જગતનો તાત મહેનત મજૂરી કરીને પાક ઉગાડવા રાત-દિવસ એક કરી નાખતો હોય છે. કડકડતી ઠંડીમાં ઉજાગરા કરીને મોલને લહેરાતો કરવા મહેનત કરે. પરંતુ અમુક ઠગબાજો આવા ભોળા ખેડૂતો સાથે રમત રમી જતાં હોય છે. આવો જ કિસ્સો સામે આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે. ગામના ખેડૂતોને નકલી જીરુંનું બિયારણ પધરાવી દીધું હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે.
દેદાદરા ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામમાં દર વર્ષે શિયાળુ પાક જીરુંનું પુષ્કળ વાવેતર થાય છે. ખેડૂતો અલગ અલગ વેપારીઓ પાસેથી જીરુંનું બિયારણ ખરીદતા હોય છે અને વાવેતર કરતાં હોય છે. જીરુંના વાવેતર બાદ તેને બે ત્રણ વખત પિયત આપ્યા બાદ જીરું જમીનમાંથી ઉગી નીકળતું હોય છે. પરંતુ આ વર્ષે દેદાદરા ગામના કેટલાક ખેડૂતોએ જીરું વાવ્યા બાદ ત્રણ ત્રણ વખત પિયત આપ્યું, દવાનો છંટકાવ કર્યો, નિંદામણ કર્યું, તેમ છતાં જીરુંનો પાક ઉગ્યો નહીં. ખેડૂતોએ જીરુંના પાક પાછળ પુષ્કળ ખર્ચ કરી નાખ્યો પરંતુ ખેડૂતોને કહ્યા પ્રમાણે ખેતરમાં એક પણ દાણો ઉગ્યો નથી.

દેદાદરા ગામના ખેડૂતોના કહ્યા પ્રમાણે જે બિયારણ નથી ઉગ્યું તે અન્ટીલીયા કંપનીનું બિયારણ હતું. ગામમાં બે જથ્થામાં આ એન્ટીલીયા કંપનીનું જીરુંનું બિયારણ આવ્યું હતું. જેમાં પ્રથમ જથ્થામાં જે બિયારણ આવ્યું હતું તે બિયારણ જે ખેડૂતોએ વાવ્યું તેનો એક પણ દાણો ઉગ્યો નથી જ્યારે બીજા જથ્થામાં આ જ કંપનીનું બિયારણ આવ્યું હતું તે ખેડૂતોને ઉગ્યું છે. એટલે ખેડૂતોને આરોપ છે કે અન્ટીલીયા કંપનીનું આ બિયારણ એક્સપાયરી ડેટવાળું હતું અને નકલી બિયારણ હોવાના કારણે ઉગ્યું નથી.
ખેડૂતો આ મુદ્દે હવે એન્ટીલીયા કંપની સામે કાયદેસરના પગલાં લેવા કોર્ટ અને પોલીસ સ્ટેશનના દ્વારે પહોંચ્યા છે. દેદાદરા ગામના જે ખેડૂતો સાથે આ છેતરપિંડી થઈ છે તેઓએ ગ્રાહક સુરક્ષા કોર્ટ અને વઢવાણ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે કંપની સામે ફરિયાદ નોંધાવી છે. કંપની ઉપરાંત ખેડૂતોએ સિદ્ધનાથ એગ્રો અને સંજય એગ્રો સામે પણ પગલાં ભરવા માગ કરી છે.

ખેડૂતોનો આરોપ છે કે જીરુંના બિયારણની થેલી પર જ્યાં એક્સપાયરી ડેટ લખી હોય ત્યાં ઉપર બીજું સ્ટીકર લગાવીને નવી તારીખ લખી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે ખેડૂતોએ વાવેલું જીરુંનું બિયારણ ઉગ્યું નહીં અને ખેડૂતોને બિયારણ અંગે શંકા ગઈ ત્યારે સમગ્ર મામલે તપાસ કરતાં બિયારણની થેલી પર એક્સપાયરી ડેટની ઉપર બીજું સ્ટીકર ચોંટાડીને નવી તારીખ લખેલી જોવા મળી હતી. જેને હટાવતા થેલી પર મૂળ જુની એક્સપાયરી ડેટ લખેલી નજરે પડી હતી. ખેડૂતો પાસે રહેલી આ જીરુંના બિયારણની થેલીની તપાસ કરતાં જાણવા મળ્યું કે તેની એક્સપાયરી ડેટ 2 જૂન 2020 હતી. એટલે કે આ જીરુંનું બિયારણ ખેડૂતો પાસે આવ્યું તે પહેલાં જ તેની એક્સપાયરી ડેટ જઈ ચૂકી હતી.
ખેડૂતોએ પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, જીરુંના પાક પાછળ ઘણો ખર્ચ કરી નાખ્યો છે, હવે જીરુંના પાકનો સમય પણ વીતી ગયો છે. ત્યારે આ સિઝનમાં ખેતરો ખાલીખમ રહેશે. નકલી બિયારણના કારણે દેદાદરા ગામની અંદાજે 150 વીઘા જમીનમાં જીરુંનું વાવેતર નિષ્ફળ ગયું છે. ખેડૂતોને ખર્ચ પણ માથે પડ્યો છે. ત્યારે ખેડૂતો માગ કરી રહ્યા છે કે છેતરપિંડી કરનાર આ કંપની અને બિયારણ વિક્રેતા સામે કડક પગલાં ભરવામાં આવે.
હાલ તો આ પ્રકારે નકલી બિયારણના કારણે જીરુંનો પાક નિષ્ફળ જવાનો એકમાત્ર કિસ્સો દેદાદરા ગામમાંથી જ સામે આવ્યો છે. આ કંપનીએ આ પ્રકારે અન્ય ખેડૂતોને પણ એક્સપાયરી ડેટવાળું બિયારણ પધરાવ્યું હોવાની ચર્ચા આસપાસના પંથકમાં થઈ રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત