ચાબુક કાલ મેં એક વિદ્યાર્થીનો પીએચડીનો પ્રશ્ન ઉઠાવ્યો અને મારા પર શુભેચ્છાઓનો એટલો વરસાદ થયો કે વાત ન પૂછ. મને એમ કે મારો ભણેલ ગણેલ લોકો દ્રારા વિરોધ કરવામાં આવશે, પણ ના, યુવાનોએ પણ સંદેશો પાઠવ્યો કે, ‘વાહ ગોવા બાપાની મોજ વાહ. સાચી વાત કરી.’
એ લોકો પણ કહેતા હતા કે પીએચડી કરનારાઓ અને તેની નીચે પીએચડી કરનારાઓ સિવાય તો કોઈને એ 500 પાનાનો થોથો કામ જ નથી આવતો. આ એક મુદ્દા માટે મેં ગઈકાલ નરેન્દ્રભાઈ મોદીને પણ છોડી દીધા. બાકી ચાબુક કેવું પડે હો… આ આપણા ચાબુકવાળા બે દિવસ મોદીજી ગુજરાતમાં હતાં એક આર્ટિકલ ન લખ્યો. કંઈ લીધું જ નહીં. ભડના દીકરા હો પણ.
કેમ સરકારીમાં સારવાર નથી લેતા ?
વાત વડોદરાની. અહીં કોર્પોરેશન છે ને ચાબુક ? એ સંધાય કોર્પોરેટરોએ જનતાના પૈસે સારવાર કરાવી. સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરોની સારવારના પૈસા મંજૂર કર્યા. હવે આ અગિયાર કોર્પોરેટરની સારવારના 18 લાખ થાય. આ સંધાય કોર્પોરેટરોએ સારવાર ખાનગી હોસ્પિટલમાં લીધી હતી. હું પૂછું છું કેમ ? હું કઉં ચાબુક આ લોકોને પોતાની સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ નથી ? જો એમને વિશ્વાસ ન હોય તો પછી સામાન્ય માણસને થોડો હોય ? નેતાઓ ખાનગીમાં અને જનતા સરકારીમાં ? નેતાઓને સરકારી પર વિશ્વાસ નથી રહ્યો લાગતો ?
શક્તિસિંહ બાપુ
હવે સીધા જઈએ કચ્છની અબડાસા બેઠક ઉપર. તને ખ્યાલ હશે કે શક્તિસિંહ ગોહિલ ભાવનગર ગ્રામ્ય બાદ અબડાસામાં પણ ચૂંટણી લડેલા. અત્યારે તો એ રાજ્યસભાના સાંસદ છે. એમનો પ્રજાને સંબોધન કરતો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, પ્રજા સાથે દ્રોહ કરનારને માફ નહીં કરવામાં આવે. રાજકીય પ્રગતિ માટે એમણે અબડાસાની જનતાનો પણ આભાર માન્યો. સાથે એ વાત પણ કહી કે હું બિહારમાં ચૂંટણી ઈન્ચાર્જ હોવાનાં કારણે અબડાસામાં નથી આવી શક્યો.
એક બીગ બ્રેકિંગ….
…આપી દઉં. પીએમ મોદીએ સી પ્લેનનું ઉદ્ધાટન કર્યું. હવે આજથી પ્લેનમાં રમરમાટી શરૂ થવાની હતી. ત્યાં ઓનલાઈન બુકિંગમાં ક્ષતિ સર્જાય. એટલે આજનો દિવસ તો આવજો.
સુંદર અવ્યવસ્થા
હવે મારા જેવા ખેડૂતોની વાત. જામનગરમાં તંત્રે સાબિત કર્યું કે અમે અવ્યવસ્થા સુંદર રીતે સર્જી શકીએ છીએ. અહીં ત્રણ દિવસ ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા બંધ રહેતા ખેડૂતોને ઠામ ન ઠેકાણા જેવા હાલ થયા હતા. હવે ચાબુક તંત્ર તો એમ કહે છે કે સોમવારે શરૂ થઈ જશે. બીજી બાજુ ખેડૂતો કહે છે કે અમને હેરાન કરવા ખરીદી બંધ રાખી છે.
બીજી વખતેય કોરોના થાશે
રણદીપ ગુલેરિયા. AIIMSના નિર્દેશક છે ચાબુક. એમણે કહ્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર શરૂ જ નથી થઈ. કોરોના પ્રદૂષિત હવામાં લાંબો સમય સુધી ટકી શકે છે. જેથી પ્રદૂષણ અને વાઈરસ બંને ફેફસાને પ્રભાવિત કરી રાખે છે. હવે તો ગુલેરિયા એવો પણ દાવો કરી રહ્યાં છે ચાબુક કે કોરોના થયો હોય એને બીજી વખતેય કોરોના થઈ શકે.
‘તો પછી ગોવાબાપા એક હારે થઈ જાય ને એ જ સારું હો.’
જોટાવાળી બંદૂકો ખરીદવાનું શરૂ
ચાબુક તને તો હમણાં ખબર છે કે આપણે અમેરિકાના રાષ્ટ્રપતિઓ પર કોમેડી શ્રેણી ચાલુ કરી છે. અમેરિકાની ચૂંટણી છે એટલે એ સરસ રીતે ચાલશે. વાત એવી છે કે અચાનક અમેરિકામાં બે-જોટારી બંદૂક ધડાધડ વેચાવા લાગી છે. લોકો અને રાજકીય વિશ્લેષકો કહે છે કે, ચૂંટણી પછી ભડાકા થાશે. અમેરિકા તો એવો દેશ છે ચાબુક, જ્યાં માણહ કરતાં જોટાવાળી બંદૂક વધારે છે. આપણે અહીં લગ્નપ્રસંગમાં બે જોટાવાળી બંદૂક ફૂટે તો તને ખબર શું કરીએ ?
‘શું કરીએ ગોવા બાપા?’
ચેનલવાળા એની માથે ગોળ રાઉન્ડ કરી. પછી એક તીર લઈ આવે. પછી એને પોઝ મારે. ઓલો ભડાકો કરે પછી ધીમે ધીમે ઉદ્ધોષક બેન કહે, જો ભડાકો થ્યો. જાણે કેમ આપણને તો ખબર જ ન પડતી હોય? બંદૂક એણે જ જોય હોય. આપણને તો આંખો જ ન હોય. હમણાં તો હુંય બંદૂક ખરીદવાનો ચાબુક.
‘હવે તમારે ક્યાં ગોવા બાપા ગઈઢે ગઢપણ બંદૂક લેવી.’
એલા દિવાળી નથી આવવાની. તે ફટાકીયા વાળી.