરીદી થાય છે કે કેમ તે જાણવા માટે હેલ્પલાઈન નંબર- 8511171718-19 નંબર પર સંપર્ક કરી શકો છો. અથવા www.gscsci.gujarat.gov.in વેબસાઈટ પરથી માહિતી મેળવી શકાશે.

આ રીતે કરી શકાશે રજિસ્ટ્રેશન

જે ખેડૂતો તુવેર, ચણા કે રાયડો ટેકાના ભાવે વેચવા માગતા હોય તેઓ ઓનલાઈન અને ઓફલાઈન એમ બન્ને રીતે રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે www.gscsci.gujarat.gov.in વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન થશે જ્યારે જેઓ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માગતા હોય તેઓએ ઈ-ગ્રામ કેન્દ્ર પર નોંધણી સમયે જવાનું રહેશે. ઈ-ગ્રામ પર રજિસ્ટ્રેશન કરાવવા જતી વેળાએ ખેડૂતોએ પ્રમાણિત આધારકાર્ડની નકલ, બેંકનો કેન્સલ ચેક અથવા પાસબુકના પ્રથમ પાનાની નકલ, ગામના નમુના નંબર 7 તથા 12નો ઉતારો, 8-અનો ઉતારો, તલાટીનો વાવેતરનો દાખલો લઈને જવાનું રહેશે. તમામ દસ્તાવેજ નોંધણી સમયે અપલોડ થયા હોય તેની ખાતરી કરી લેવી.

ખરીદ કેન્દ્ર પર જતી વખતે આટલું ધ્યાન રાખવું

તુવેર, ચણા અને રાયડાની ખરીદી માટેનું રજિસ્ટ્રેશન થયા બાદ નક્કી કરેલી તારીખે સરકારે નિર્ધારિત કરેલા ખરીદ કેન્દ્રો પર ખરીદી શરૂ થશે ત્યારે ખરીદ કેન્દ્ર પર માલ લઈને જતી વખતે ખેડૂતોએ, નોંધણી કરાવતી વખતે આપેલી સ્લીપ ફરજિયાત લઈ જવાની રહેશે. માલ ભેજ વગરનો, સાફ-સફાઈ કરી, ખુલ્લા વાહનમાં લાવવો પડશે. એક જ રજિસ્ટ્રેશનમાં એક જ વખત જથ્થો વેચાણ થઈ શકશે. વેચાણ કર્યા બાદ એમએસપી રસીદ મેળવી લેવી. અને વેચાણ માટે તારીખ અને સમયની એસએમએસ દ્વારા જાણ કરવામાં આવે પછી જ ખરીદ કેન્દ્ર પર જવાનું રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments