ઝાલાવાડી જલજીરા: ફિલ્મો બને છે. રિલીઝ થાય છે. યાદ રહી જાય છે અને ભૂલાઈ જાય છે. આ અવિરત ચાલતી પ્રક્રિયા છે. પરાપૂર્વથી ચાલી આવતી ફિલ્મ મેકિંગ પ્રોસેસમાં કેટલીક એવી ફિલ્મો બની જાય છે, જે સર્જનહાર માટે પણ કૌતુક સમાન સાબિત થાય. કોઈ એવી ફિલ્મો તો હોતી જ નથી જેમાં મહેનત કરવામાં ન આવી હોય. એક સારી ફિલ્મ બનાવવા માટે હંમેશાં અથાગ મહેનત મેકર્સ કરતા હોય છે, પણ પછી જેવું જેનું બડભાગ્ય.

આવી જ એક ફિલ્મ બોબી હતી. બોબી માટે ફિલ્મ વિવેચકો એ વાત કહેતા થાકતા નથી કે આ ફિલ્મનું સંગીત જ તેનો ખરો હીરો હતું. 80s અને 90sમાં ફિલ્મો સંગીતના કારણે ઓળખાતી હતી. આજે સ્ટાર અને ફિલ્મના આર્થિક ઉપાર્જનના કારણે ઓળખાય છે. તો બોબીમાં સંગીત પ્રથમ નંબર છે. હીરો ઋષિ કપૂર અને પાત્ર બોબી એ પછી છે.

ઋષિ કપૂર તો જ્યારે પણ બોબી ફિલ્મનો ઉલ્લેખ થતો એક જ વાતનું રટણ કરતા રહેતા હતા કે, બોબી ફિલ્મ તેમના માટે બની જ નહોતી. આ તો સુપરસ્ટાર રાજેશ ખન્નાને આપવા માટે તેમના પિતા રાજ કપૂરની પાસે એટલા પૈસા નહોતા. બાકી બોબી ઉપર રાજેશ ખન્નાનું નામ જ લાગેલું હોત. અને જો આવું થાત તો રાજેશ ખન્નાનું સ્ટારડમ હતું એનાથી એક વેત અદ્ધર ચાલ્યું જાત.

રાજેશ ખન્ના ફિલ્મમાં ન હોય રાજપુત્ર ઋષિને કામ કરવું પડ્યું. આ રીતે ઋષિની ફિલ્મમાં અણધારી એન્ટ્રી થઈ ગઈ. પૃથ્વી ગોળ છે. ઈતિહાસ ખૂદને દોહરાવે છે. આવી વાતો માત્ર સંવાદોમાં અને સાહિત્યના પાનાઓ પર કહેવા પૂરતી નથી. રાજ કપૂર અને ઋષિ કપૂરના જે સંબંધો હતા એવા જ સંબંધો બાદમાં ઋષિ અને રણબીર વચ્ચે પણ પાંગર્યા હતા.

ઉદાહરણ તરીકે, રણબીર કપૂર અને પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાન એક સાથે સિગરેટના કસ લેતા કેમેરામાં કેદ થયા હતા. અહીં ચિત્રમાં માહિરાની પીઠ પાછળની લવ બાઈટ જોઈ મીડિયા હીરો ખૂંટ બન્યું હતું. ઋષિ કપૂરને આ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થઈ ગયેલા, આ ગુસ્સો તેમના પરંપરાગત આવેશ કરતા પણ અતિરિક્ત હતો. એમણે મીડિયાકર્મીઓનાં મોઢા પર ચોંપડાવી દીધું હતું, ‘એ તમે એને જઈ પૂછો, જે તસવીરમાં છે, મને શું કામે પૂછો છો?’

વાત થોડી આડે પાટે ચાલી ગઈ. વાત હતી બોબીની. બોબીની વાર્તા એકઢાળ ધરાવતી છે. અમીરી છે ગરીબી છે. પ્રેમ છે પણ પ્રેમની વચ્ચે આવતા શત્રુઓની ફૌજ છે. સમાજના કાયદા કાનૂન છે. આજે આવી ફિલ્મો ચાલે નહીં પણ ત્યારે આ એક અજુબો હતો.

આ વાર્તાનો ક્લાઈમેક્સ જ્યારે રાજ કપૂરે ક્રિએટ કર્યો ત્યારે અન્તમાં હીરો અને હીરોઈન પાણીમાં ડૂબી મૃત્યુ પામે છે. આ તો શેક્સપિયરનું મેદાન આવી ગયું. રોમિયો અને જુલિયટ. જે કયામત સે કયામત તકમાં થયું, જે ઈશ્કઝાદેમાં થયું. જે ઘણી ફિલ્મોમાં વારંવાર થયું. આ વાત જ્યારે ફિલ્મ વિતરકોના કાને પહોંચી તો તેમણે આકાશ માથે ઉઠાવી લીધું. રાજ કપૂરને પણ રહી રહીને ભાન થયું કે બીજી મેરા નામ જોકર ક્યાં બનાવવી!

આ ઘટના પછી ફિલ્મ બોબીનો ક્લાઈમેક્સ બદલી દેવામાં આવ્યો. ખ્વાજા અહમદ અબ્બાસે રાજ કપૂર માટે લખેલી પટકથાઓમાં આ સાતમા નંબરની ફિલ્મ હતી. બોબી પહેલા ખ્વાજા સાહેબે રાજ કપૂર માટે મેરા નામ જોકર, ચાર દિલ ચાર રાહેં, જાગતે રહો, શ્રી 420, અનહોની અને આવારા પણ લખી હતી. મેરા નામ જોકરના થયેલા ધબડકા બાદ પણ રાજ કપૂરે તેમની જ પાસેથી પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મ બોબી લખાવી હતી. આ કથા તેના સમય કરતા આગળ એ માટે પણ રહી કે તેમાં પુખ્તવયનો પ્રેમ નથી પણ કુમળીવયનો પ્રેમ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત