Homeગુર્જર નગરીજામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિની પત્ની અને સાળાનો...

જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા, ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિની પત્ની અને સાળાનો રિપોર્ટ પોઝિટિવ

Team Chabuk-Gujarat Desk:ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ દિવસે દિવસે કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં જ્યાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો તે જામનગરમાં વધુ બે કેસ સામે આવ્યા છે. ઝિમ્બાબ્વેથી જામનગર આવેલો વ્યક્તિ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાની પુષ્ટિ થયા બાદ તેઓના સંપર્કમાં આવેલા વધુ બે વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેમાં ઝિમ્બાબ્વેથી આવેલી વ્યક્તિના સંપર્કમાં આવેલી તેમની પત્ની અને સાળાને પણ ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે. જે બાદ હવે ગુજરાતમાં ઓમિક્રોનના ત્રણ કેસ થયા છે. ત્રણેય કેસ જામનગરમાંથી સામે આવ્યા છે.

જામનગરમાં જે વ્યક્તિ ઓમિક્રોન પોઝિટિવ આવી હતી તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ઓમિક્રોનને લઈ તેમનાં સેમ્પલ મોકલવામાં આવ્યાં હતાં, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઓમિક્રોનનાં શંકાસ્પદ લક્ષણ જણાતા તેઓના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ વૃદ્ધનો ઓમિક્રોન રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં શહેરનું આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું હતું. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો આ પ્રથમ કેસ નોંધાયો હતો. મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી હતી.

ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આરોગ્યમંત્રી સાથે ત્વરિત બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોન વેરિયન્ટના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. આરોગ્ય-સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે જામનગરની ડેન્ટલ કોલેજમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 4 વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી હતી, એમાંથી એકને ઓમિક્રોન વેરિયન્ટ ડિટેક્ટ થયો છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હતી એ સમયે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જામનગરની ડેન્ટલ કોલેજમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી તે હોસ્પિટલમાં હાલ ઓમિક્રોન વેરિયન્ટ ધરાવતા દર્દીઓની સારવાર કરાઈ રહી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments