Homeગુર્જર નગરીજૂનાગઢ: ચોબારી ફાટક પાસે ટ્રાફિકનું સંચાલન કરી રહેલ TRB જવાનને કાર ચાલકે...

જૂનાગઢ: ચોબારી ફાટક પાસે ટ્રાફિકનું સંચાલન કરી રહેલ TRB જવાનને કાર ચાલકે ધોકો કાઢી ફટકાર્યો, કારનું ટાયર પગ પર ચડાવી દીધું

Team Chabuk-Gujarat Desk: સાંકડો રસ્તો, સાંકડો પુલ અને ઉપરથી ટ્રેન જ્યારે આવે ત્યારે ટ્રાફિકની વિકરાળ સ્થિતિ જૂનાગઢના બાયપાસ રોડથી આગળ જતાં ચોબારી તરફના રસ્તે ઉત્પન્ન થાય છે. જૂનાગઢના ચોબારી પાસેના હાઈવે પર એક TRB જવાન જ્યારે ટ્રાફિકની અવ્યવસ્થાનું સંચાલન કરી રહ્યો હતો, એ સમયે એક વ્યક્તિ કાર લઈ ધસી આવ્યો હતો અને તેના પગ પર ચડાવી દીધી હતી. એટલું જ નહીં તેણે જવાન આગળ દાદો બની કારમાં રહેલો ધોકો કાઢી ફટકાર્યો હતો અને ગાડીને વીસ હજાર રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. જતાં જતાં તેણે જવાનને જોઈ લેવાની ધમકી પણ આપી હતી. TRB જવાને આ અંગેની પોલીસ ફરિયાદ નોંધવી છે.

24 વર્ષીય જયદીપ પરબતભાઈ બંધીયા નામનો TRBનો જવાન જૂનાગઢની જોષીપુરામાં આવેલ હરિકૃષ્ણ નગરમાં રહે છે. તેની મધુરમ બાયપાસ પર ડ્યુટી હતી. ડ્યુટી પૂર્ણ કરી જ્યારે તે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ચોબારી ફાટક નજીક ટ્રાફિકની અવ્યવસ્થા તેની નજરે ચડી હતી. તેણે પોતાની બાઈક ઊભી રાખી હતી અને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.

એવામાં કાર નંબર GJ-14-AK-5723ના ચાલકે જવાન જયદીપના પગ પર કાર ચડાવી દીધી હતી. જયદીપે કાર ચાલકને ઠપકો આપ્યો હતો. કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. બાદમાં તેણે ઢીકાપાટુનો માર પણ જવાનને માર્યો હતો. એટલું જ નહીં કારની અંદરથી ધોકો કાઢી તેણે માર મારવાની સાથે જયદીપની બાઈકમાં નુકસાન પણ પહોંચાડ્યું હતું. TRB જવાન જયદીપે સી ડિવીઝન પોલીસ મથકમાં આ અજાણ્યા કાર ચાલકની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જયદીપની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે મધુરમ વિસ્તારમાં આવેલ બાયપાસથી આગળ જતાં ચોબારી આવે છે. અહીં ટ્રાફિકની અગવડતા ઉડીને આંખે વળગે છે. જૂનાગઢવાસીઓ પણ એ રસ્તેથી ભાગ્યે જ જવાનું પસંદ કરે છે, કારણ કે એક વખત ટ્રાફિક થઈ જાય પછી ત્યાંથી નીકળવામાં સમસ્યા થઈ જાય છે. એમાં પણ જો ટ્રેન આવવાની હોય અને ફાટક બંધ થઈ જાય તો વાહન ચાલકોની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઈ જાય છે.

અગાઉ ચાલકોને મુશ્કેલીમાંથી ઉગારવા માટે ત્યાં ડિવાઈડર મૂકવામાં આવેલ પણ તેનાથી કશો ફર્ક પડ્યો નહીં. બાયપાસ રોડ હોવાના કારણે મોટા વાહનો ત્યાંથી પસાર થતાં રહે છે. એક વખત ત્યાં ટ્રાફિક જામ થઈ જાય પછી તેમાંથી છૂટકારો મેળવવો એટલે માથાનો દુ:ખાવો. અસંખ્ય વખત ત્યાં ટ્રાફિક પોલીસ મૂકવાની પણ જનતા વાત કરી ચૂકી છે.

(તસવીર પ્રતીકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments