Team Chabuk-Gujarat Desk: કહેવાય તો એ અમદાવાદ છે, મેગા સિટી, અમદાવાદ… જ્યાં રહેવાનું અને કમાવાનું સ્વપ્ન હજ્જારો યુવાનો પોતાની છાતીમાં ધરબી બેઠા હોય છે. પરંતુ એ અમદાવાદની જ એક બીજી બાજુ પણ છે, જ્યાં કોઈ વખત રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળી આવે છે તો કોઈ વખત ઉંદર હોસ્પિટલમાં મનમૌજી બની રખડતા હોય છે. આજે વાત કેન્ટીનને પોતાનું ઘરનું ઘર બનાવી બેઠેલા ઉંદરની કરવાની છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકેનું બહુમાન ધરાવતી અમદાવાદની સિવિલ હોસ્પિટલની કેન્ટીનનું મસમોટું છીંડું બહાર આવ્યું છે. જ્યાં દર્દીના આરોગ્યની સાથે ચેડા થઈ રહ્યા છે. અહીં ઉંદર મસ્તમૌજી બની રખડી રહ્યો છે. ખાણું ખાઈ રહ્યો છે. હવે આ જ ભોજન દર્દીઓ કરે તો? કોઈ જાગૃત નાગરિક દ્વારા આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. અમદાવાદની આ કેન્ટીનને ઉપમા આપવી હોય તો આપી શકાય ‘કેન્ટીનના નામે કચરો!’
ઉચ્ચકક્ષાની સારવાર લઈ સ્વસ્થ આરોગ્ય પ્રાપ્ત કરવા માટે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ દાખલ થતાં હોય છે, પરંતુ અહીં સુરક્ષા કરતા અસુરક્ષા અતિક્રમી ગઈ છે. કેન્ટીનમાં ઉંદર એ રીતે આટા ફેરા મારી રહ્યો છે જ્યારે આ રસોડું તેના ઘરનું હોય. તરબૂચ ઉપર દાંત ખૂંપાવી ઉંદર પોતાના ઉદરને સંતોષ આપી રહ્યો છે. આવું રખડતું રાજ અહીં કેટલા સમયથી ચાલી રહ્યું છે? ઉંદર તો આવું બધું ખાઈ ફરાર થઈ જાય પરંતુ આ જ ભોજન જો દર્દીને પીરસવામાં આવે તો? એ અહીં સાજા થવા આવ્યા છે બીમાર પડવા માટે નહીં. જો આવું થાય અને દર્દી વધારે બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે? આ બધા સવાલો હવે તંત્રની ઉપર ઉઠી રહ્યા છે.
વીડિયોમાં શું શું છે તે અમે તમને બતાવીએ. એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદની કેન્ટીન. કેન્ટીનની અંદરના એક ભાગમાં લખવામાં આવ્યું છે ફ્રેશ જ્યુસ! ઓહો…. કેટલું હાસ્યાસ્પદ! કારણ કે જ્યાં ફ્રેશ જ્યુસ લખવામાં આવ્યું છે ત્યાં જ ઉંદર આંટાફેરા મારી તરબૂચની પાર્ટી કરી રહ્યો છે. (માફ કરજો, પણ ફ્રેશ જ્યુસ પણ નથી લખ્યું ‘ફ્રેશ જુઈસ’ લખ્યું છે એટલે જોડણીની પણ ભૂલ છે!) અહીં કેન્ટીનના પ્લેટફોર્મની ઉપર તરબૂચ, અનાનસ, સફરજન પડ્યા છે અને તરબૂચની ઉપર તરબૂચની જ સાઈઝનો ઉંદર પણ છે. કેન્ટીનમાં સ્વચ્છતાનો શૂન્યઅવકાશ સર્જાયો છે. આ કેન્ટીન એટલે બીમારીનું બીજું ઘર! બીજું તો શું કહેવું?
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી રાબેતા મુજબ તંત્ર દોડતું થયું છે. આ વીડિયો વાઈરલ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ તાત્કાલિક હોસ્પિટલની કેન્ટીનને બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત તેમણે તમામ વસ્તુઓને પણ અખાદ્ય ગણી તેનો નાશ કરાવ્યો છે. હવે આ અંગે કમિટી દ્વારા કેન્ટીન સામે શું પગલાં લેવા તે માટેની પણ કવાયત હાથ ધરાઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત