કલ્પના કરો ફટાકડા વગરની દિવાળી કેવી રહે ? ફટાકડા વગરની દિવાળી ઉજવી શકાય ? તો લગભગનો જવાબ ના જ હશે, કારણ કે દિવાળીના તહેવારની ઉજવણીની શરૂઆત ફટાકડાથી જ થાય. એમાંય ખાસ કરીને બાળકો માટે તો દિવાળી એટલે ફટાકડા.
આ લખી રહ્યો છું ત્યારે પણ શેરીમાંથી ફટાકડા ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. એટલે કે આપણે ત્યાં ફટાકડા ફોડવાની શરૂઆત દિવાળી પહેલાંથી જ થઈ જાય છે. દિવાળીના મહિના અગાઉ આપણે ત્યાં બજારમાં ફટાકડાનું વેચાણ શરૂ થઈ જાય છે અને રાત્રિના ધૂમ-ધડાકાના અવાજો પણ સંભળાવવા લાગે છે.
ફટાકડા આવતાની સાથે જ લોકોમાં દિવાળીનો તહેવાર ઉજવવાનો ઉત્સાહ જામવા લાગે છે. ખાસ કરીને આ વર્ષે તો દીપાવલીના તહેવારોનો ઉમંગ લોકોમાં બેવડાયો પણ છે, કારણ કે લોકો ઘણા સમયથી કોરોનાના કબ્જામાં કેદ હતા ત્યારે આ દિવાળીની ઉજવણી જાણે કોરાનામાંથી લોકોને મુક્ત કરવાની હોય તેવું લાગી રહ્યું છે.
તો આપણે વાત કરતાં હતા ફટાકડાની. તો શું ફટાકડા કોરોનાનું સંક્રમણ ફેલાવશે ? તેવા ભય વચ્ચે દેશની જુદી જુદી રાજ્ય સરકાર ફટાકડા ફોડવા કે વેચવા પર ધડાધડ પ્રતિબંધ મૂકી રહી છે. હવે જો ગુજરાત સરકાર ફટાકડા પર પ્રતિબંધ મૂકે તો ઉત્સવપ્રેમી ગુજરાતવાસીઓ પર શું વીતે ? અગાઉના તો એક પણ તહેવારો આપણે ઉજવી શક્યા નથી ત્યારે હવે આપણે દિવાળીને આનંદ-ઉલ્લાસથી ઉજવવાનું મન બનાવી લીધું છે. ત્યારે ફટાકડા ફોડવા પર જો પ્રતિબંધ મૂકાશે તો લોકો ફરી ભાંગી પડશે. લોકો કરતાંય વધુ નુકસાન વેપારીઓને જશે જેઓએ એક મહિના પહેલાથી જ ફટાકડા વેચવાની શરૂઆત કરી દીધી છે.
ધ ચાબુક સાથેની વાતચીત દરમિયાન રાજકોટના જાણીતા જે.કે.સિઝન સ્ટોર્સવાળા મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘અન્ય રાજ્યોની જેમ જો ગુજરાતમાં પણ રાજ્ય સરકાર ફટાકડા પર પ્રતિબંધ મૂકશે તો ચાલુ વર્ષે સૌથી મોટી નુકસાની વેપારીઓને જશે, વેપારીઓ એક-દોઢ મહિના અગાઉ ફટાકડાની ખરીદી કરી સ્ટોક કરી લેતાં હોય છે ત્યારે હાલ દિવાળીને માત્ર ગણતરીના દિવસો બાકી છે અને ફટાકડા વેચવા પર પ્રતિબંધ મૂકાશે તો ધંધો કરવાના સમયે વેપારીઓની રોજીરોટી છીનવાશે. હજારો લાખો રૂપિયાનો માલ વેચાયા વગરનો પડ્યો રહેશે. વેપારીઓ બાદ આવતા વર્ષને ધ્યાને લેતાં માલનો સ્ટોક પડ્યો રહ્યો હોવાથી ફટાકડા બનાવતાં મજૂરોને મોટો આર્થિક માર પડશે. સ્ટોક અકબંધ રહેતાં ઓર્ડરો ન રહેતાં મજૂરોની રોજગારી છીનવાશે. મજૂરો દિવાળી અગાઉ છ મહિના પહેલાં ફટાકડા બનવવાનું શરૂ કરી દેતાં હોય છે અને આ સિઝન લગભગ ચારથી પાંચ મહિના ચાલે છે.’
મહેન્દ્રભાઈ પટેલના કહ્યાં મુજબ જો સરકાર અત્યારે ફટાકડા પર પ્રતિબંધ મૂકશે તો તેની અસર અત્યારે તો થશે જ પણ છ મહિના પછી જ્યારે આગામી દિવાળી માટે ફટાકડાના ઓર્ડરો બુક થતાં હશે તેમાં પણ થશે.
સરળ ભાષામાં સમજવું હોય તો એક વેપારી પાસે ફટાકડા વેચાયા ન હોય તો તે આવતા વર્ષ માટે સ્ટોક સંગ્રહીને રાખશે. જો ફટાકડા પર પ્રતિબંધ મુકાય તો બધા વેપારીઓ આમ જ કરશે. જેથી મેઈન ફેક્ટરીમાં ફટાકડા બનાવવાનું કામ થંભી જશે. જે આજથી છ મહિના પછી થાય. કારીગરો બેરોજગાર થશે. અર્થવ્યવસ્થાનું જે પૈડુ ચાલવું જોઈએ એ માલ ન વેચાતા સ્થિર થઈ જશે.
વધુમાં મહેન્દ્રભાઈના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં જાણીતી સદર બજારમાં પાંચેક જેટલી મોટી ફટાકડાની હોલસેલની દુકાનો છે જ્યાંથી શહેરભરના નાના-નાના વેપારીઓ, દુકાનદારો માલની ખરીદી કરતાં હોય છે. જો ફટાકડા પર પ્રતિબંધ આવશે તો હોલસેલ વેપારીઓને તો ઠીક નાના વેપારીઓ, મંડપ નાખી વેપાર કરતાં ધંધાર્થીઓ આ વર્ષે બેકાર બનશે.
વડોદરાના એક વેપારીના કહેવા પ્રમાણે જો સરકાર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવશે તો પડ્યા પર પાટું પડશે. તેમણે ધ ચાબુકને કહ્યું કે, ‘અત્યારે હવે પ્રતિબંધ લગાવવાનો કોઈ મતલબ નથી. અમે ખરીદી કરી લીધી છે. વેચવાનું શરૂ કરી દીધુ છે. હવે સરકાર ફટાકડા પર પ્રતિબંધ લગાવશે તો અમે રખડી પડીશું. આ ખરીદેલો માલ ક્યાં નાંખીશું ? ’
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં દર વર્ષે ફટાકડાનો ધંધો કરતાં હુસૈનભાઈ જણાવે છે કે, ‘મેં આ વખતે 80-85 હજાર રૂપિયાના ફટાકડા ખરીદ્યા છે. સંબંધી પાસેથી રૂપિયા માંગીને ફટાકડાનો સ્ટોલ કર્યો છે. હવે જો સરકાર ફટાકડા પર પ્રતિબંધ લગાવશે તો મારે તો ડબલ નુકસાની. એક તો સંબંધી પાસેથી લીધેલા રૂપિયા એને પાછા આપવાના. એ પણ ધંધો કર્યા વગર. બીજું આ ફટાકડા આખુ વર્ષ સાચવવાના. મારા પરિવારમાં હુ અને મારી માતા જ છીએ. એક રૂમ છે અમારી પાસે. હવે આટલો સામાન ક્યાં સાચવવો. જેની પાસેથી ખરીદી કરી એ પાછા લે કે ના લે કેમ ખબર ? ‘
જૂનાગઢના કિરીટભાઈ મકવાણાએ ધ ચાબુક સાથેની વાતચીતમાં અન્ય રાજ્યની સરકારે ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે તે અંગે વાત કરતાં પોતાનો રોષ ઠાલવ્યો હતો અને કહ્યું કે, ‘બધી તૈયારી થઈ ગઈ છે. સરકાર કેમ મોડે મોડે જાગે છે ? આ ફટાકડા છે થોડું અનાજ છે તે સંઘરી રાખીશું. સારી રીતે ન સચવાય તો બીજા વર્ષે કાંઈ કામ ન આવે. અમને આશા છે ગુજરાત સરકાર અમને ભારે પડે એવો નિર્ણય નહીં લે.’
2020 જે ગતિથી જઈ રહ્યું હતું એનાથી બમણી ગતિથી બ્રેક લાગી ગઈ છે. કોરોના વાઇરસ દરેક લોકો સામે વેરી બનીને આવ્યો. એક પળમાં બધુ થંભાવી દીધુ. ધીમે ધીમે કોરોનાને લોકોએ સમજ્યો. થોડા સમયમાં લોકો જાતે તકેદારી રાખતા થયાં. સરકારી ગાઈડલાઈનનું પાલન થવા લાગ્યું.
ધીમે-ધીમે અનલોકના તબક્કા શરૂ થયા પણ ત્યાં સુધીમાં ધંધા-ઉદ્યોગોની કમર તૂટી ગઈ હતી. સરકાર એક એક નિર્ણય ફૂંકી ફૂંકીને લઈ રહી છે. તહેવારોની ઉજવણી કરવી કે કેમ ? રથયાત્રા યોજવી કે ન યોજવી ? અસમંજસ.
સરકાર કોઈ નિર્ણય ન લઈ શકી અને મામલો કોર્ટમાં ગયો. આ બાદ જે નિર્ણય લેવાયો તે આપણી સામે હતો. ગુજરાતનો સૌથી મોટો તહેવાર નવરાત્રિ. શું કર્યું સરકારે ? ગરબા થશે, નહીં થાય. શેરી ગરબા થશે, નહીં થાય. એમાં પણ અસમંજસ. આખરે જે નિર્ણય લેવાયો તે આપણી સામે હતો.
દશેરામાં સરકારે ખોંખારો ખાઈને કહીં દીધુ રાણવદહન નહીં થાય. લોકોએ સ્વીકાર્યું. કારણ કે પ્રજાને પણ એના જીવની ચિંતા છે ભાઈ ! ભીડ નહીં એટલે નહીં. પરંતુ કમનસીબે આ નિયમો તહેવારોમાં જ લાગુ પડતાં હોય એવું લાગે છે. આ નેતાઓની રેલીઓ જોતાં ક્યાંય કોરોના ન હોય તેવું લાગે.
હવે વારો દિવાળીનો છે. દિવાળી સાથે કેટલાય લોકોની રોજગારી સંકળાયેલી છે. ખાસ કરીને વર્ષમાં એકવાર ધંધો કરતા ફટાકડાના વેપારીઓ. ત્યારે રાજ્યના લગભગ વેપારીઓની માગણી છે કે દિલ્હી, રાજસ્થાન કે અન્ય રાજ્યની માફક ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ ન મૂકવામાં આવે જેથી તેમની દિવાળી પણ સુધરી જાય.