Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૧૬ને મંગળવારના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે અને તેની સાથે સાવલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં વડોદરા જિલ્લાને (vadodara district) સો ટકા ટેપ વોટર કનેક્ટેડ (tap water connection) જાહેર કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ ૨૦૨૪ સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ મારફત પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સંકલ્પને વડોદરાએ ૨૦૨૧માં જ સાકાર કરી લીધો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.૧૬ને મંગળવારે વડોદરા અને સાવલીની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર ખાતે સંગઠન દ્વારા આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી બનશે. એ પૂર્વે સાવલી તાલુકા સેવા સદન પાસે ઉક્ત કાર્યક્રમ યોજાયો છે. જેમાં તેઓ વડોદરા જિલ્લાને સો ટકા નળજોડાણ યુક્ત જિલ્લો ઘોષિત કરશે. તેની સાથે પાણી પુરવઠાની યોજનાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.
‘હર ઘર નલ સે જલ’ ના યોજના અંતર્ગત વડોદરા જિલ્લામાં ૩,૨૬,૭૦૫ ઘરો ગ્રામીણ વિસ્તારમાં આવેલ છે અને આ તમામ ઘરોને રૂ. ૮૩૯૧.૦૦ લાખની યોજનાઓ મારફતે ૧૦૦ ટકા ઘરોમાં પીવાનું પાણી નળ દ્વારા પહોચાડવામાં આવ્યું છે.
વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના ૩૯ ગામ તથા ૩૪ પરાઓનો સમાવેશ કરતી અનગઢ ગામે આવેલ મહી નદીમાં કુવાના સ્ત્રોત આધારીત વડોદરા ઉત્તર વિભાગ જુથ પાણી પુરવઠા યોજનાના અંદાજિત રકમ રૂ. ૧૨૬.૫૯ કરોડના કામો કરાયા છે. જેમાં મહી નદીનું પાણી વડોદરા તાલુકાના અનગઢ ગામે તથા ધનોરા ગામે મુખ્ય હેડવર્કસ ખાતે કુલ ૪૬ એમ.એલ.ડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાંથી પીવાનું શુદ્ધ પાણી જુદા જુદા ૪ હેડવર્કસ સુધી લઈ જવા માટે આશરે ૧૫૧ કિલોમીટર પાઇપલાઇનનું નેટવર્ક પાથરવામાં આવી છે. જેની કામગીરી પૂર્ણ થયેલ છે. આ યોજના દ્વારા હવેથી ૨.૪૨ લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનો લાભ મળનાર છે. જેનું લોકાર્પણ થશે.
આજ પ્રકારે વડોદરા, સાવલી, ડેસર અને કરજણ તાલુકાના કુલ ૨૧૧ ગામો માટે નવીન ૫ જુથ પાણી પુરવઠા યોજનાઓ મારફત અંદાજિત રકમ રૂ. ૩૬૪.૮૦ કરોડના પ્રોજેકટનું આયોજન છે. જેના કામો હવે શરૂ કરવામાં આવનાર છે. જે તબક્કાવાર પૂર્ણ કરી ૪.૩૫ લાખ વસ્તીને શુદ્ધ પીવાના પાણીનું લાભ આપવામાં આવશે. આ યોજનાનું ખાતમુહૂર્ત કરાશે. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
