Homeદે ઘુમા કે‘ઈશાન’દાર: ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, 12 વર્ષની વયે ઘરથી બહાર નીકળ્યો, કેટલીય રાતો...

‘ઈશાન’દાર: ડેબ્યૂ મેચમાં ફિફ્ટી, 12 વર્ષની વયે ઘરથી બહાર નીકળ્યો, કેટલીય રાતો ખાધા પીધા વગર સુતો

Team Chabuk-Sports Desk: ભારતે શ્રીલંકા સામેની પહેલી મેચ 7 વિકેટે જીતી લીધી. શિખર ધવનની આગેવાનીમાં મેદાને ઉતરેલી ટીમે 263 રનનું લક્ષ્ય માત્ર 36.4 ઓવરમાં મેળવી લીધુ. મેચમાં ખુદ ગબ્બર શિખર ધવને 86 રન ફટકાર્યા જ્યારે જન્મદિવસે જ વન ડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કરનારા વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને પણ અર્ધસદી ફટકારી ટીમને રિટર્ન ગીફ્ટ આપી દીધી.

ઈશાન કિશન માટે 18 જુલાઈનો દિવસ ખાસ રહ્યો. જન્મદિવસે જ તેને શ્રીલંકા સામે વન ડે ઈન્ટરનેશલમાં ડેબ્યૂ કર્યું. 18 જુલાઈ 1998માં બિહારની રાજધાની પટનામાં જન્મેલો ઈશાન કિશન બીજો ભારતીય ખેલાડી છે જેણે પોતાના જન્મદિવસે વનડે ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું. આ પહેલાં ગુરૂશરન સિહે પોતાના જન્મદિવસે ભારત માટે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું.

મૂળ બિહારના વતની ઈશાન કિશને ટીમ સિલેક્ટરનો વિશ્વાસ જીતવા માટે ખૂબ સંઘર્ષ કર્યો છે. ઈશાન કિશનના બાળપણના કોચ ઉત્તમ મજમૂદારે એક ખાનગી અખબારને કહ્યું કે, તેમણે 2005માં પહેલીવાર ઈશાન કિશનને તેના મોટા ભાઈ રાજકિશન સાથે જોયો હતો.

ઈશાનના પિતાએ કહ્યું કે, કોચ ઉત્તમ મજમૂદારે મને કહ્યું હતું કે કંઈ પણ કરજો પરંતુ ઈશાનની ક્રિકેટ બંધ ન કરતા. અમે તેમની પાસે અમારા મોટા દીકરાની પસંદગી માટે ગયા હતા. જો કે, તેઓ ઈશાન કિશનથી વધુ પ્રભાવિત થયા હતા. ઈશાનને જોયા બાદ કોચ મજૂમદારે કહ્યું હતું કે, આનામા કંઈક સ્પાર્ક છે. તેનું મેદાનમાં ચાલવું અને ક્રિકેટ વિશે વિચારવું અન્ય બાળકોથી અલગ છે.

જ્યારે ઈશાન કિશન 12 વર્ષનો હતો ત્યારે તેના પરિવારને ઈશાન માટે મહત્વનો નિર્ણય લેવો પડ્યો. ઈશાનના પિતાએ કહ્યું કે, ઈશાન ત્યારે નાનો હતો. ઈશાનના કોચ અને અન્ય લોકોએ કહ્યું કે જો ઈશાનને મોટા ક્ષેત્રે રમવું હશે તો તેને રાંચી શિફ્ટ કરવો પડશે. ઈશાનની મા ચિંતિત હતી પરંતુ બહું વિચાર-વિમર્શ કર્યા બાદ અમે તેને પડોશી રાજ્યમાં મોકલવાનો નિર્ણય કર્યો. મનમાં ડર હતો પરંતુ ઈશાને પણ રાંચી જવાની જીદ પકડી હતી.

રાંચીમાં ઈશાનની જિલ્લા ક્રિકેટ ટૂર્નામેનન્ટમાં સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડની (SAIL) ટીમમાં પસંદગી થઈ. SAILએ તેને એક રૂમનું ક્વાર્ટર આપ્યું. જેમાં અન્ય ચાર સિનિયર્સ ક્રિકેટર્સ પણ રહી રહ્યા હતા. ઈશાન નાનો હતો અને જમવાનું બનાવતા પણ નહતું આવડતું જેથી તેનું કામ વાસણ ધોવાનું અને પાણી ભરવાનું હતું. એક વાર જ્યારે તેના પિતા રાંચી ગયા ત્યારે ઈશાનના પાડોશીએ કહ્યું કે તેમનો પુત્ર કેટલીય રાત ભૂખ્યા પેટે સુઈ ગયો છે.

ઈશાન કિશનના પિતાએ કહ્યું કે, હકીકતે ઈશાનના સિનિયર્સ રાત્રે ક્રિકેટ રમવા જતાં રહેતાં હતા. જેના કારણે કેટલીય વાર ઈશાનને ભૂખ્યા પેટે જ સુઈ જવું પડતું. જો કે, ઈશાને આ વાત તેના માતા-પિતાને પણ કહી ન હતી. બે વર્ષ સુધી આવું જ ચાલતું રહ્યું. તે ક્યારેક ચિપ્સ તો ક્યારેક કુરકુરે અને કોકા-કોલા પીને સુઈ જતો. અમે જ્યારે તેને ફોન કરતાં ત્યારે તે ખોટું બોલતો કે જમી લીધુ છે.  જ્યારે અમને ફરી ભૂખ્યા પેટે સુવાની વાત ખબર પડી તો અમે રાંચીમાં એક ફ્લેટ ભાડે રાખવાનું નક્કી કર્યું.

ત્યારબાદ ઈશાન કિશનની માતા સુચિત્રા દીકરા ઈશાન સાથે નવા ઘરમાં રહેવા જતા રહ્યા. ઈશાન જ્યારે 15 વર્ષનો થયો ત્યારે તેનું સિલેક્શન રણજી ટીમમાં થયું. તેણે આસામ વિરૂદ્ધ ગુવાહાટીમાં ઓપનિંગ કરતાં 60 રન બનાવ્યા. ત્યારબાદ ઈશાનનું સિલેક્શન ભારતીય અન્ડર-19 ક્રિકેટ ટીમમાં થયું.

ઈશાનને રાહુલ દ્રવિડની કોચિંગવાળી ટીમમાં કેપ્ટનની જવાબદારી સોંપાઈ હતી. દ્રવિડે આ ઈશાન નામના હીરાને વધુ ઘસ્યો અને ચમકાવ્યો. ઈશાનનું અન્ડર-19 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન ન રહ્યું છતાં તેણે આશા ન છોડી. હવે બે ફોર્મેટમાં ભારત માટે તેણે ડેબ્યૂ કરી લીધુ છે.

ઈશાન કિશને 14 માર્ચ 2021ના રોજ અમદાવાદમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટી-20 ઈન્ટરનેશનલમાં પગ મુક્યો હતો. ઈશાને પહેલી ટી-20માં 32 બોલમાં 56 રન ફટકાર્યા હતા. જ્યારે વન-ડે ડેબ્યૂ મેચમાં પણ ઈશાન કિશને અર્ધસદી ફટકારી છે. ઈશાને વન ડે ડેબ્યૂ મેચમાં 42 બોલ પર 59 રન ફટકાર્યા જેમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments