ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં માસ્તરો પોતાના જ્ઞાનનો અત્યાધિક ઉપયોગ કરી અનાયાસે થોમસ જેફરસન નામ બોલી જતા, તો આગલી હરોળમાં બેઠેલો વિદ્યાર્થી તેને ‘થોમસ સફરજન’ અને પાછલી હરોળમાં બેસેલો વિદ્યાર્થી બીજી વખત સાહેબને પૂછતો. સાહેબ ફરી થોમસ જેફરસન ઉચ્ચારે એટલે એ કહે, ‘બરાબર સાહેબ, થોમસ સફરજન.’ અમારા સમયમાં ધોરણ નવનું સમાજશાસ્ત્ર અત્યારનાં વિદ્યાર્થીઓ ભણ્યા હોત તો અડધેથી ભણવાનું છોડી દેત. મારા ખ્યાલથી ભણવાનું અઘરૂ નહોતું સાહેબ ઠોઠડા હતા!!
જ્હોન એડમ્સ પછી આવ્યા થોમસ જેફરસન. રાજકારણીઓને ખણખોદ કરવાના ખૂબ શોખ હોય છે. જેફરસનને બે પ્રકારની ખણખોદનો શોખ હતો. એક એ પોતાના સિનિયર જ્હોન એડમ્સની દરેક વાત સાથે અસહમત રહેતો, આલોચનાઓ કર્યા કરતો અને તેને ઉતારી પાડવાના પુરાવાઓ શોધ્યા રાખતો હતો. બીજું તેને પુરાતત્વવિદ્યાનો શોખ હતો. તેણે પોતાનું મકાન પણ ઊંચાઈ પર બનાવેલ. જ્યાં તે એકલો રહી શકે. તે ખોદકામ કરે તો તેને કોઈ પૂછે નહીં કે અહીં શું દાટ્યું છે. તેની પાસે ખૂદની શોધેલી જીવાશ્મીઓ પણ હતી.
ઘણાં થોમસ જેફરસનથી ચેતતા રહેવાની વણમાગી સલાહ આપતા. એ રાજકારણમાં મડદાઓને જીવંત કરવાની અપાર શક્તિ ધરાવતો હતો. ગુસ્સે થતો ત્યારે જીવતાઓને મારી પણ નાખતો.
તેને એવા તમામ શોખ હતા જે એક ટેલેન્ટેડ વ્યક્તિને હોય છે. તે પુસ્તકો ખૂબ વાંચતો. વચ્ચે ટેબલ હોય. તેને ધક્કો મારો એટલે ગોળ ઘુમે. તેની આજુબાજુ પાંચ પુસ્તકો રાખવામાં આવ્યા હોય. આ સુવિધા તેણે પોતે તૈયાર કરાવેલી.
1814ની સાલમાં કોંગ્રસના પુસ્તકાલય પર બ્રિટિશ સૈનિકોએ હુમલો કરી દીધો. ગ્રંથાલયના તમામ પુસ્તકો સળગાવી નાખ્યા. પુસ્તકોની સાથે અડધું ગ્રંથાલય પણ સળગી ગયું. બીચારો લાઈબ્રેરીયન રડતો હતો, કારણ કે જે લોકો પુસ્તક લઈ ગયા તેમના ગ્રંથકાર્ડ પણ સળગી ગયા હતા. કાર્ડનો વાંધો નહોતો, પણ હવે બાકી બચેલા પુસ્તકો પાછા આપવા આવશે કે નહીં, તે ચિંતા તેને સતાવી રહી હતી.
જેફરસન તેની વહારે આવ્યો. તેણે પોતાની અંગત લાઈબ્રેરી દાનમાં આપી દીધી અને કહ્યું, ‘જાઓ અને લોકોને વાંચતા રાખો.’ જેફરસને દાન કરેલા એ પુસ્તકોની કુલ સંખ્યા 6,487 હતી. એ વખતના 23 હજાર ડોલર. અત્યારે ગણતરી કરીએ તો મેગા સીટી અમદાવાદમાં રહેલું મકાન વેચવું પડે. આજે ભારત પાસે રાજકારણીઓ ઘણા છે પણ રાજકારણીઓ ચોપડા વાંચતા હોય એવું ઓછું છે.
તેને ઈર્ષ્યા ખૂબ થતી. અગાઉના બંન્ને પ્રેસિડેન્ટને ટક્કર આપવા માટે તેણે 19,000 પત્રો જે તે હસ્તીઓને લખ્યા હતા! તેના વિરોધીઓ પણ તેની આ કામગીરીથી વિચારતા થઈ ગયેલા કે આ આખો દિવસ પોતાના શોખ અને રાજકારણના કામ જ કર્યા રાખે છે, તો ઉંઘે છે કે નહીં ? ઘણા આજે પણ સવાલ કરે છે કે મુનશી આટલી વ્યસ્તતા વચ્ચે આટલું બધું સાહિત્ય કેવી રીતે સર્જી શક્યા ? બસ, આવો જ સવાલ એ વખતના રાજકારણીઓને જેફરસન માટે થતો હતો.
પત્રો લખવા માટે જેફરસને પોલિગ્રાફી નામની એક મશીન વિકસાવી હતી. જે ફોટોકોપી કરવાનું કામ કરતી. આ બધી વ્યસ્તતામાં થોડો ઘણો સમય બચતો તો તે બાળકો પાછળ વ્યતિત કરતો. એ 12 બાળકોનો દાદો હતો. કદાચ એ આખો દિવસ વ્યસ્ત રહેતો હતો એટલે તેને નકારાત્મક વિચારો કોઈ દિવસ નહોતા આવતા.
જેમ જ્યોર્જ વોશિંગ્ટને ફ્રાન્સનો દાક્તર રાખેલો, જ્હોન એડમ્સ ફ્રાન્સમાં બેન્જામીન ફ્રેંકલીનને મળેલો, તેમ થોમસ જેફરસન ફ્રાન્સ ગયો તો ત્યાંથી આઇસ્ક્રીમ લાવેલો. ફ્રાન્સની મુલાકાત વખતે તેણે આઇસ્ક્રીમનો સ્વાદ માણ્યો. એ તેને એટલી ગમી ગઈ કે તેની રેસિપિ લખીને લાવ્યો. કોંગ્રેસની લાઈબ્રેરીમાં થોમસ જેફરસને લખેલી એ રેસિપિ આજે પણ હાજરાહજૂર છે. આ બીજો ફકરો લખતા પણ થાય છે કે આ માણસ જેટલું કોઈ વ્યસ્ત નહીં રહેતું હોય.
અંગ્રેજી, ઈટાલી, ફ્રેન્ચ, ગ્રીક, સ્પેનિશ, લેટીન સહિતની ભાષાઓ જાણતો થોમસ જેફરસન જો ગુજરાતમાં આવે તો અહીં તે ગણતરીના દિવસોમાં ગુજરાતી અને હિન્દી, ફરી બોલો હિન્દી પણ !! બોલતા શીખી જાય.
પત્રકાર અને રાષ્ટ્રપતિની પ્રથમ મોટી ટક્કરની શરૂઆત પણ થોમસ જેફરસનના સમયે જ થઈ હતી. જેમ્સ કેલેન્ડર નામના પત્રકારે અગાઉ બે નેતાઓ અને રાષ્ટ્રપતિ જ્હોન એડમ્સ પર લેખો લખ્યા હતા. તેને થયું કે હવે જેફરસન પર લખીએ તો છાપા વધારે વેચાય અને વંચાય જેથી તે ક્યાંકથી સંશોધન કરી લાવ્યો કે, થોમસ જેફરસનને સેલી હેમિંગ્સ નામની એક ગુલામ સાથે શારીરિક સંબંધો છે. આ ખબર છપાયા પછી અમેરિકાનું વાતાવરણ ડહોળાય ગયું. જેફરસનના સમર્થકો બરાડા પાડવા લાગ્યા, ‘અમારા સાહેબને તો શારીરિક સંબંધો બાંધવાનો પણ સમય નથી!’
પત્રકારને શાંત કરવા માટે જેફરસને તેને આમંત્રણ પાઠવ્યું અને કહ્યું, ‘આવ કભી હવેલી પે.’
પત્રકાર વેચાવા તૈયાર હતો. તેણે વેચાવા માટે જ આ લખ્યું હતું. જેફરસનની સામે આવી તેણે કહ્યું, ‘મને 200 ડોલર આપો અને પોસ્ટ માસ્તરની સરકારી નોકરી અપાવી દો. હું હવે કંઈ નહીં લખું, મારું ડાચુ બંધ કરી દઈશ.’ પત્રકારના આ શબ્દોથી આપણને માહિતી મળે છે, કે પત્રકારત્વની નોકરી એ સમયે પણ ખરાબ હતી અને લોકો ત્યારે પણ સરકારી નોકરીને પ્રાથમિકતા આપતા હતા.
જેફરસને કેલેન્ડરને પચાસ ડોલર આપ્યા અને ચાલતી પકડવાનું કહ્યું. પેલો પત્રકાર આડો ફાટ્યો અને સવારે અખબારમાં પ્રથમ પાને ભડાકા બોલાવ્યા, ‘જેફરસન અને સેલીને શારીરિક સંબંધો છે. જેનાથી સાત બાળકો ધરતી પર અવતરી ચૂક્યા છે.’
સવારમાં આ સમાચાર વાંચી વિરોધીઓના પણ હાજા ગગડી ગયા કે, ‘થોમસીયાને આવો સમય પણ મળી જાય છે ?’ વાસ્તવમાં એમની છાતીમાં ગભરાટ પેસી ગયેલો કે જેફરસન જેવા પહોંચેલા માણસ સાથે આવું થાય તો ભવિષ્યમાં આપણી સાથે પણ થાય.
એ 1803ની સાલ હતી. જેમ્સ નદીમાં એક મૃતદેહ તરતો દેખાયો. સ્થાનિકોએ બહાર કાઢી જોયું તો એ પત્રકાર કેલેન્ડરનો મૃતદેહ હતો. જેફરસને કાળા અક્ષરે પોતાનો જ ઈતિહાસ લખ્યો કે જ્ઞાનના ગાડા ભેગા કરવાથી તમે મહાન નથી બની જતા.
જેફરસનનું લગ્નજીવન અને પ્રેમ પ્રકરણ યાદ કરવા જેવું નથી. માર્થા વેલ્સ તેની પત્નીનું નામ, જેનું અજ્ઞાત કારણોસર મૃત્યુ થયું. બેઉનું લગ્નજીવન માત્ર દસ વર્ષ સુધી જ ટક્યું. માર્થાના મૃત્યુથી જેફરસન દુઃખી થવો જોઈએ તેના બદલે એ ગુલામ સેલી સાથે હવે વધારે સમય મળશે આમ સુખી સુખી હતો. ઘણાને લાગ્યું કે માર્થાનો બાપ જેફરસનને નહીં છોડે ત્યાં એક મોટો ધડાકો થયો. જેફરસનની પ્રેમિકા સેલીની માતા સાથે જેફરસનના સસરાને સંબંધો હતા. એકતા કપૂરની સિરીયલો કરતાં પણ ગૂંચવાયેલો કોયડો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ઈતિહાસમાં સેલી અને માર્થા બંન્ને સાવકી બહેનો તરીકે ઓળખાય છે. માનીતિ અને અણમાનીતિ !
આજે મને હિટલરનું વિધાન સાચું લાગે છે. એ માણસથી ડરવું જે એક જ પુસ્તક વારંવાર વાંચતો હોય અને પુસ્તકોમાં જ રચ્યો પચ્યો રહેતો હોય. અભણનો ભરોસો કરી શકાય ભણેલાનો નહીં! આ ઘટના પછી થોમસ જેફરસન સામે તેના વિરોધીઓ તો ઠીક તેના સમર્થકો પણ ઊંચી નજર કરી ન જોતા.
તે વકીલ હતો, રાજકારણી હતો એટલે મંચગમનના વિઘ્નો તેને ન નડે તેવું લાગ્યા વિના આપણને ન રહે. વાસ્તવમાં તેના મનમાં સ્ટેજનો ભય પેસી ગયેલો. સ્ટેજ પર બોલવા માટે જતો ત્યારે તેના પગ કોઈ દારૂડિયાની જેમ લથડવા લાગતા. લોકો તેના પ્રવચન અને ચહેરાની જગ્યાએ પગને નીરખતા. આ સમસ્યામાંથી બચવા માટે તેણે લખીને મુસદ્દો અને યોજનાઓ બહાર પાડવાનું વિચાર્યું.
પ્રવર્તમાન સમયે થોમસ જેફરસન એક નેતા તરીકે બિલકુલ ન ચાલે. તેની આ નબળી કડી હતી પણ તે શતરંજનો કાતિલ અને શાતિર ખેલાડી હતો. જે ગમે તેને ગમે ત્યારે પાછળથી ઘા મારી પછાડી દે. પત્રો અને આર્ટિકલ લખતો ત્યારે તેને રાષ્ટ્રપતિની જગ્યાએ એક કસાયેલ કોલમિસ્ટ તરીકે બુદ્ધીજીવીઓ અને તંત્રીઓ મૂલવતા. આ વાતથી કાન્તિ દાદા યાદ આવી જાય. એ સ્ટેજ પર ઓછા દેખાતા પણ લખતા ત્યારે બઘડાટી બોલાવી નાખતા.
અગાઉ તેના પુરોગામી જ્હોન એડમ્સની વાત કરી કે તેણે થોમસ જેફરસન સાલો બચી જશે એવી આગાહી કરી હતી. પણ જેફરસન ચાર-પાંચ કલાક પહેલા જ મૃત્યુ પામી ગયો હતો. જ્હોન એડમ્સના આ છેલ્લા શબ્દો હતા. જેફરસન સાથે તેનો આત્મા પણ એ જ દિવસે આ ફાની દુનિયાને છોડી ગયો. 4 જુલાઈ 1826ના દિવસે બંન્નેએ ધરતી પરથી પોતાની રાજનીતિક કારકિર્દી આટોપી ઈશ્વર પાસે નવી કારકિર્દીની શરૂઆત કરી. આજીવન એકબીજાની કાપતી કરનારા એક જ દિવસે ગયા. પ્રભુ તેરી લીલા અપરંપાર હૈ, એક હિ દિન મેં ડબલ ?