Team Chabuk-Gujarat Desk: દિવાળીના તહેવારમાં રંગોળીનું ખાસ મહત્વ હોય છે. લોકો પોતાના ઘરના આંગણે વિવિધ રંગબેરંગી રંગોળી બનાવતાં હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર ખોડલધામ ખાતે આકર્ષક રંગોળી તૈયાર કરવામાં આવી છે. અનાજ અને કઠોળમાંથી તૈયાર કરવામાં આવેલી આ અનોખી રંગોળી મંદિરે આવતા દર્શનાર્થીઓ નિહાળી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલી વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિર ખાતે દિવાળીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે ધનતેરસના દિવસે મંદિર પરિસરમાં સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી છે. મંદિર પરિસરના મુખ્ય પ્રવેશ દ્વાર અને મુખ્ય મંદિરની વચ્ચે આવતાં સર્કલ ખાતે અનાજ અને કઠોળમાંથી આકર્ષક રંગોળી બનાવવામાં આવી છે. શ્રી ખોડલધામ વંથલી કન્વીનર વિનુભાઈ મોણપરા અને તેમની ટીમ દ્વારા ભારે જહેમત બાદ વિવિધ અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.

આશરે 85 કિલો અનાજ-કઠોળનો ઉપયોગ
ખોડલધામ મંદિર પરિસરમાં તૈયાર કરવામાં આવેલી આ રંગોળીમાં પાંચ પ્રકારના અનાજ અને કઠોળનો ઉપયોગ થયો છે. આ રંગોળી તૈયાર કરવા માટે 30 કિલો ચોખા, 25 કિલો ઘઉં, 12 કિલો અડદ, 12 કિલો મગ અને 4 કિલો ચણાની દાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ આશરે 85 કિલો અનાજ અને કઠોળમાંથી આ રંગોળી તૈયાર કરાઈ છે. રંગોળીની વચ્ચે શિવલિંગ મૂકવામાં આવી છે. આશરે 14 લોકોએ સતત 6 કલાકની મહેનત બાદ 15 ફૂટ પહોળી અને 15 ફૂટ લંબાઈની આ સુંદર મજાની રંગોળી બનાવી છે. હાલ આ રંગોળીને મંદિરે આવતા દર્શનાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ અનોખી રંગોળી નિહાળીને દર્શનાર્થીઓ પણ આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

મહત્વનું છે કે, દિવાળીના પર્વમાં ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મા ખોડલના દર્શનાર્થે આવતાં હોય છે. હાલ કોરોના મહામારીને ધ્યાને રાખીને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર્શનાર્થીઓના પ્રવાહને ધ્યાને રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. મંદિર પરિસરને રંગબેરંગી લાઈટોથી શણગારી દેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત