Team Chabuk-Gujarat Desk: જળ વાયુ પરિવર્તનને કારણે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોને પહોંચી વળવાનો એકમાત્ર ઉપાય મહત્તમ વૃક્ષોનું વાવેતર છે. માનવજીવનમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં પણ વૃક્ષોનો મહિમાગાન કરવામાં આવ્યો છે. વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરો પાડે છે.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની તુલસીપુરા ગ્રામ પંચાયતે પર્યાવરણનું સંતુલન જાળવવા એક અનોખી પહેલ કરી રોજગારીના સર્જન સાથે એક જ વર્ષમાં વિવિધ 20 જેટલી પ્રજાતિના 12 હજાર જેટલા વૃક્ષો ઉછેરી ગામ વન ઉભુ કરી અન્ય ગામો માટે અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેને પરિણામે આજે ગામમાં એક હરિયાળું લીલુંછમ વન લહેરાઈ રહ્યું છે.
હવે તમને થતું હશે કે એક જ વર્ષમાં આવું શક્ય બને ખરુ ? હા પણ આ હકીકત છે. તુલસીપુરા ગ્રામ પંચાયતે વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા યોજના હેઠળ મિયાવાકી પદ્ધતિથી રોજગારીના સર્જન સાથે ગત વર્ષે એક હેકટર પડતર જમીન વિસ્તારમાં 12 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરી ઘનિષ્ઠ વન ઉભુ કરવામાં આવ્યું છે. ગામને હરિયાળું બનાવવા સાથે ગ્રામજનોને 4350 માનવ દિન જેટલી રોજગારી પણ ઉભી થઈ હતી. આ હરિયાળા ગામ વનમાં ગોરસ આંબલી, સાદળ, જાંબુડો, વાંસ, ગુંદા, કદમ, કાલીદ, લીમડો, સપ્તપદી, પેસ્ટ્રો, ગોરાળ, રેટ્રી, આમરી, કનજ, નીલગીરી, ગુલમોર, શિશુ, બંગાળી બાવળ, સીતાફળ અને ખાટી આમલી સહિત 20 પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.પંડ્યાએ જણાવ્યું કે, વડોદરા જિલ્લામાં મનરેગા યોજના હેઠળ વર્ષ 2020-21માં મિયાવાકી પદ્ધતિથી 28 જેટલા ગામોમાં ઘનિષ્ઠ વનીકરણ કરી એક લાખ જેટલા રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. ગામડાઓને હરિયાળા બનાવવા સાથે મનરેગા હેઠળ 80 હજાર માનવ દિન રોજગારીના ઉત્પાદન સાથે શ્રમજીવીઓને રૂ.20 લાખ જેટલું વેતન ચૂકવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં વર્ષ 2020-21માં મનરેગા હેઠળ પાંચ લાખ માનવ દિન રોજગારી ઊભી કરી શ્રમજીવીઓને રૂ.12 કરોડ જેટલી માતબર રકમ તેમના બેંક ખાતામાં સીધી જમા કરાવવામાં આવી છે. જિલ્લામાં મનરેગા હેઠળ તળાવ કિનારે કે અન્ય પડતર જમીનમાં ત્રણ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
શું છે મિયાવાકી પદ્ધતિ ?
મિયાવાકી એ એવી પદ્ધતિ છે જેની જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા શોધ કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય તેટલું નજીક વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જે ન ફક્ત જગ્યા બચાવે છે, પરંતુ વાવેતર કરેલા રોપાઓ એકબીજાને વૃદ્ધિ અને સૂર્યપ્રકાશને જમીન પર પહોંચવામાં મદદ કરે છે. અને નિંદામણના વિકાસને અટકાવે છે. રોપાઓ ત્રણ વર્ષ પછી જાળવણી મુક્ત બને છે. આ પદ્ધતિથી છોડનો દસ ઘણો ઝડપી વિકાસ થવા સાથે 30 ઘણું ગાઢ જંગલ બને છે.
વૃક્ષ વિકાસની એક પૂર્વ શરત છે. હરિયાળી થી વિકાસ તંદુરસ્ત બને છે અને દર્શનીય બને છે. વડોદરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ મનરેગાની મદદથી મિયાવાકી જંગલ ઉછેરવાનું આયોજન કરીને વૃક્ષ ઉછેરને રોજગારી સાથે જોડી સમતોલ વિકાસનો એક નવો માર્ગ ચીંધ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત