બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ
બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
‘તારી સાથે વાત કરવાનો મને જરાયે સમય નથી ફોન મૂક,’ મલયે ગામડે રહેલી વાગ્દત્તા મમતાને એક ઝાટકે આ શબ્દો કહી ફોન કાપી નાખ્યો અને વંદિતાના વિચારોમાં ડૂબી ગયો. રૂમ પાર્ટનર ઋષિએ મલયને ઢંઢોળીને પૂછ્યું, ‘ભાઈ કાલે સેમિનાર છે તૈયારી કરી કે નહીં?’
‘ના.’ મમતા પર કાઢેલો ગુસ્સો હજુ તેના માથા પર ભમી રહ્યો હતો. જાણે શબ્દો વંદિતાને કહેવા માટે બચાવીને રાખવા હોય એવો જવાબ આપી મલય પાછો વંદિતાના વિચારોનાં વમળમાં ખોવાઈ ગયો.
મલય એક નાનકડા ગામડામાંથી કેમેસ્ટ્રીનો અભ્યાસ કરવા માટે રાજકોટ જેવા મોટા શહેરમાં પ્રથમ વખત આવ્યો હતો. કોલેજમાં આવતા જ મલયની નજર વંદિતા પર પડી અને તેની સાથે કેમેસ્ટ્રી જમાવવા મલય નામનો આશિક ચાન્સ શોધવા લાગ્યો.
આમ પણ વંદિતા હતી જ એવી, ગામડાની મીઠડી ગોરી, શહેરની છોકરીઓને ક્યાંય ટક્કર મારે એવી. લચીલી એની કમર, મજબૂત બાંધો, મારકણી આંખો, નેશનલ હાઈવે જેવું સપાટ પેટ, પ્રમાણસરનું નાક, કાશ્મીરના સફરજન જેવા રસીલા હોઠ, ભરાવદાર નિતંબ અને શિયાળામાં પણ ધગધગતા ઉનાળાનો અહેસાસ કરાવતું એનું ફાટફાટ થતું જોબનિયું. સ્વભાવે શાંત, પણ છંછેડો તો નાગણની જેમ ફૂંફાડો મારે. કોલેજમાંય આ નાગણીને વસ કરનારો મદારી કોણ આવે છે એની જ વિદ્યાર્થીઓ સહિત પ્રોફેસર પણ રાહ જોઈ બેઠા હતા.
મલય સ્વભાવે એક નંબરનો છેલબટાઉ, ગામડાનો હતો પણ શરમાળ જરાય નહીં, રસ્તે ચાલતી છોકરીની મસ્તી કરી લે. તેની આંખોમાં આંખો પરોવી વાતો કરે અને પ્રેમનો ફુગ્ગો ફૂટે નહીં ત્યાં સુધી ફૂલાવ્યા રાખે. પ્રેમનો આ બાજીગર પત્તાની દરેક રમત જીતી જતો, પણ એક વંદિતા હતી, જે તેના માટે કાંટાળું થોર સાબિત થઈ હતી.
*****
કોલેજમાં બીજા દિવસે બ્રેકમાં વંદિતા ક્લાસરૂમની બહાર રહેલા બાકડા પર બેઠી બેઠી છાપું વાંચી રહી હતી અને બાજુમાં જઈ ટપક્યો મસ્તીખોર મલય. વંદિતાના ચહેરા સામે રહેલું છાપું હટાવીને મલય બળજબરીથી બોલ્યો, ‘કેમ મારી સાથે વાત નથી કરતી ?’
‘જા, ને હવે,’ વંદિતા નામની નાગણીએ ફૂંફાડો મારી મલયનું મોઢું તોડી લીધું. મલય અને વંદિતાની વચ્ચે થઈ રહેલો આ ઝઘડો બાંકડા પાછળ રહેલ અને બીમની આડમાં છૂપાયેલ કથન સાંભળી રહ્યો હતો.
કથનની આંખોમાં મલય મવાલી બનીને વસી ગયો હતો. વંદિતાએ જ્યારે તેને ધૂતકાર્યો ત્યારે તેના હ્રદયમાં જીણી જીણી મોરલીયું વાગવા લાગી. એ મરક મરક હસ્યો. મનમાં જ બોલી ગયો, ‘હાશ, વંદિતાએ આ મલિયાને તો ચામાંથી માખી કાઢીએ એમ કાઢી નાખ્યો. હવે ખાલી પ્રેમનું આ માદક રસાયણ મારા હ્રદયમાં ભળી જાય.’
કથન થોડો ચીડીયા મગજનો અને ગુસ્સાવાળો પણ ખરો એટલે મનમાં ને મનમાં મલયને એક બે ગાળો પણ આપી દીધી.
એવામાં બે વાગી ગયા અને બ્રેક પૂરો થયો. મલય, વંદિતા અને કથન ક્લાસરૂમમાં પોતપોતાની બેંચ પર ગોઠવાયા. કથન અને મલય એક બેંચ પર જ બેસે. બ્રેકમાં જે થયું તેના વિશે કથને હળવેકથી મલયને પૂછ્યું, ‘શું વાતો કરતો હતો વંદિતા સાથે ?’
‘કાંઈ નહીં ભાઈ, એમ જ.’ એટલું કહીને મલય નોટબુકમાં કંઈક ચિતરવા લાગ્યો.
કથન ખુશ હતો કે વંદિતાએ મલયને ભાવ ન આપીને તેના દિલના હજાર ટૂકડા કરી નાખ્યા. પણ ખાટલે મોટી ખોટ એ હતી કે, વંદિતા સુધી પહોંચવાનો પોતાનો રસ્તો મલય માટે હજુયે સાફ હતો. કથન જે જ્ઞાતિનો હતો તે જ જ્ઞાતિમાંથી વંદિતા આવતી હતી. આ કારણે જ કથનને પહેલા દિવસથી જ વંદિતામાં રસ પડવા લાગેલો. તેને પત્ની બનાવીને કોલેજના ક્લાસરૂમમાંથી સુહાગરાતના કક્ષમાં લઈ જવા એ તલપાપડ હતો. પાણીનો ગ્લાસ પણ ભરીને ન આપે એવી વંદિતા મલય માટે સુહાગરાતે દૂધેય કેમ લાવે ? આ વિચાર મલયને અંદરથી હચમચાવી ગયો.
મલય અને કથન જેવા તો બીજા અનેક છોકરાઓ હતા જે દિવસ-રાત વંદિતાના વિચારોમાં પથારીમાં આળોટતા રહેતા. પણ કોઈને ખબર નહોતી કે વંદિતાના મનનો માણીગર સરકારી નોકરી હતી!
વંદિતા ઉચ્ચ હોદ્દાની નોકરી મેળવવાની ઇચ્છાઓનું પોટલું ગામડેથી બાંધીને આવી હતી. મલયે જેમ વંદિતાને બાંકડા પર બેસીને પૂછ્યું હતું, તેમ કથને પણ પૂછી જોયેલું. પરંતુ તેની દાળ ગળી નહીં. બસ, તે દિવસથી વંદિતા માટે દુશ્મનની જેમ એકબીજા સાથે વર્તન કરતાં મલય અને કથન દોસ્ત બની ગયા. નક્કી કર્યું કે ગમે તે ભોગે રૂપનો આ ખજાનો લૂંટવો જ છે. પછી ભલે તે મલયના હાથમાં આવે કે કથનના હાથમાં કંઈ ફેર નથી પડતો.
વંદિતાનું મિશન જેમ સરકારી નોકરી મેળવવાનું હતું, તેમ મલય અને કથનનું મિશન હતું વંદિતાને કોઈ પણ ભોગે પોતાની પ્રિયતમા બનાવવાનું. એક ગુલાબના બે માળી. એ પણ પરસ્પર સહમતીથી! તે દિવસથી આ બન્ને વંદિતા નામના ગુલાબ પાછળ હાથ ધોઈને પડી ગયેલા.
કોલેજ કેમ્પસમાં જ્યાં જુઓ ત્યાં મલય અને કથન વંદિતાની આગળ-પાછળ જ ભમરાની જેમ ભમતા જોવા મળે. વંદિતા પણ બન્નેથી જેમ-જેમ છૂટકારો મેળવવા મથતી તેમ-તેમ આ બન્ને વંદિતાની વધુ પજવણી કરવા લાગ્યા. જ્યાં જુઓ ત્યાં બન્ને વંદિતાની મસ્તી જ કરતાં જોવા મળે. નાગણીના મોઢામાંથી ઝેર કાઢી અમૃતભર્યા એ ત્રણ શબ્દો બોલાવવાના નીતનવા પેંતરા અજમાવતા રહે.
વંદિતા માટે આ બધું નવું અને અઘરું હતું. મલય અને કથનનું આ પાગલપન એક સમયે તો વંદિતા માટે માથાનો દુઃખાવો બની ગયું. એક સિંહણને પામવા સમજૂતી કરાર પર ઉતરી આવેલા બે સિંહોને પોતાની હદમાંથી હડસેલવા કઈ રીતે.
વંદિતાએ મનમાં વિચાર્યું, મલય અને કથનનો પાક્કો મિત્ર ઋષિ, તેને કહીએ તો! ઋષિ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં રમખાણો પરનું પુસ્તક વાંચી રહ્યો હતો. ત્યાં વંદિતા ધસમસતી ઋષિ પાસે આવી ધમકી, ‘તું પેલા બન્નેને સમજાવી દેજે હો.’
અચાનક આવી ચડેલ આગના આ ગોળા વિશે તેને તો કંઈ સમજાતું જ ન હતું. વંદિતા નામના અગનગોળા પર ઠંડુ પાણી રેડતા ઋષિએ પૂછ્યું, ‘પણ વાત શું છે?’
વંદિતાએ મલય અને કથનના ગાંડપણની માંડીને વાત કરી. વાતના અંતે જે વંદિતા બોલી એ સાંભળીને ઋષિ અને તેનો મિત્ર આનંદ બન્ને હસી પડ્યા.
વંદિતાએ કહ્યું, ‘મલય અને કથનને તું સમજાવી દેજે, મારી આગળ-પાછળ ન ફરે અને પોતાના મનમાં મારા વિશે જે આડાઅવળા વિચારો હોય તે કાઢી નાખે. હું તો બન્નેને મારા ભાઈ માનતી હતી અને આ બન્ને તો…’ વંદિતા બોલતા અટકી ગઈ.
ભાઈ શબ્દ સાંભળીને ઋષિ અને આનંદ અવાક્ રહી ગયા. નિરવ શાંતિ છવાઈ ગઈ. ઋષિ એ રાગ છેડ્યો, ‘ઓકે વંદિતા, હું મલય અને કથનને સમજાવી દઈશ કે તારો કેડો મૂકી દે.’
ત્રણેય લાઈબ્રેરીથી છૂટા પડ્યા, ઋષિ સીધો પહોંચ્યો મલય અને કથન પાસે. બન્ને યુનિવર્સિટીના બસ સ્ટોપ પાસે રહેલી પાળી પર બેઠાં બેઠાં બસમાં ચડતી કામણગારી કોલેજીયન કન્યાઓને તાકી તાકી કોમેન્ટ કરી ખી..ખી..ખી… હસી રહ્યા હતા.
ઋષિએ બન્નેને ગાળ આપીને વાતની શરૂઆત કરી, ‘પેલી વંદિતા મારી પાસે આવી હતી.’
ઋષિ વાત પૂરી કરે ત્યાં જ કથનનું દિલ ડોલ્યું,‘શું કહ્યું તેણે? મારા વિશે કંઈ પૂછતી હતી ?’
‘તંબુરો તારા વિશે પૂછે.’
‘મારા વિશે પૂછતી હશે હે ને ?’ કથનની વાત કાપીને મલય બોલ્યો.
‘હવે તમારી બન્નેની લવારી બંધ કરો ને મારી વાત ધ્યાનથી સાંભળો.’ ઋષિએ બન્ને પર ગુસ્સે થઈને કહ્યું, ‘વંદિતા આનંદની સાથે લાઈબ્રેરીમાં મને તમારી બન્નેની ફરિયાદ કરવા આવી હતી અને કહીને ગઈ છે કે મારા વિશે એલફેલ વિચારો કરવાનું બંધ કરે… હું તો બન્નેને મારા ભાઈ સમજતી હતી.’
ઋષિની આ વાત સાંભળીને મલય અને કથનની સ્થિતિ કાપો તો લોહી ન નીકળે તેવી થઈ.
કથન તો હતો જ ગુસ્સાવાળો, તરત જ લાલચોળ થઈ ગયો, બીજી જ મિનિટે બોલ્યો, ‘આનંદ, આ આનંદીયો વંદિતા સાથે શું કરતો હશે ?’
******
બીજા દિવસે મલય અને કથને આનંદને ઉધડો લેવાની તૈયારી સાથે કેમેસ્ટ્રી ભવનના પ્રાંગણમાં પ્રવેશ્યા. કથન આનંદની પાછળ જઈ ટી-શર્ટનો કોલર પકડી બોલવા લાગ્યો, ‘તું શું અમારી અને વંદિતાની વાતમાં વચ્ચે રસ લે છે ? તે જ વંદિતાને અમારી ફરિયાદ કરવા ઉશ્કેરી છે ને?’
દૂર ઉભેલી વંદિતાને હાકોટા તાણતો કથનનો અવાજ સંભળાતા નજર ફેરવીને ત્યાં દોડી આવી, ‘એ ભાઈ, મૂક તો એનો કોલર, એ બિચારાનો કંઈ વાંક નથી, એણે મને કંઈ તારા કે મલય વિશે નથી કહ્યું.’
વંદિતા એક જ શ્વાસે બોલી ગઈ. કથને આનંદનો કોલર છોડ્યો અને વંદિતા સામે ગુસ્સાથી બોલ્યો, ‘હું કંઈ તારો ભાઈ નથી.’
એટલું કહીને કથન ક્લાસરૂમમાં ચાલ્યો ગયો. જોર-શોરથી થયેલા આ ઝઘડાને અન્ય વિદ્યાર્થીઓએ પણ મન ભરીને માણ્યો. બધાને ખબર પડી ગઈ કે કથન અને વંદિતા વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે.
બીજી તરફ કથનનો ગુસ્સો જોઈને વંદિતા બેબાકળી બનીને ત્યાં જ ઉભી હતી અને મનમાં વિચારી રહી હતી, કે આ પાગલ મારા પ્રેમમાં કંઈક કરી બેસશે તો ?
થોડા દિવસ બધું શાંત રહ્યું, પરંતુ ધીમે-ધીમે ક્લાસરૂમમાં વંદિતાની ગેરહાજરીમાં મિત્રો કથનને વંદિતાનું નામ લઈ ચીડવવા લાગ્યા, કથનનું નામ વંદિતા સાથે જોડાતું, તો કથન પણ મનમાં થોડું થોડું હસી લેતો. જાણે બધા એને લગ્નની પીઢી ચોપડતા હોય.
વંદિતાનું નામ આવતા જ કથનના દિલ અને દિમાગ પુલકિત થઈ જતા. તે દિવસે તેણે વંદિતા અને આનંદ સાથે જે રીતે વર્તન કર્યું તેનું હવે તેને દુ:ખ પણ લાગવા માંડ્યું હતું. કેમેસ્ટ્રી ભવનની બહાર રહેલા એક ગજીબામાં વંદિતા બેઠી બેઠી સેમિનારની તૈયાર કરતી હતી. ભવનના બિલ્ડિંગમાંથી બહાર નીકળીને કથને ગજીબા તરફ પોતાના પગ ઉપાડ્યા.
ગજીબામાં વંદિતા પાસે જઈને કથન બેસી ગયો.
‘વંદિતા.’ વંદિતાએ મોં ફેરવી લીધું.
‘સોરી વંદિતા, હું તે દિવસે મારો ગુસ્સો રોકી ન શક્યો અને એલફેલ બોલી ગયો’.
વંદિતા હજુયે ચુપ હતી. બીજી તરફ કથન બોલ્યે જ જતો હતો, ‘તને ખબર છે મને ગુસ્સો કેમ આવ્યો ? કેમ કે હું તને પ્રેમ કરું છું, સાચા દિલથી, મારા સોગંદ જો હું ખોટું બોલતો હોઉં તો.’
કથનની આ વાત સાંભળી શાંત-શરમાળ અને સીધી ગણાતી વંદિતાએ કથન તરફ નજર નાખી. કથનની આંખમાં વંદિતાને પણ પ્રેમનું કણસતું કથન દેખાયું. તુરંત ફૂંફાડો મારતી નાગણી નાગકન્યા બની ગઈ. વંદિતા માટે આ બધું પ્રથમ વખત બની રહ્યું હતું. પણ આમ એક ઝાટકે. ના એક ઝાટકે ક્યાં હતું ?
થોડીવાર કથન તરફ જોઈને વંદિતા બોલી, ‘તો તું મારા પર ગુસ્સે કેમ થયો હતો ?’
‘અરે વંદુ!!’
કથને વંદિતાને વંદુ કહીને સંબોધન કર્યું. જે સાંભળીને વંદિતાના ચહેરા પર પણ હાસ્ય વેરાઈ ગયું.
‘અરે વંદુ એ ભૂલી જા, હવે હું કોઈ દિવસ તારા પર ગુસ્સો નહીં કરું બસ.’
વંદિતાએ માથું હલાવીને પ્રત્યુત્તર આપ્યો.
બન્ને ગજીબામાંથી નીકળીને વંદિતા તેના રસ્તે ચાલવા લાગી અને કથન હરખાતો હરખાતો હોસ્ટેલ તરફ લાંબા લાંબા ડગ ભરતો આગળ વધ્યો.
*****
હોસ્ટેલમાં મલયના રૂમમાં જઈને કથને રાડ પાડી, ‘મલીયા વંદિતાને પ્રપોઝ મારી દીધું.’
‘હે શું વાત કરે છે ?’ મલયની છાતીમાં ચીરો પડી ગયો. એને હવે મલમની જરૂર હતી!!
‘હા પાડી કે ના ?’ મલયે કથનને પૂછ્યું.
કથન રાજીના રેડ થતાં બોલ્યો, ‘તારો ભાઈ પ્રપોઝ કરે અને કોઈ ના પાડે ખરું.’
મલય મનમાં મુંઝાતો મુંઝાતો બોલ્યો, ‘સાલીએ મને ભાવ ન આપ્યો અને આ કથનીયાએ વળી શું જાદુગરી કરી કે એને હા પાડી દીધી?’
બસ તે દિવસથી કથન અને વંદિતા કોલેજમાં ચર્ચાનો વિષય બની ગયા. પ્રેમના પુષ્પને ચૂંટી લીધાનો હરખ કથનમાં સમાતો નહોતો. બે ધારાસભ્યોમાંથી એક ને ટિકિટ લાગી ગયાની કોલેજમાં વાતો થતી હતી.
કથન તો વંદિતા સાથે ફેરા ફરવાના પણ ઓરતા ઘડવા લાગ્યો. વંદિતાને પણ કથનનો સાથ ગમવા લાગ્યો. લક્ષ્મણ રેખા ન ઓળંગાય જાય તેવા વાયદા સાથે બેઉં પ્રેમઘેલાઓના હ્રદય એક થવા લાગ્યા. સાથી વિદ્યાર્થીઓને પણ લાગવા માંડ્યું કે કોલેજ પત્યા પછી બન્ને લગ્ન કરીને ઠરીઠામ થઈ જશે.
સારા દિવસો પતતા વાર નથી લાગતી. કોલેજના દિવસો પૂરા થયા. બધાની જેમ કથન અને વંદિતા પણ છૂટા પડ્યા. એ વાયદા સાથે કે લગ્નના બંધનમાં બંધાશું. કોલેજ પૂરી થઈ કે મલય મમતા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધી ગયો.
*****
(2 વર્ષ પછી)
એક દિવસ અચાનક ઋષિના ફોનમાં રીંગ વાગી. અજાણ્યો નંબર હતો. ફોન ઉપાડીને ઋષિ બોલ્યો, ‘કોણ?’
‘કથન બોલું છું. કેમ છે ?’
‘બસ જલસા. તે તો ભાઈ ખૂબ લાંબા સમયે યાદ કર્યો.’
‘બસ જો ભાઈ ફેબ્રુઆરીમાં લગ્ન છે તારે અને ભાભીએ આવવાનું છે.’ કથને વાત પૂરી કરી.
ઋષિએ તુરંત જ અભિનંદન આપીને કહ્યું, ‘ઓ હો… વંદિતા અને તેના ઘરના માની ગયા એમ ને.’ વંદિતાનું નામ કાન પર પડતાં જ કથન જૂના દિવસોમાં સરી પડ્યો. અચકાતા અચકાતા કહ્યું,‘ઋષિ મારા લગ્ન વંદિતા સાથે નહીં પણ પોરબંદરની કાજલ સાથે નક્કી થયા છે, એરેન્જ મેરેજ છે.’
ઋષિએ અનુભવ્યું કે કથનના અવાજમાં થોડો પસ્તાવો, દુઃખ અને વેદનાનું મિશ્રણ હતું.
ઋષિએ લગ્નનું આમંત્રણ સ્વીકારીને પૂછી નાખ્યું, ‘તો વંદિતા શું કરે છે ?’.
‘ભાઈ વંદિતાની કશી ખબર નથી.’
‘એણે લગ્ન કર્યાં કે નહીં ? અને તમારી બેઉંની વચ્ચે તો પ્રેમ હતો. તો પછી?’
‘એ પણ ખબર નથી. પરંતુ વચ્ચે ઉડતી ઉડતી માહિતી મળી હતી કે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. એણે સરકારી નોકરી સાથે લગ્ન કરી લીધા.’
ઋષિ બોલ્યો, ‘અચ્છા, તો વંદિતા જે મિશન સાથે રાજકોટ અભ્યાસ માટે આવી હતી તે પાર પડી ગયું એમ ને ? તો એણે તારી સાથે પ્રેમ કર્યો એ શું હતું ?’
ફોનના બેઉં છેડેથી કોઈ કંઈ ન બોલ્યું.
(શીર્ષક પંક્તિ રમેશ પારેખ)
(આ કથા સત્ય ઘટના પરથી આધારિત છે, પરંતુ કથામાં રહેલા પાત્રોના નામ બદલ્યા છે. મલયે ચાબુકને કહ્યું, ‘આજે પણ હું એના જેવી કોઈ છોકરીને જોઈ જઉં તો ગાંડાની જેમ પાછળ ભાગુ છું.’ આવી વધુ સત્ય ઘટના પર આધારિત કોલેજ કથાઓ વાંચવા માટે જોડાયેલા રહો ચાબુક સાથે.)