ઉના આંગણવાડી કૌભાંડ મુદ્દે દિવસે ને દિવસે વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે જેથી એવું લાગી રહ્યું છે કે, ઉના ICDS શાખા ભ્રષ્ટાચારનો પર્યાય છે. કારણ કે, અત્યાર સુધી જે CDPO એવું કહી રહ્યા હતા કે, મારા તરફ તપાસ કરાવો એ CDPO પણ ભ્રષ્ટાચારી જ છે તેવો દાવો છે. CDPO અને અધિકારીની ઓડિયો ક્લીપ વાયરલ થયા બાદ વધુ બે ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે જેમાં તેમના કારનામાઓની પોલ ખુલી છે.
અત્યાર સુધીની જે વાત હતી તે પરથી લાગી રહ્યું હતું કે CDPO નિર્દોષ છે. પરંતુ હવે જે ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે તેના પરથી શંકાની સોય ઈન્ચાર્જ CDPO દર્શના પુરોહિત અને ક્લાર્ક સુરેશ બાંભણિયા પર પણ લટકી રહી છે. દાવો છે કે, બે ઓડિયો ક્લીપમાં પહેલી ઓડિયો ક્લીપ ઈન્ચાર્જ CDPO અને ઉમેદવાર વચ્ચેની છે. જ્યારે બીજી ઓડિયો ક્લીપ ઈન્ચાર્જ CDPO દર્શના પુરોહિત અને ICDSના ક્લાર્ક સુરેશ બાંભણિયા વચ્ચેની વાતચીતની છે.
દર્શના પુરોહિત ઉમેદવાર સાથેની વાતચીતમાં ઉમેદવારને સમજાવી રહ્યા છે કે, કેવી રીતે સેટિંગ કરીને આંગણવાડીમાં ઘુસી જવું. તેઓ કહી રહ્યાં છે કે, જે વોર્ડમાં તમે રહો છો ત્યાં જગ્યા નથી એટલે તમારે જો આંગણવાડીની નોકરી કરવી હોય તો એ વોર્ડમાં રહેવાના પુરાવા આપવા પડે જ્યાં આંગણવાડી કેન્દ્રમાં જગ્યા ખાલી છે. CDPO એ પણ સમજાવી રહ્યા છે કે, એ આંગણવાડી કેન્દ્રમાં નોકરી મેળવવા માટે તે વોર્ડમાં રહેવાના પુરાવા મુદ્દે તમારે ભાડા ચીઠ્ઠી કરાવવી પડશે જે નગરપાલિકમાં થઈ જશે. નગરપાલિકામાં પ્રવિણ ટાંકને તમે ઓળખતા હો તો એ કામ થઈ જશે.
અન્ય ઓડિયો ક્લીપમાં CDPO અને ક્લાર્કની વાતચીત છે. જેમાં CDPOએ જે ડેટા ઓપરેટર હેતલ મકવાણા પર આરોપ લગાવ્યા છે તેમને નોકરી પરથી કાઢવાનું ષડયંત્ર પણ CDPO અને ક્લાર્કે જ રચ્યું હોવાનો પણ આરોપ છે. તેની જગ્યાએ ક્લાર્કના કોઈ ઓળખીતાને કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવાનું પણ બંને વિચારી રહ્યા છે.
આ ઓડિયો ક્લીપમાં ક્લાર્ક અને CDPOના જૂના કૌભાંડ વિશે પણ તેઓ વાત કરી રહ્યા છે. સાથે જ પૂર્વ CDPO અને તેમના પુત્રની પણ વાત કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ કહી રહ્યા છે કે, હવે જે નવા TDO આવ્યા છે તેઓ સિદ્ધાંતવાદી છે એટેલે બધા વ્યવહાર ચોખ્ખા રાખવા પડશે. કેટલાક બિલની પણ તેઓ વાત કરી રહ્યા છે. એટલે સ્વાભાવિક સવાલ છે કે શું ક્લાર્કના કૌભાંડનું લિસ્ટ લાંબુ છે ?
ક્લીપમાં 300 રૂપિયાની જગ્યાએ 100 રૂપિયા ઉઘરાવવાની પણ વાત છે. ક્લાર્ક કહી રહ્યા છે કે, એટલા બધા ન હોય. સાથે જ કર્મચારીઓને પાર્ટી આપવાની પણ વાત છે. તો આ 300 અને 100 રૂપિયા અને પાર્ટીની વાત શું છે ?
CDPO અને ઉમેદવાર વચ્ચેની વાતચીત
ઉમેદવારઃ હં….દર્શનાબહેન બોલો ICDSમાંથી ?
CDPO: હા બોલ.
ઉમેદવારઃ હા, તો અમે છે ને ત્યાં જઈ આવ્યા અને સહી કરી દીધી. તો એમ કહ્યું કે, પેલા બહેન જે ત્યાં હેલ્પરમાં હતાને એને પાંચ વર્ષનો અનુભવ છે એટલે એ કહે કે એ દાખલો લઈ ગયા એટલે ફોર્મ ભરશે એટલે પહેલો નંબર તો એમનો જ આવશે અને બીજો નંબર તમારો આવશે. એટલે પહેલો નંબર તો એમનો જ આવશે જો ફોર્મ ભરશે ને તો. અને એમણે કહ્યું કે તમે હેલ્પરનું પણ ફોર્મ ભરી દ્યો. વોર્ડ નંબર ત્રણમાં અથવા વોર્ડ નંબર એકમાં બેમાંથી એકમાં તમે ફોર્મ ભરો. તો અમે વોર્ડ નંબર પાંચમાં આવીએ, પાંચમાં કે છમાં આવીએ તો અમારે ત્યાં દાખલો. એ કહે કે, એ વોર્ડનો દાખલો તમારે જોઈએ. એ વોર્ડનો દાખલો કેવી રીતે આપવો એમ ? આપે કેવી રીતે ?
CDPO: નગરપાલિકામાં કોઈ જાણીતુ છે તમારું ?
ઉમેદવારઃ જાણીતું તો…પણ એ તો વોર્ડ એક અને ત્રણ વોર્ડ તો ત્યાં ખોડિયારનગર આવેલું એમ.
CDPO: ત્રણ નંબર છે ને મોચીવાડા છે. ભાડા ચીઠ્ઠી કરાવવી પડે તમારે.
ઉમેદવારઃ શું કહો ?
CDPO: ભાડાચીઠ્ઠી. તમે જે તે સમયે અહીં રહેતાં હતા પણ હવે તમે અલગ થઈને અમે લોકો વોર્ડ નંબર ત્રણમાં રહેવા ગયા છે એમ. એટલે એ ભાડાચીઠ્ઠી કરાવવી પડે. એટલે નગરપાલિકામાં કોઈ જાણીતું હોયને તો તમને એ જ કાઢી દેશે.
ઉમેદવારઃ પણ એમ નહીં જો આ બહેનને વોર્ડમાં લઈ લે તો પેલામાં..હેલ્પરમાં…ઓલા કાર્યકરમાં..વર્કરમાં તો એની જગ્યા ન ખાલી થાય ? એની જગ્યાએ કોણ આવે ?
CDPO: પણ એની જગ્યાએ અમે જ્યારે જાહેરાત બહાર પાડીએને ત્યારે તમારો વારો આવે.
ઉમેદવારઃ એવું છે. અત્યારે એની જાહેરાત નથી એમને.
CDPO: હા અત્યારે તો નથી તેની ખાલી જગ્યાએ જ દર્શાવવી પડે. મને એ જ નડ્યું છે તમારે. એ બહેન પાછા છેને પાંચ વર્ષનો અનુભવ છે. અને 33 વર્ષના નથી થયા. જો 33 વર્ષના થઈ ગયા હોત તો અરજી ન કરી શકેત. તમારું નગરપાલિકામાં કોઈ જાણીતું નથી.
ઉમેદવારઃ નગરપાલિકામાં કોઈ જાણીતું તો….મોટા ભાઈને પૂછું તો ખબર પડે.
CDPO: કેમ કે ભરાવી દેત.. પેલા ભાઈ કોણ છે તમારા કોળી જ છે. ત્યા નગરપાલિકામાં. નામ તો ભૂલાઈ ગયુ. હું હમણાં જાણી દઉ છું. શું નામ છે. તમારા કોળી જ છે એટલે. જો પેલા પ્રવીણભાઈ ટાંકને ઓળખોને.
ઉમેદવારઃ કોણ ?
CDPO: પ્રવીણભાઈ ટાંક.
ઉમેદવારઃ પ્રવીણભાઈ ટાંક.
CDPO: હા. એ નગરપાલિકાના મેઈન માથું છે. તમારા કોળી જ છે. એટલે એને મળીને આવી રીતે વાત કરો કે ત્રણ નંબરના વોર્ડનો દાખલો કઢાવી દો. તો પછી તાત્કાલિક તમારી પાસે બધા ડોક્યુમેન્ટ તો છે જ.
ઉમેદવારઃ એ અમાન્ય ન ગણાય. અહીં રહેતા હોયને
CDPO: નહી.. નહીં.. એ ત્યાંનો દાખલો કાઢી દે એટલે તમે ત્યાંના રહેવાસી છો એવું જ કહેવાય.
ઉમેદવારઃ હા.
CDPO: એટલે પ્રવીણભાઈ છેને એ ઓળખીતા હોય તો તમારા ભાઈને વાત કરો કે આવી પોઝિશન છે અને આવી રીતે કરવાનું છે. તો કાઢી દેશે. ત્રણ નંબર. વોર્ડ નંબર ત્રણનો હો.
ઉમેદવારઃ વોર્ડ નંબર ત્રણનો. હા.
CDPO: આજના દિવસમાં જાણી લો. એટલે હું તમને બીજુ શું કરવાનું છે એ કહું.
ઉમેદવારઃ હા.
**************
CDPO દર્શના પુરોહિત અને ક્લાર્ક સુરેશ બાંભણિયા વચ્ચેની કથિત ઓડિયો ક્લીપમાં થયેલી વાતચીત…
CDPO: હા એ કલ્પના બહેનનો વારો હતો એના બદલે એ ગયા.
ક્લાર્ક : કલ્પના બહેન આજે જાય છે. હું કાલે જઈશ. દર્શના બહેન એ કે ફોન નથી ઉઠાવતા.
CDPO: સવારના પહોરમાં સાડા છ વાગ્યામાં કોલ કરે તો કોણ ઉઠાવે.
ક્લાર્કઃ અને કાલે જય બોલતો હતો કે, હું ત્યાં જાણી જોઈને બેઠો હતો. કે તે આપણા વિશે કહેવા શું માગે છે ? જય તો એવું કહેતો હતો કે, મેં મમ્મીને કહ્યું કે, આપણે આમાં હવે કોન્ટ્રાક્ટબેઝ પર નોકરી કરાય નહીં. હવે આમાં કંઈ કર્યા જેવું નથી.
**************
નવા TDO અંગે ચર્ચા
ક્લાર્કઃ કાલથી તો તમને ખબર છે કોણ આવે છે. તાલુકા TDO.
CDPO: કોણ ?
ક્લાર્કઃ પહેલાં સાહેબ ન હતા આવ્યા ઓડેદરાભાઈ. એ આવે છે અહીં TDOના ચાર્જમાં. એમણે સાહેબને અને ઈલા મેડમને ફરિયાદ કરી કે ઊનાની હાલત બહુ ખરાબ છે. અને ટીડીઓનો અધિકાર છે કે એ આપણા ડોક્યુમેન્ટ ચેક કરી શકે. હિસાબીથી માંડીને. આપણે એના અન્ડરમા જ આવીએ. એમણે કોડીનારમાં ઘણું બધુ સુધાર્યું છે. બરાબર. કાલે પહેલાં બેનનો ફોન હતો હિસાબીમાંથી. તમારી સાથે વાત થઈ પછી. કે બાંભણિયાભાઈ એ આવે છે કેવો છે ? મે કહ્યું, છે બેન ખરાબ આ બાબતમાં થોડું સાફ સુથરું રાખજો. નહીં તો એ માણસ ખરાબ છે. એ બહેન વેરાવળમાં પણ હતો ને, સુત્રાપાડામાં હતો ને તો કઈ રીતે બિલ. આપણે બિલ બંચ ન બનાવીએ. એમાં સીડીપીઓની સહી અને બિલબંચ મંગાવશે આપણી પાસે. પછી બિલ પાસ થશે સુખડીનાને બધા. એમ નહીં કે તમારી સહી કરાવીને મોકલી દઈશું.
CDPO: હા.. હા…
ક્લાર્કઃ બિલ બંચ જોવા માટે મંગાવશે અને એ આધારે સહી કરાવશે. એટલે મારે નૈના બહેનને પણ કહેવું પડશે કે વ્યવસ્થિત મોકલજો સખડીનાને બિલ આ મહિનાથી. લિંબાણીભાઈ રજા પર ઉતરી જાય છે એટલે તો.
CDPO: એમ છે.
ક્લાર્કઃ હા. કાલથી રજા પર જતા રહે છે આ ભાઈ આવે છે એટલે. ચાર્જ સોંપીને.
********************
ડેટા ઓપરેટર હેતલ મકવાણા વિશે ચર્ચા
CDPO: એને આમ તો જતી હોય તો જવા દેવાય.
ક્લાર્કઃ તો જવા જ દો. બધું ઉભું થઈ જશે તમે ચિંતા ન કરો.
CDPO: એ જાય તો કોઈ બીજાને રાખી લઈશું.
ક્લાર્કઃ રાખી પણ લઈશું અને બીચારો કામ પણ કરશે. ત્રણ ચાર હજારમાં અત્યારે આ બીમારીમાં કરશે કામ.
CDPO: એટલે જ. આ અમુક અમુક કટ થઈ જાયને તો જ થાય એમ છે.
ક્લાર્કઃ સુધારો થઈ જાય.
CDPO: એ તો અન્યાય છેને એ રમીલાબેનને પત્રકોને બધું છાપી દેય અને બીજાને કોઈને કંઈ ન કરી દે તો પૂનમ તો સવાલ ઉઠાવે જ ને.
ક્લાર્કઃ ના ના હવે એનું વધારે ના ખેંચાય. જેટલું હેતલ હેતલ કરીએ એટલું આપણું બગાડે છે.
************
કોઈ અન્ય મેડમે રૂપિયા ઉઘરાવ્યાની વાત મુદ્દે ચર્ચા
ક્લાર્કઃ હું કોઈના નામ પેલાય નથી દીધા અને દેવાનો પણ નથી. જનરલી તમે પેલા પણ કહ્યું હતું કે, ફાળો કરો. ફલાણું કરો. મોતી બહેનને પણ કહ્યું ફોન કરીને. બરોબરને. એમને શરમ નહીં આવતી હોય બધું ઉભું કરતાં હશે તો. એને એ કહેશે કે તમે 300-300 ઉઘરાવો અને એ જ તૈયાર કરી દેશે કે તમે ફરિયાદ કરો.
CDPO: એટલે મેં મોતી બહેનને કહ્યું કે બોલતા જ નહીં હમણાં આપણે કંઈ કરવાનું નથી થતું. હમણા કેસ વધી ગયા છે.
ક્લાર્કઃ કેસ પણ વધી ગયા છે અને કરવું હોય તો આપણે સ્ટાફ કરીએ. 100-100 રૂપિયા ઉઘરાવીને અને એને પાર્ટી આપી દો. કાંઈ અત્યારે આ જમાનો નથી. 300-300, 500-500 રૂપિયા લઈ. વર્કર-વર્કર એક બે ખાસમખાસ હોય તો એવડા પથારી ફેરવી નાખે અને પેપરમાં આવીએ.
CDPO: હા. એ છે.
ક્લાર્કઃ એ તો એનું બધુ કરીને નીકડી જશે અને તમારે જવાબ દેવો પડશે. તમારે અને મોતી બહેનને. આ ધંધો કરાય નહીં અત્યારે.
ક્લાર્ક અને સીડીપીઓ વચ્ચે 17 મિનિટ વાતચીત થાય છે. જેમાં આ સમગ્ર મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે. હવે સવાલ એ છે કે, આંગણવાડી એ ભ્રષ્ટાચારનું ઘર જ છે કે ભ્રષ્ટાચાર સિવાય પણ ત્યાં કામ થાય છે ? ઓડિયો ક્લીપ વાયરલ થતાં તપાસની માંગણી પણ ઉગ્ર બની છે. જો કે, હવે એ જોવાનું છે કે, આ મુદ્દે તપાસ થાય છે ભીનું સંકેલાય જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત