ગુજરાત એટલે કલા, સંસ્કૃતિ, સંગીત, સાહિત્યથી સમૃદ્ધ રાજ્ય. ગુજરાતના આ સંગીત વારસાની ઉજળી પરંપરાને ઉજગાર કરતો પર્વ એટલે તાના-રીરી મહોત્સવ. વર્ષ 2003થી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તેમના વતન વડનગરમાં તાના-રીરી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જે પરંપરા આજે કોરોના માહામારીના સમયમાં પણ જળવાઈ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી તાના રીરી મહોત્સવ-2020નો વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. તાનારીરી મહોત્સવ એ તજજ્ઞ સંગીતજ્ઞો અને સંગીતરસીકો માટે એક અભૂતપૂર્વ આકર્ષણ બન્યો છે. માત્ર ભારતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં તેની ખ્યાતી વિસ્તરી છે અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ આ મહોત્સવ સ્થાન પામ્યો છે, તે ખાસ કરીને ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તાના-રીરી એવોર્ડમાં વર્ષ ર૦ર૦-ર૧નું એવોર્ડ સન્માન પાશ્વગાયિકા પદ્મશ્રી અનુરાધા પોંડવાલ અને મૂળ ભાવનગરના સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને સંયુકતપણે ગાંધીનગરમાં અર્પણ કર્યુ હતું. આ એવોર્ડ અન્વયે રાજ્ય સરકાર દ્વારા રૂ. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપાત્ર અને શોલથી એવોર્ડ વિજેતાનું બહુમાન કરવામાં આવે છે.
કોણ હતુ તાના-રીરી?
આદ્ય કવિ નરસિંહ મહેતાના દિકરીનું નામ કુંવરબાઈ હતી. કુંવરબાઈના દિકરી એટલે શર્મિષ્ઠા. શર્મિષ્ઠાના દિકરી એટલે તાના અને રીરી. તાના અને રીરી સંગિતજ્ઞી હતા. તેમની ખ્યાતિ દિલ્હી સુધી ફેલાયેલી હતી.

તાના રીરીની શુ છે દંતકથા
અકબરના દરબારી ગાયક તાનસેનના ગુરૂનું અવસાન થતા તેની ચિતાને આગ લગાડવા તેણે રાગ “દીપક” ગાયો હતો. એમ કહેવામાં આવે છે કે આ રાગ ગાવાને પરિણામે તાનસેના શરીરમાં અસાધ્ય ગરમીની લાગણી થવા લાગે છે. તે જ પ્રમાણે તાનસેન દીપક રાગની દાઝથી પ્રભાવિત થયો હતો, અને તેના શમન અર્થે તે આખા ભારતમાં ફરી વળ્યો. તે સમય દરમ્યાન અકબરની સેનાનો સેનાપતિ ઈઝાદખાન વડનગર આવ્યો અને તેને તાના અને રીરી નામની બે બહેનો વિશે જાણવા મળ્યું, કે જેઓ નિપુણ ગાયકો હતી અને રાગ મલ્હાર ગાઇને તાનસેન (રાગ દિપકના નિષ્ણાત)ના દાહને શમાવી શકતી હતી. જ્યારે તેઓને અકબરના દરબારમાં ગાવાનું કહેવામાં આવ્યું. ત્યારે તેમણે દરબારમાં જઈ ગાવાને બદલે તેઓ એ આત્મહત્યા કરવાનો વિકલ્પ પસંદ કર્યો. બાદમાં જ્યારે અકબરને આ વાતની ખબર પડી ત્યારે તેણે તેમના પિતા પાસે માફી માંગી અને તાનસેનને તાના-રીરીના માનમાં નામ આપેલા નવો સંગીત રાગ વિકસાવવા કહ્યું હતું.

જાણો તાના-રીરી મહોત્સવ અંગે
સંગીત સામ્રાજ્ઞી બેલડી તાના-રીરીની સ્મૃતિમાં રાજ્ય સરકાર દ્વારા વડનગરમાં દર વર્ષે બે દિવસીય તાના-રીરી મહોત્સવનું આયોજન વર્ષ ર૦૦૩થી કરવામાં આવે છે. વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ર૦૧૦ના વર્ષથી સિધ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ, વાદ્ય કલાકારોને તાના-રીરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વર્ષ-ર૦ર૦-ર૧ના વર્ષનો તાના-રીરી એવોર્ડ સુશ્રી અનુરાધા પોંડવાલ અને સુશ્રી વર્ષાબહેન ત્રિવેદીને ખાસ ગાંધીનગરમાં આમંત્રીને અર્પણ કર્યો હતો. તાના-રીરી સંગીત મહોત્સવનું મહેસાણાના વડનગરમાં તાના-રીરી સમાધિ સથળ સમીપે આયોજન કરીને આ એવોર્ડ અર્પણ કરવામાં આવતો હોય છે. ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલા આ તાના-રીરી મહોત્સવમાં ૨૦૧૦થી તાના-રીરી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.

અત્યાર સુધીમાં કોને કોને મળ્યો છે એવોર્ડ
૨૦૧૦માં સુપ્રસિદ્ધ ગાયિકા સ્વર કિન્નરી લતામંગેશકર-ઉષા મંગેશકર બહેનોને, ૨૦૧૧-૧૨માં પદ્મભુષણ ગિરીજાદેવી, ૨૦૧૨-૧૩માં કિશોરી આમોનકર, ૨૦૧૩-૧૪માં બેગમ પરવીન સુલ્તાના, ૨૦૧૪-૧૫માં સ્વર યોગીની ડૉ. પ્રભા અત્રે તેમજ ર૦૧૬-૧૭માં શ્રીમતી મંજુબહેન મહેતા અને શ્રીમતી ડૉ. લલીથ રાવને તથા ર૦૧૭-૧૮માં પદ્મશ્રી આશા ભોંસલે અને ર૦૧૮-૧૯માં વિદૂષી સુશ્રી રૂપાંદે શાહ અને ર૦૧૯-ર૦માં અશ્વિની ભીંડે તથા પિયુ સરખેલ જેવા સ્વનામ ધન્ય મહિલા કલાકારો રાજ્ય સરકાર દ્વારા આ એવોર્ડ સન્માનથી વિભૂષિત કરવામાં આવેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત