હમણાં હમણાં કોઈ પણ વેબસાઈટને ખોલો અને ગમે તે પ્રકારનાં આર્ટિકલ પર ક્લિક કરો, તેની શરૂઆત કોરોનાવાયરસ અથવા તો તેના નવા નામ Covid-19થી જ થાય છે. આ કરતાં પણ ભયંકર મહામારીની થપાટ તો કાકાસાહેબ કાલેલકરે સહન કરી હતી. જ્યારે માનવજાત પ્લેગ નામના જ્વાળામુખીની ટોચ પર બેઠી હતી. મરાઠી સાહિત્યકારોએ અન્ય ભાષાઓની તુલનાએ પ્લેગ પર ખૂબ લખ્યું છે. ભાલચંદ્ર નેમાડેની કકૂન નવલકથામાં પણ છાતી વીંધતા પ્લેગના ફકરાઓ આવે છે. સૌથી મોટી વાત કે તેમાં લેખકે પોતાની યુવાનીનું આલેખન કર્યું છે. આ તેમની આત્મકથાનાત્મક નવલકથા છે. આવું જ કાકાસાહેબ કાલેલકરે પોતાના બાળપણના સ્મરણોને પુન:જીવિત કરતી આત્મકથામાં લખ્યું છે. નામ છે સ્મરણયાત્રા – નાનપણનાં કેટલાંક સંસ્મરણો. સમગ્ર પુસ્તકમાં બે જગ્યાએ પ્લેગનો ઉલ્લેખ આવે છે.
કાલેલકર પરિવાર ધારવાડમાં રહેતો થયો હતો. પ્લેગનો રોગ ભયંકર રીતે ફેલાયો હતો. અહીં મરાઠી ભાષાની જગ્યાએ ત્યાંની સ્થાનિક કાનડી ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હતો. જે સમજવી ખૂબ જ આકરી હતી. પણ બાદમાં સમજાય જતા મરાઠી, કાનડી અને કોંકણી આમ ત્રણ ભાષાનું ત્રિવિધ જ્ઞાન દતાત્રેયમાં ઠલવાયું. કાનડી ભાષા તો દતાત્રેય કારવારમાં હતા ત્યારે જ અલપઝલપ શીખી ગયા હતા. પણ અહીં કાલેલકર પરિવારને ખૂબ સહન કરવાનો વારો આવ્યો. અત્યારે તો દુકાનદાર ભાવ વધારે લે તો આપણે સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી દઈએ, પણ ત્યારે જો દુકાનદારને એમ ખબર પડે કે આ વ્યક્તિ કાનડી ભાષાથી પરિચિત નથી, તો તેની પાસેથી ડબલ ભાવ તોડવામાં આવતો હતો. બીચારા ખરીદનારને ખબર પણ ન પડતી. આ કારણે જ કાલેલકર પરિવારને શરૂઆતમાં કશ્મકશનો સામનો કરવો પડ્યો હતો. આખી બજારમાં માત્ર એક જ વ્યક્તિ મરાઠી ભાષા જાણતો.
કોઈ જગ્યાએ કંઈ લેવું હોય તો એને જ પૂછવા માટે જવું પડતું. ચણાની દાળ લેવી હોય તો એ દુકાનેથી પેલા મરાઠીને ત્યાં જઈ પૂછવાનું, ‘ચણાની દાળને શું કહે છે ?’
એ જવાબ આપે, ‘કડલી બ્યાળી..’
પછી ફરી આવીને પૂછવાનું, ‘મરચાંને શું કહે છે?ֹ’
જવાબ મળે, ‘મેનશિનકાઈ…. નાળિયેરને તંગિનકાઈ.’ આપણી સાથે સાવ આવું તો નથી થયું ને ?
દતાત્રેય ત્યારે પાંચમું ભણતા હતા. પ્લેગના દિવસોમાં કાલેલકર પરિવારે તમામ લોકોની માફક જ ઝૂંપડુ બાંધ્યું હતું. એ નામ માત્રનું ઝૂંપડુ હતું. લોકો એ ઝૂંપડાની જગ્યાએ સરસ મઝાના કાચા મકાન બનાવવા લાગ્યા હતા. કાલેલકર પરિવારે પણ વાસના ઉપયોગથી સરસ કાચુ મકાન બનાવી લીધું હતું. એ ઝૂંપડાંની અંદર બહાર ગાર કરવામાં આવેલી હતી. કાલેલકરની ન્યાતના જ લોકો આસપાસ રહેતા હતા. ખાલી એક ખોરડું જ લિંગાયત પરિવારનું હતું. ઝૂંપડું બાંધીને રહેવામાં સૌથી મોટી સમસ્યા એ સર્જાય કે ચોરોનું આક્રમણ વધવા લાગેલું.
આવી ચોપડીઓ માણસજાતિ ઉપર ચડાઈ કરનાર પ્લેગ ને ઈન્ફ્લુએન્ઝા જેવી છે. આજે ઘરની એ ચોપડી મારે હાથ આવે તો એને હું બાળી નાખું, પણ કોણ જાણે આજે એ કોના હાથમાં હશે ?
આ તો વાત થઈ પ્લેગકાળમાં કાકાસાહેબે અનુભવેલા દ્રશ્યની. હવે વાત કાકાસાહેબ કાલેલકરનાં વાંચનની. તેમની ઉંમર હજુ એવડી ન હતી થઈ કે એરેબિયન નાઈટ્સમાં આવતા શૃંગારિક દ્રશ્યોને વાંચે. છતાં તેમના બાળ માનસ પર તો એવું જ હતું કે સાહસિકોની સૃષ્ટિને ખેડવી છે. કાકા સાહેબ પીઢ સાહિત્યકાર થયા ત્યારે પણ એવું માનતા હતા કે, અરેબિયન નાઈટ્સની કથાઓ ન વાંચી હોય તેવો ભણેલો માણસ ભાગ્યે જ મળે.
એ વખતે દતાત્રેયનાં મોટાભાઈ પુનેની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમનો ભેટો ખ્યાતનામ વિષ્ણુશાશ્ત્રી ચિપળૂણકરના પિતા કૃષ્ણ શાશ્ત્રી સાથે થયો. એમણે જ મરાઠી ભાષામાં અરેબિયન નાઈટ્સનું ભાષાંતર કર્યું હતું. મોટાભાઈને અબઘડી એ પુસ્તક ખરીદવાનું મન થઈ આવ્યું, પણ ખરીદવું કેવી રીતે ? ગજવામાં ફૂટી કોડી નહોતી. જેથી મૂંઝવણમાં મુકાયા. ઘરે જઈને પણ પિતાને હિસાબ આપવો પડતો હતો. હિસાબમાં નાની અમથી ગફલત પણ પિતા ચલાવી નહોતા લેતા. દતાત્રેયના મોટાભાઈએ એક ઉપાય કાઢ્યો. ઉપાયનું નામ હતું પેટે પાટા બાંધવા. તેમણે ભોજન અને ખર્ચ પર કાપ મુકી દીધો. જેથી થોડી રકમ એકઠી થાય અને અરેબિયન નાઈટ્સ ખરીદી શકાય. વાત થઈ પૂરી. અરેબિયન નાઈટ્સના રૂપિયા ભેગા થઈ ગયા અને મોટાભાઈએ એ પુસ્તક ખરીદી લીધું. ખૂબ મુશ્કેલીથી મળે એની કિંમત કંઈક અલગ રીતે સમજાય.
નાનપણમાં ગુજરી બજારમાં હું ઓરીજનલ વિક્રમ વેતાળ જોઈ ગયેલો. એ પુસ્તક માટે રડેલો સુદ્ધા પણ. મોડે મોડે પરિવારનું હ્રદય પીગળ્યું અને એ રડવાનું ફળ પૈસા રૂપે મળ્યું. ત્યાં જઈ ખરીદવા ગયો તો ચોપડી કોઈ ખરીદી ગયેલું. ઘરે આવી એ રૂપિયા પરત આપી દીધા. ભવિષ્યમાં જ્ઞાન લાદ્યુ કે દરેક વસ્તુનો એક ચોક્કસ સમય હોય છે. એ સમયમાં કામ કરવામાં ન આવે, તો પછી તમે રોકાશો પણ એ વસ્તુ તમારી બિલ્કુલ રાહ નહીં જુએ. આ એના જેવું છે કે તમે વિમાનની રાહ જોઈ શકો, પણ વિમાન તમારી રાહ ન જોઈ શકે.
તો દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર હજુ તો નાના હતા અને તેમનો જીવ અરેબિયન નાઈટ્સ વાંચવામાં અટકી ગયો હતો. તેમના મોટાભાઈ દોસ્તારો સાથે અરેબિયન નાઈટ્સની અજબ ગજબની વાતો કરતા ત્યારે દતાત્રેયની અંદર રહેલો કલ્પના સૃષ્ટિનો જીન જાગી જતો. તેના મનરૂપી ચિરાગને મોટાભાઈ પોતાની વાતોથી ઘસી નાખતા. આવું પાછું રોજ થવા લાગેલું એટલે પેલું પટારામાં પડેલું અરેબિયન નાઈટ્સ તો વાંચવું જ આવો ચસ્કો દતાત્રેયને લાગી ગયો.
પણ વાંચવું કઈ રીતે ? મોટાભાઈ તો હિટલર જેવા નીકળ્યા. એમણે અરેબિયન નાઈટ્સને પટારામાં બંધ કરી અને ચાવી મારી દીધેલી. ઘરમાં હોય ત્યારે દતાત્રેયનો જીવ ત્યાં આસપાસ જ ગોથલીયા માર્યા કરે. મોટાભાઈ સમજણા થયા ત્યારે તેમને ખબર પડી કે, ‘અરેબિયન નાઈટ્સ એ કોઈ અમૃત નથી મદીરા છે.’
આમ ને આમ એક દિવસ ગોદુએ મોટાભાઈને ખબર ન પડે એ રીતે ચોરી છૂપે અરેબિયન નાઈટ્સની બે વાર્તાઓ વાંચી લીધી અને રાત્રે દતાત્રેયને સંભળાવી. દતાત્રેયની અંદરનો વાંચક જીન ઘુઘવતો હોય એમ જાગ્યો. કોઈ સપનાથી વિખૂટો પડે ત્યારે તેને ટાંચણી મારવાવાળો આસપાસ જ હોય છે. દતાત્રેયના કિસ્સામાં એ ગોદુ હતો. દતાત્રેયે મોટાભાઈનું ટાઈમ ટેબલ બનાવ્યું. ક્યારે આવે છે ? ક્યારે જાય છે ? ઘરે કેટલો સમય રહેશે ? અને ઘરની બહાર કેટલો સમય રહેશે ? આ ટાઈમ ટેબલ બનાવી દતાત્રેય બાલકૃષ્ણ કાલેલકર મંડી પડ્યા વાંચવા. રોજ વાંચે. કલ્પનાના ઘોડા દોડાવે.
રોજ મઝા આવતી હતી, પણ એક દિવસ મોટાભાઈને ખબર પડી ગઈ. તેમણે કંઈ કહ્યું નહીં, કારણ કે હવે તે પીઢ થયા હતા. તેમને ખબર હતી કે પોતે જ્યારે દતાત્રેયની ઉંમરથી થોડા મોટા હતા ત્યારે અરેબિયન નાઈટ્સ માટે કેવા ધમપછાડા કરેલા. જાણ હતી કે નાનાભાઈને પણ બાદમાં ખબર પડી જશે કે અરેબિયન નાઈટ્સ અમૃત છે કે મદીરા ?
જેમ દરેક પુસ્તક સાથે થાય છે. દતાત્રેય કાલેલકર તેમાંની મોટાભાગની વાર્તાઓને ભૂલી ગયા. યાદ કરવા માટે તેઓ ખૂદ સાહિત્યકાર બન્યા ત્યારે અંગ્રેજી અનુવાદ વાંચી લીધો. અરેબિયન નાઈટ્સને બાળપણમાં ન વાંચવી આવું ખૂદ તેમણે લખ્યું છે અને કહ્યું છે, ‘‘એના વાચનથી કલ્પનામાં વિહાર અને વિશ્વાસ કરવાની મેલી ટેવ તો ઘણા લાંબા વખત સુધી રહી ગઈ હતી. કલ્પનાને આટલી જબરદસ્ત વિકૃત કેળવણી મળી, એની અસર આખા જીવન પર પડી અને તે બહુ માઠી હતી. અરેબિયન નાઈટ્સ વાંચવામાં ન આવી હોત તો મને લાગે છે કે કલ્પનાની કેટલીય અશુદ્ધિમાંથી હું બચી જાત. દુખમાં સુખ એટલું જ છે કે, એ ચોપડી મેં નાની ઉંમરે વાંચી તેથી એનો ઘણો ખરો શૃંગાર મગજમાં ઘુસવાને બદલે – માથાને વીંધવાને બદલે – માથા ઉપરથી પસાર થયો.’’