મુલ્લા નસરુદ્દીન સરપંચ તરીકેની બીજી ટર્મમાં જીતવાના હતા. બીજા પાંચ વર્ષ તેમને મળે એ પહેલાં જ એમણે રાજકારણમાંથી નિવૃતિ લઈ લીધી અને પોતાના ગધેડા પર બેસી નીકળી પડ્યા. રસ્તામાં બધા લોકો એમને જોઈ હસતા હતા અને કહેતા હતા કે, આટલો મૂરખ માણસ અમે અમારી જિંદગીમાં નથી જોયો. મુલ્લા તેમની વાતોને અવગણી ગધેડા સવારીનો આનંદ ઉઠાવતા હતા.
ઘરે તેની પત્નીને પણ ખબર હતી કે મુલ્લા સરપંચની બીજી ટર્મ જીતે એમ હતા તો પણ રાજકારણમાંથી નિવૃતિ લઈ લીધી છે. એ વેલણું લઈને ઊભી જ હતી. નસરુદ્દીન આવ્યો અને તેની પત્નીએ જોરથી વેલણ માર્યું. તેને માથામાં ઢીમચુ થઈ ગયું. નસરુદ્દીન કંઈ પણ કહ્યાં વિના ઘરમાં પ્રવેશી ગયો અને શાંતિથી ખુરશી પર બેસી ગયો.
તેની પત્ની તેના આ મૌન પર અકળાય અને પૂછ્યું, ‘ગાંડા થઈ ગયા છો તે રાજકારણમાંથી નિવૃતિ લઈ લીધી.’
કેટલા સમયથી મૌન રહેલા નસરુદ્દીને મોંઢુ ખોલ્યું અને પત્નીને કહ્યું, ‘ગાંડા લોકો રાજકારણ છોડતા નથી.’
ઉપરની રમૂજ રજનીશે નહીં પણ મેં લખી છે. મોર્ડન મુલ્લા નસીરુદ્દીન! અને હવે જે રાષ્ટ્રપતિની વાત કરવાના છીએ તે નસરૂદ્દીનના જોક્સ જેવો જ છે. ચૂંટણી જીત્યા પહેલા જ તેણે નક્કી કરી લીધું હતું કે હું રાષ્ટ્રપતિ બનીશ તો ફક્ત એક ટર્મ માટે. કદાચ તેને પૂર્વાભાસ થઈ ગયો હશે કે બીજી ટર્મમાં હું જીતવાનો નથી. તેની આસપાસના લોકોને પ્રચાર કરતાં જોઈ તેને જ્ઞાન લાદ્યુ હશે કે આવા લોકોની વચ્ચે રહેવા કરતાં ઘરે રહેવું સારું. પણ એક ટર્મ જ શા માટે ?
દસ ભાંડેળામાં તે સૌથી નાનો હતો. પરિવાર કેરોલિનામાં રહેતો હતો. ત્યાંથી ટેનેસિમાં સ્થાળાંતર થઈ ગયો. તે ભણ્યો અને વકીલ બન્યો. કોલમ્બિયામાં ખૂદની વકીલાતની દુકાન ખોલી પણ અસીલ ઓછા આવતા હતા. સરાહા નામની છોકરીને પરણ્યો. આ બંનેને એક પણ સંતાન ન હતું, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ છ સાત રાષ્ટ્રપતિઓનું એક સાથે વટક વાળી ચૂક્યા હતા. તેની પત્ની સરાહા અત્યાર સુધીની બીજી સૌથી શ્રેષ્ઠ ફર્સ્ટ લેડી હોસ્ટેસ બની. તેણે વ્હાઈટ હાઉસમાં દારૂ પર પ્રતિબંધ લાદી દેતા ઘણા નેતાઓને આઘાત લાગ્યો હતો.
તેના પિતા તેને રમાડતા અને કહેતા, ‘મારા દીકરાનું શરીર તો પથ્થર જેવું છે.’ ને થોડો મોટો થયો પછી તેને પથરીની સમસ્યા રહેવા લાગી. સત્તર વર્ષની અને કેટલાક ઈતિહાસકારો નોંધે છે તેમ સોળ વર્ષની વયે તેણે પથરીનું ઓપરેશન કરાવેલ. એનેસ્થેસિયા તે વખતે નહોતું જેથી તે પોતે બ્રાન્ડી પી બેભાન થઈ ગયેલો અને ડોક્ટરોએ શસ્ત્રક્રિયા કરેલી. સફળ સર્જરી થયા પછી તે શાળાએ જઈ શક્યો.
ઘણા ભુલકાઓ કહે છે, ‘મમ્મી આજે સ્કૂલે નહીં જાઉં હું બીમાર છું.’ ભારતમાં એ કઈ રીતે આવ્યું ખ્યાલ નથી પણ અમેરિકામાં તો પોલ્ક જ લાવેલો હશે. પોલ્ક સાચો હતો. ઓપરેશન ન થયું ત્યાં સુધી તે ખાટલામાં જ રહ્યો.
1818ની સાલમાં જ્યારે તે સ્નાતક થયો. કોલેજમાં તેનું સન્માન કરવામાં આવ્યું. ગણિતમાં તે એટલો હોશિયાર હતો કે માસ્તરની ભૂલ પકડી શકતો હતો, પણ તે ગણિતજ્ઞ બનવાની જગ્યાએ વકીલ બન્યો. જે પ્રેક્ટિસ સમયે તેનું ગણિત ખોટું પડ્યું અને બાદમાં વકીલના રસ્તેથી થઈ તેને રાજકારણના દ્વારે જ જવું પડ્યું.
એ રાજકારણમાં આવ્યો તેનું શ્રેય પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જેક્સનને આપવું જોઈએ. જેક્સને તેને રાજનીતિના આટાપાટા શીખવ્યા અને ત્યાં જ તેની મુલાકાત ભવિષ્યમાં વ્હાઈટ હાઉસમાં દારૂબંધી કરનારી તેની ભાવી પત્ની સરાહા સાથે થઈ. તે પોલ્ક કરતાં પણ ચડીયાતી હતી. રાજકારણમાં સારા સારાને ફિટ કરી દેતી હતી. શિક્ષિત પણ હતી અને અમીર પણ હતી. 1824માં બંનેએ પ્રભુતામાં પગલાં પાડ્યા.
1825માં પોલ્ક અમેરિકી પ્રતિનિધિ સભા માટે પસંદ કરવામાં આવ્યો. 1835માં સદનનો સ્પીકર બની ગયો. 1839માં ટેનેસી રાજ્યનો ગવર્નર બની ગયો. તે આટલું બન્યો તેમાં તેનો બિલકુલ હાથ નહોતો. તેની પત્ની વ્યૂહરચના ઘડતી અને વિરોધીઓને પાડી દેતી. પોલ્કમાં વાકચાતુર્ય હતું. એ ભલો માણસ હતો. સોસાયટીના રાજકારણમાં પણ ન ચાલે એવો. 1839 સુધી તેનું જીવન ફાસ્ટ ફોરવર્ડની જેમ ચાલ્યા રાખ્યું.
1841માં પોલ્ક હારી ગયો. તેને ટેનેસીના ગવર્નર પદેથી હટાવી દેવામાં આવ્યો, હવે તે કંઈ નહોતો. તેને જીવન જીવવાની મજા આવતી હતી. 1843માં તેણે પુન: ચૂંટણીમાં મન ન હોવા છતાં જંપ લાવ્યું અને હારી ગયો.
એક દિવસ પાર્ટીની મિટીંગ હતી. બધા દારૂ પીતા હતા. ખૂણામાં પોલ્ક બેઠો હતો. કોઈ ગણકારતું સુદ્ધા ન હતું. એ તો પોતાની મસ્તીમાં લીન હતો. અચાનક વચ્ચેથી અવાજ આવ્યો કે, ‘માર્ટિન બ્યૂરેન અને લૂઈસની જગ્યાએ આ વખતે ચૂંટણીમાં પોલ્કનો ડાર્ક હોર્સ તરીકે ઉપયોગ કરીએ તો કેવું રહે?’
પોલ્કને ઉધરસ આવી ગઈ.
તેના વિરોધીનું નામ હેનરી ક્લે હતું. એ અને તેની પાર્ટી રિપબ્લિકન આખી રાત હસી હસીને લોટપોટ થઈ ગઈ જ્યારે તેમણે સાંભળ્યું કે માર્ટિન બ્યૂરેન અને લૂઈસની જગ્યાએ પોલ્કુ તેની સામે ચૂંટણી લડવાનું છે. ‘ઉસ રાત યે લોગ દો બજે તક પીયા.’ પછી ચૂંટણી થઈ અને પોલ્ક જીતી ગયો. ફરી હેનરી ક્લે અને તેના સમર્થકો ‘ઉસ રાત વાપીસ અપન દો બજે તક પીયા…’
પોલ્ક એવો રાષ્ટ્રપતિ હતો જેના કાર્યકાળમાં કોઈને પણ વ્હાઈટ હાઉસમાં ચક્કર મારવાની પરમીશન હતી. વોલ્ટર આર બોર્નમેને પોલ્કની આત્મકથામાં લખ્યું છે કે, આ માણસને તેના વિરોધીઓ સુખેથી શાસન ચલાવવા નહોતા દેતા. પણ તે સારું શાસન કરે છે તેવું વોશિંગ્ટન પોસ્ટના એ સમયના સંપાદકે લખી નાખ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘આવું શાસન કોઈ દિવસ નથી જોયું.’ એક છાપુ પ્રેસિડેન્ટ વિશે આવું લખે તો જનતા માની જ લેવાની. ગોદી મીડિયાનો વિષય અહીંથી જ આવ્યો હશે?
એ દિવસના બાર કલાક કામ કરતો હતો. રાજધાની વોશિંગ્ટનને પણ કોઈ દિવસ છોડી નહીં. તે સલાહ લેતો અને કામ પ્રતિનિધિમંડળને સોંપી દેતો અને શીખવાડતો પણ ખરો. રાષ્ટ્રપતિની ખુરશી પર રહ્યો ત્યાં સુધીમાં તેણે 27 રજાઓ લીધી હતી. તેણે કહ્યું છે, ‘કોઈ પણ રાષ્ટ્રપતિ જે ઈમાનદારીપૂર્વક અને કર્તવ્યપરાયણ બનીને દેશની સેવા કરે તેની પાસે અન્ય કોઈ અવકાશ નથી હોતો.’
એ 1840ની સાલ હતી. પોલ્કને પણ વિસ્તાર વધારવાનું મન થયું. તેણે મેક્સિકો તરફ નજર દોડાવી. મેક્સિકોની સીમા રેખા પાસે કેલિફોર્નિયા, અમેરિકી દક્ષિણી-પશ્ચિમ અને ત્યાં સુધી કે કોલોરાડો અને વ્યોમિંગ જેવા પ્રાંતોનો સમાવેશ થતો હતો.
1845ના વર્ષમાં પોલ્કે ટેક્સાસ-મેક્સિકોમાંથી થોડી જમીન ખરીદવાની માગ મૂકી અને વધુમાં કહી દીધું કે આટલો ખર્ચ થઈ જ ગયો છે તો કેલિફોર્નિયાની નજીકનો પ્રાંત પણ લઈ લઈએ!
આ વાત પોલ્કે સૌ પ્રથમ મેક્સિકોના કાને મૂકી. એમણે સોઈ ઝાટકીને ના પાડી દીધી. પોલ્કે મેક્સિકોની બોર્ડર પર સેના મોકલી દીધી. તેના એક યુવાન આલોચકે આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે, ‘પોલ્ક ખોટેખોટા મેક્સિકોવાસીઓની ઉશ્કેરણી કરે છે.’
એ છોકરાની વાત સાંભળી લીધી હોત તો સારું હતું, કારણ કે યુદ્ધમાં અમેરિકાના 13,000 સૈનિકો હોમાય ગયા. મેક્સિકોની એક તૃતિયાંશ જમીન લેવામાં તેને સફળતા મળી ગઈ. જેથી તે ખુશ હતા. આલોચના કરનારા છોકરાનું નામ અબ્રાહમ લિંકન હતું.
મેક્સિકો પછી તેની વિસ્તારવાદી ભૂખ વધતી ગઈ. 1.2 મિલિયન સ્ક્વેર માઈલની વૃદ્ધી કરી નાખી. જે તેની આગળના દસ રાષ્ટ્રપતિઓએ તો નહોતી જ કરી. પ્રશાંત મહાસાગરમાં પણ કેટલીક જમીન લઈ લેતા કેલિફોર્નિયા, યૂટા, નેવાડા, એરિઝોના, ન્યૂ મેક્સિકો, કોલોરાડો, વોશિંગ્ટન, ઓરેગન જેવા રાજ્યોનો વિસ્તાર વધી ગયો. તેની વિસ્તારવાદીનીતિ ગૃહયુદ્ધ ઉભું કરી રહી હતી. આ રાજ્યોનો વિસ્તાર વધ્યો તો એમાં ગુલામોનો કેટલો ભાગ ? આ વિશે સંસદમાં વિરોધપક્ષ કે પત્રકારો સવાલ ઉઠાવે તો તે જવાબ દેવાનું ટાળતો હતો, કારણ કે ખુદની પાસે વીસ ગુલામ હતા જે વ્હાઈટ હાઉસમાં કામ કરતાં હતા.
પદ છોડ્યાના થોડા મહિના પછી, હવે તેને બસ મજા કરવી હતી ત્યાં કોલેરા થઈ ગયો. કોલેરા ચેપી હતો એટલે તેને ઉતાવળમાં દફન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સમય વિતતા તેને ત્યાંથી કાઢી પોલ્ક પેલેસની બાજુમાં દફન કરવામાં આવ્યો.
1893માં ત્રીજી વખત તેની કબર કાઢી રાજ્યની રાજધાનીમાં લાવવામાં આવી. આજે ટેનીસિની સંસદમાં કેટલીક વખત એ મુદ્દો છેડાય તો હાસ્યનું મોજું ફરી વળે છે. કોઈ ને કોઈ સંસદસભ્ય ઊભો થઈ પોલ્કને યાદ કરતાં કહે છે, ‘તેની કબર ચોથી વખત ફેરવવાની ઈચ્છા હોય તો અમે તૈયાર છીએ. કોલંબિયા ટેનિસીના તેના જૂના ઘરમાં પૂરા પરિવારની સાથે તેને દફન કરી દઈએ.’
લેખ પૂર્ણ થાય છે અને હું આળસ મરડીને મારા હાથ ખુરશીની પાછળ લઈ જાઉં છું. હાથના ટચાકિયા ફોડુ છું. ને મને યાદ આવે છે કે પોલ્કનો બાપ કહેતો, ‘મારો દીકરો તો પથ્થર જેવો છે.’ ક્યાંક નેતાઓ એ વાતનો પુરાવો મેળવવા જ તેની કબર વારંવાર નથી ફેરવતાને ?