Homeસાહિત્યવાર્તા વિશ્વ : સુદર્શનની ‘કવિની પસંદગી’

વાર્તા વિશ્વ : સુદર્શનની ‘કવિની પસંદગી’

વાર્તા – કવિની પસંદગી
લેખક – સુદર્શન
અનુવાદક – Team Chabuk

(1)

ચંદ્ર અને સૂર્યના પ્રિય મહારાજાએ પોતાના જુવાન મંત્રીને કહ્યું, ‘મને મારા દરબાર માટે એક કવિની આવશ્યકતા છે. જે સાચેક કવિ જ હોય.’

બીજા દિવસે જુવાન મંત્રીએ નગરમાં ઢંઢેરો પીટી દીધો. ત્રીજા દિવસે એક હજાર માણસો મંત્રીના મહેલની નીચે ટોળે વળીને ઊભા હતા અને ગાંગરતા હતા કે અમે બધા કવિ છીએ. મંત્રીએ એકવીસ દિવસ સુધી બધાની કવિતાઓ સાંભળી અને જોયું કે એ તમામ સુંદર શબ્દો અને રસીલા ભાવ ઉત્પન્ન કરતી હતી. તેમાં મધુની મીઠાશ હતી, યૌવનની શોભા હતી, મદભરી ઉપમાઓ હતી અને મનને મોહી લેતા અલંકારો હતા.

પણ તેમાંથી સર્વશ્રેષ્ઠ કોણ ? યુવાન મંત્રી તો નિવેડો ન લાવી શક્યો. એણે એક દાડો વિચાર્યું, બીજા દાડે પણ વિચાર્યું, ત્રીજા દાડે પણ વિચાર્યું, ચોથા દાડે તેણે ફુલોની પાંખડીઓના કાગળ પર સોનેરી રંગથી એક હજાર એક કવિઓના નામ લખ્યા અને આ નામની સૂચિ મહારાજની આંખો સામે લાવીને રાખી દીધી.

મહારાજા તો હેરાન થઈ ગયા બોલ્યા, ‘આ બધા કવિ છે?’

મંત્રીએ વિનયપૂર્વક માથું નમાવ્યું અને ધીમેથી ઉત્તર આપ્યો, ‘મેં તેમની રચના સાંભળી છે અને એ પછી જ નામાવલી તૈયાર કરી છે. પણ આપણને તો એક કવિની જરૂર છે અને આ તો એક હજાર કવિઓ છે. હું તો પસંદગી ન કરી શક્યો.’

મહારાજાએ એક કલાક વિચાર કર્યો, બે કલાક વિચાર કર્યો, ત્રણ કલાક વિચાર કર્યો, ચોથા કલાકે આજ્ઞા આપી, ‘આ બધાને જેલમાં નાખી દો, તેમને બળદની જગ્યાએ ગોઠવો અને તેલ કઢાવો. ઢંઢેરો પીટીને હુકમ દઈ દો કે હવે નગરમાં જે પણ કવિતા કરશે તેને અમારા શહેરના સૌથી હટ્ટાકટ્ટા માણસો ચાબુક મારી મારીને મારી નાખશે.’

મંત્રીએ આજ્ઞાનું પાલન કર્યું. હવે એ નગરમાં એક પણ કવિ નહોતો. ન તો કોઈ કાવ્ય પર ચર્ચા કરતું હતું, લોકો આ એક હજાર અભાગિયાઓની કરણી ને કથણીની વાર્તાઓ સાંભળતા અને તેમની સ્થિતિ પર માથું કૂટી અફસોસ વ્યક્ત કરતા હતા.

(2)

છ મહિના પછી મહારાજા એક હજાર એક કવિઓની પાસે કેદખાનામાં ગયા. એ બધાની તપાસ કરાવવાનો હુકમ કર્યો. એક હજારમાંથી સો એવા નીકળ્યા જેમણે કેદખાનાની આ દુનિયામાં પણ, યાતનાઓ વચ્ચે રહેવા છતાં, રાતના સમયે નિંદ્રાનો ત્યાગ કરીને, ચોકીદારોથી લપાઈ છુપાઈને, કવિતાઓ કરી હતી. એ પણ નહોતું વિચાર્યું કે મહારાજાને તેમના આ અપરાધની (?) ભનક લાગી ગઈ, તો તેમનો શાંત જ્વાળામુખી સમો ક્રોધ ભભૂકી ઉઠશે. અને આ રાજ્યનો સૌથી બળવાન માણસ તેમને ચાબુક ફટકારી ફટકારી યમને ધામ પહોંચાડી દેશે.

મહારાજાએ પોતાના મંત્રીને કહ્યું, ‘તે જોયું. આ નવસો માણસો કવિ નહોતા, ફક્ત નામના ભૂખ્યા હતા. એમને છ મહિનાનો પગાર આપી કાઢી મૂકો. અને આ સો લોકો કંઈક હદે કવિ લાગે છે. તેમને રહેવા માટે આપણો મોર-મહેલ આપી દો. અને મંત્રી ધ્યાન રાખજો કે આ સોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે.’

મંત્રીએ રાજાની આજ્ઞા માનતા આવું જ કર્યું. હવે આ કવિઓ સારા કપડાં પહેરતા હતા. સારું ભોજન કરતા હતા. રાત દિવસ રાસલીલા અને રાસરંગમાં લીન રહેતા હતા. હવે લોકો તેમના એશ અને આરામની વાર્તાઓ સાંભળતા હતા. પોતાના દુર્ભાગ્ય પર ઊંડા નિ:સાસા નાખતા હતા. છ મહિના બાદ મહારાજા પોતાના મંત્રીની સાથે વધુ એક વખત કવિઓની મુલાકાત લેવા મોર મહેલ તરફ ગયા. એ બધાને પોતાની સન્મુખ બોલાવ્યા, ‘તમે લાપરવાહીના આ એક મહિનામાં શું શું લખ્યું અને બોલ્યું ? હું સાંભળવા ઉત્સુક છું.’

સો કવિઓમાંથી ફક્ત એક હતો, જેણે મોર મહેલની ઈન્દ્રસભાઓમાં ભાગ નહોતો લીધો અને પોતાના મનના ઉદ્દગારોને શબ્દોના તોરણમાં બાંધતો રહ્યો. બીજા તો મદિરાપાન કરતા હતા અને નાચી રહ્યા હતા. એ તો એકલો બેસીને પોતે જ પોતાની કવિતા સાંભળતો હતો. પોતે જ ખુશ થતો હતો. જેમ જંગલમાં મોર પોતે જ નૃત્ય કરે છે અને પોતે જ પ્રસન્ન થાય છે.

ચંદ્ર અને સૂરજના પ્રિય મહારાજાએ પોતાના યુવાન મંત્રીને કહ્યું, ‘આ સો માણસોમાંથી નવ્વાણું પણ કવિ નહોતા. એ આરામના ભૂખ્યા હતા. જ્યારે આ કેદ હતા ત્યારે તેમની આંખો પોતાની દુર્દશા પર રડતી હતી. અને જોકે એ વખતે એમનું જીવન, જીવનની વસંત ઋતુથી ખાલીખમ હતું એટલે એ દિવસોમાં એમને એમનું પોતાનું જીવન પ્રિય ન હતું. જેથી તેમણે એ સમયે કવિતાઓની રચના કરી અને તેમાં પોતાના ભાગ્યને અપરાધી ઠેરવતા, ભાગ્યના અંધકાર અને અંધકારરૂપી ભાગ્ય પર રડતા રહ્યા. પણ જ્યારે એ દિવસો વિતી ગયા અને એ કાલરાત્રી પસાર થઈ ગઈ તો તેઓ કાવ્ય અને કલ્પનાની કલા પણ વિસરી ગયા. આ દુ:ખના દિવસોના કવિ છે. સુખના સમયના કલાકાર નથી. આ બધાને ધક્કો મારીને મોર મહેલની બહાર ખદેડી દો.’

એ પછી મહારાજાએ એ સાધુ સ્વભાવના, ચિંતા વિનાના માણસની તરફ ઈશારો કરીને કહ્યું, ‘આ સાચો કવિ છે. જેના માટે દુ:ખ અને સુખ બંને બરાબર છે. આ દુ:ખની કાલરાત્રીમાં પણ કવિતા કરે છે અને સુખની સવારમાં પણ કવિતાઓ કરે છે. આ મોતના કાળા રસ્તા પર પણ કવિતા કરે છે અને જીવનની સુંદર ઘાટીઓમાં પણ કવિતાઓ કરે છે. આ તેનો સ્વભાવ છે. આ તેનું જીવન છે. આ તેના વિના રહી નથી શકતો. આ સાચો કવિ છે. આ એક હજાર કાંકરાઓમાં હીરો છે. આજથી આપણે તેને આપણો દરબારી કવિ નિયુક્ત કરીએ છીએ. આપણે તેને મોઢે માગ્યો પગાર આપીશું. આનું કાર્ય બસ એટલું જ રહેશે કે રોજ દરબારમાં આવીને મને એક દુહો સંભળાવી જાય.’

કવિએ દરબારમાં જઈને એક દાડો દુહો સંભળાવ્યો, બીજો દાડો સંભળાવ્યો, ત્રીજો દાડો દુહો સંભળાવ્યો પણ ચોથા દિવસે લખીને રાજા પાસે પત્ર રવાના કર્યો કે, ‘મારાથી આ પ્રકારની કવિતા નહીં થઈ શકે. હું ઉદ્દગારોનો કવિ છું. કોઈની મરજીનો ગુલામ નથી.’

યુવાન મંત્રીએ કહ્યું, ‘આ માણસ અભાગીયો છે.’

પણ મહારાજે કહ્યું, ‘આ અભાગિયો નથી. ન તો આ કવિ છે. જો આજ તારો બાપ, મારો પહેલો મંત્રી જીવતો હોત તો સાહિત્ય મંદિરના આ પૂજારીના પગ પકડી લેત. આ સ્વતંત્ર છે. આ સ્વતંત્રતાની કવિતા કરે છે. જે ગુલામ હશે એ ગુલામીની કવિતા કરશે. આ માણસ દરબારમાં આવે કે ન આવે આનો પગાર હંમેશાં તેના ઘરે પહોંચી જવો જોઈએ. આવા ઊચ્ચ કોટીના કલાકારનું ભૂખ્યા રહેવું એ મારા રાજ્યનું સૌથી મોટું અપમાન ગણાશે.’

યુવાન મંત્રીના મનની બીડાયેલી આંખો ખુલી ગઈ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments