Homeગુર્જર નગરીકેમિકલકાંડ મામલે નશાબંધી વિભાગ પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે તે...

કેમિકલકાંડ મામલે નશાબંધી વિભાગ પર દોષનો ટોપલો ઢોળવામાં આવી રહ્યો છે તે કેટલો યોગ્ય છે ? જાણો નશાબંધી વિભાગ પાસે શું સત્તા હોય છે ?

Team Chabuk-Gujarat Desk: હાલ ગુજરાતમાં ચારેકોર લઠ્ઠાકાંડની ચર્ચા થઈ રહી છે. આપણે આને લઠ્ઠાકાંડ કહીએ છીએ પરંતુ સરકાર આ સમગ્ર મામલાને કેમિકલકાંડ હોવાનો દાવો કરી રહી છે. હકીકત શું છે એ તો તપાસ થાય.. એ પણ તટસ્થ તપાસ તો જ ખબર પડે. દર વખતની જેમ ઘોડા છૂટી જાય પછી તબેલાને તાળા મારવા નીકળી પડે એમ સરકારે પણ લઠ્ઠાકાંડમાં 57 જેટલા લોકોના જીવ ગયા પછી પોતાની કડક કાર્યવાહી બતાવવા પોલીસ અધિકારીઓની બદલી અને સસ્પેન્ડ સહિતના પગલાં ભર્યા. સરકાર જે રીતે કેમિકલકાંડ હોવાનું કહી રહી છે તે બાદ હવે દોષનો ટોપલો નશાબંધી અને આબકારી વિભાગ પર ઢોળાઈ રહ્યો છે. પરંતુ હકીકત આપણે પણ જાણતાં નથી કે, કેમિકલના લાયસન્સ અને તેના ઉપયોગના નીતિ નિયમો અંગેની કેટલી સત્તા નશાબંધી અને આબકારી વિભાગ પાસે છે ?

સૌપ્રથમ વાત કરીએ તો બોટાદ-અમદાવાદમાં થયેલા કેમિકલ કાંડમાં મિથાઈલ આલ્કોહોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવતાં હવે ઠીકરું નશાબંધી વિભાગના માથે ફોડવામાં આવી રહ્યું છે. પરંતુ સૂત્રોની જાણકારી પ્રમાણે અત્યંત ઝેરી એવા મિથાઈલ આલ્કોહોલને નિયંત્રિત કરવા નશાબંધી વિભાગના કાયદા એટલા નબળા છે કે લાયસન્સ આપવા સિવાય નશાબંધી વિભાગનું કોઈ નિયંત્રણ આમાં નથી.  દેશમાં બે પ્રકારના આલ્કોહોલ છે એક ઇથાઈલ આલ્કોહોલ અને બીજું મિથાઈલ આલ્કોહોલ. ગુજરાત સરકારનું નશાબંધી ખાતું આ બંને પ્રકારના આલ્કોહોલ માટે લાયસન્સ આપે છે. ઇથાઈલ આલ્કોહોલનું જો સેવન કરવામાં આવે તો નશો થવા સિવાય તેની કોઈ આડ અસર થતી નથી. પરંતુ મિથાઈલ આલ્કોહોલનું સેવન થાય તો મોત થાય. આમ મિથાઈલ આલ્કોહોલ અત્યંત ઝેરી કેમિકલ છે.

બન્ને આલ્કોહોલના આવા છે નિયમો

નશાબંધીના કાયદા પ્રમાણે ઇથાઈલ આલ્કોહોલનો પરવાનો ધરાવનાર ઇથાઈલ ખરીદવા માગતો હોય તો તેને નશાબંધી વિભાગની મંજૂરી લેવી પડે છે. મંજૂરી મળ્યા પછી ઇથાઈલ આલ્કોહોલનું ટેન્કર ગુજરાતમાં પ્રવેશે ત્યારે નશાબંધી વિભાગના દેખરેખ હેઠળ ટેન્કરને જે-તે સ્થળે લઈ જવામાં આવે છે. આ ટેન્કરને નશાબંધી સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ અનલોડ કરવામાં આવે છે અને જ્યાં ઇથાઈલ આલ્કોહોલનો સ્ટોક હોય તેને નશાબંધી ખાતું લોક કરે છે. જ્યારે-જ્યારે પરવાનેદારે ઇથાઈલ આલ્કોહોલનો ઉપયોગ કરવાનો થાય ત્યારે સબ ઈન્સ્પેકટરની હાજરીમાં જ સ્ટોક બહાર કાઢવામાં આવે છે. આમ ઇથાઈલ આલ્કોહોલની સંપૂર્ણ કસ્ટડી અને પરિવહન નશાબંધી ખાતાના નિયંત્રણમાં છે.

પરંતુ નવાઈની વાત એ છે કે, અત્યંત ઝેરી એવા મિથાઈલ આલ્કોહોલનો પરવાનો આપ્યા પછી તેના સ્ટોક અને પરિવહન ઉપર નશાબંધી ખાતાનું કોઈ નિયંત્રણ નથી. આમ ઝેરી કેમિકલ માટે કડક નિયંત્રણ હોવા જોઈએ. પરંતુ તેના નિયમો સાવ હળવા છે. નશાબંધી ખાતાની જવાબદારી સ્ટોકમાં દર્શાવેલું મિથાઈલ આલ્કોહોલ નિયત સ્થળે છે કે નહીં તે તપાસવાનું જ હોય છે. બરવાળાના મામલે પીપળજની AMOS ફેક્ટરીમાંથી ચોર્યું હોવાનો આરોપી જયેશનો દાવો છે. નશાબંધી ખાતાની તપાસમાં જે સત્ય સામે આવ્યું તે પોલીસની તપાસ અને આરોપીના દાવા કરતાં વિપરીત છે. જયેશના દવા પ્રમાણે તેણે AMOS કંપનીમાંથી 600 લિટર મિથાઈલ આલ્કોહોલ ચોરાયું હતું. AMOSએ જોબવર્ક પેટે ફીનોર કંપનીમાંથી 8000 લિટર મિથાઈલ આલ્કોહોલ લીધું હતું. આમ જયેશના દાવાને સાચો માનીએ તો 8000 માંથી 600 લિટર ચોરાયુ હોય તો સ્ટોકમાં વધે 7400 લિટર. પરંતુ સ્ટોક તપાસતા AMOS કંપનીમાંથી 8700 લિટર મિથાઈલ મળી આવ્યું છે. આમ 700 લિટર વધારાનો સ્ટોક ક્યાથી આવ્યો.

આ તો વાત થઈ નિયમો અંગેની.. પરંતુ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કેવી હાલતમાં કામ કરી રહ્યા છે ખબર છે ? આપણે જો એવું માનતાં હોય કે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તો જલસા જ હોય છે. પરંતુ આ વાત ગુજરાતના નશાબંધી વિભાગને કદાચ લાગુ પડતી નથી. નશાબંદી અને આબકારી વિભાગમાં હાલમાં ઘણી મહત્વની જગ્યાઓ ખાલી છે. ગુજરાતમાં નશાબંધીનું મંજૂર થયેલું મહેકમ 700 કર્મચારીઓનું છે, જેની સામે હાજર 350 છે. એટલે કે અડધી જગ્યા ખાલી પડી છે. જેના કારણે એક અધિકારી અને કર્મચારી પાસે 3 થી 4 વધારાના ચાર્જ છે. ત્યારે કામના ભારણની વચ્ચે અધિકારીઓ લાયસન્સની તપાસણી યોગ્ય અને સમયસર કરી શકે કે કેમ તે પણ વિચારવું પડે તેમ છે.

વર્ષ 2009ના લઠ્ઠા કાંડ પછી પણ જેના ઉપર મિથાઇલ આલ્કોહોલના પરવાના આપવાની સતા છે એ નશાબંધી અને આબકારી ખાતામાં કેટલી મહત્વની અને કેટલા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે , એની માહિતી આપની પાસે છે? 3 થી 4 ચાર્જના ભારણ સાથે નશાબંધી અને આબકારી ખાતાના અમલદારો આવા પરવાનાઓની યોગ્ય તપાસણી સમયસર કરી શકે ખરા? આવા અનેક કારણો હોવા છતા, લોકશાહીના ચોથા સ્તંભના સતત ફ્લેશ અને બ્રેકીંગ ન્યુઝ માટે વગર તપાસે, વાંક-ગુન્હો જાણ્યા વગર નશાબંધી અને આબકારી કે અન્ય કોઇ સરકારી તંત્રના કર્મચારી ઉપર કોઇપણ પ્રકારના પગલા લેવા યોગ્ય છે?

આમ સમગ્ર કેમિકલકાંડ મામલે દોષનો ટોપલો નશાબંધી અને આબકારી વિભાગ પર ઢોળી દેવો કેટલો યોગ્ય છે તે આ સમગ્ર હકીકતોથી જાણી શકાય છે. મીડિયામાં અને લોકમુખે ચાલી રહેલી ચર્ચા મુજબ જે રીતે નશાબંધી વિભાગને આ મામલે દોષિત ગણવામાં આવી રહ્યું છે તે કેટલે અંશે યોગ્ય છે તે પણ સમજવું જોઈએ. પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદાર ગણવા એ કેટલું યોગ્ય છે ?

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments