તે હે ગોવા બાપા… રામવિલાસ પાસવાન આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. હું શું ? બધા એમ વાત કરે છે કે એમને શું થ્યું તું ? હવે એમને જે થયું હતું એ માટે તો બધી વેબસાઈટો લખશે જ, પણ તમે મને આ રામવિલાસ પાસવાન વિશે કહો.
હે ચાબુક. રામવિલાસ પાસવાન કંઈ નાના મોટા નેતા નહોતા. એમ એમનું મગજ પણ કંઈ નાનુ સૂનું નહીં. પાસવાન જો રાજનીતિમાં ન આવ્યા હોત તો ડીસીપી હોત. અત્યારે તો નિવૃત જીવન ગાળતા હોત. કહી દઉં ચાબુક કે એમણે સિવિલ સર્વિસિઝની પરીક્ષા પાસ કરી લીધી હતી. પણ અચાનક તેમના મનમાં શું બત્તી સળગી કે જોઈન થવા ગયા જ નહીં અને રાજનીતિ તરફ પોતાનું મોઢું કરી લીધું.
મને યાદ છે 1985ની ચૂંટણી. આ ચૂંટણીમાં એમણે જંપ લાવ્યું ત્યારે ખરાખરીનો ખેલ થયેલો. ત્રણ દલિત નેતા એક સાથે હતા. પૂર્વ લોકસભાના સ્પીકર મીરા કુમારી જેઓ કોંગ્રેસ તરફથી લડી રહ્યા હતા. બીજા હતા દલિત નેતા અને બસપાના સુપ્રીમો માયાવતી અને ત્રીજા હતા રામવિલાસ પાસવાન. લોકસભાની પેટા ચૂંટણી થઈ રહી હતી. અને સીટનું નામ હતું બિજનૌર. પરિણામ નિરાશાજનક રહ્યું, પણ પાસવાન માટે રાજનીતિ છોડવા જેવું નહોતું. જીત મળી લોકસભા સ્પીકર મીરા કુમારીને અને બીજા પાયદાન પર લોક દળના રામવિલાસ પાસવાન રહ્યાં. ત્રીજા નંબર પર હતી માયાવતી. જે એ સમયે લોકપ્રિય હતા છતાં પાસવાનથી પાછળ રહી ગયા.
એમને રાજનીતિનાં હવામાન વૈજ્ઞાનિક તરીકે પણ ઓળખવામાં આવતા. ચૂંટણી ટાણે એમનું ગઠબંધન જે પાર્ટી સાથે હોય એ પાર્ટીની જીત નક્કી માનવામાં આવતી. આજે પણ હવામાન વૈજ્ઞાનિક તરીકે એક બીજો દલિત નેતા ઓળખાય છે. એનું નામ છે રામદાસ અઠાવલે. તેઓ જે પાર્ટી જીતતી હોય તેના ખેમામાં જ હોય છે. પણ રામવિલાસ પાસવાન ખરા અર્થમાં રાજનીતિના મૌસમ વૈજ્ઞાનિક હતા. દાક્તર જેમ નાડ પારખીને રોગ કહી દે એમ સ્થિતિ પરખીને તેઓ કોણ જીતશે તેનું ભાવી ભાખી દેતા. અને એ પાર્ટી સાથે જ જોડાઈ જતા.
રામવિલાસ પાસવાને 6 પ્રધાનમંત્રીઓ સાથે કામ કર્યું. વી.પી. સિંહ, એચ.ડી.દેવેગૌડા, ઈન્દ્ર કુમાર ગુઝરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી. 1989માં તેઓ પ્રથમ વખત કેન્દ્રીય મંત્રી વી.પી.સિંહની કેબિનેટમાં બન્યા હતા. જ્યાં એમને શ્રમ મંત્રી બનાવવામાં આવેલ. પછી આઈ.કે ગુઝરાલની સરકારમાં સંચાર મંત્રી અને એચ.ડી દેવેગૌડાની સરકારમાં રેલવે મંત્રી બનાવવામાં આવ્યા. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ કોલસા મંત્રી હતા.
ચાબુક હમણાં જ આપણે વાત કરી કે તેમણે 1985ની ચૂંટણીમાં જંપ લાવ્યું. પણ ખરી વાત તો એ છે કે 1969માં જ તેમણે પોતાની રાજનૈતિક કરિયરની શરૂઆત કરી દીધી હતી. 1969માં તેઓ સંયુક્ત સોશિયલ પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા. 1975માં જ્યારે ઈમરજન્સી દાખલ કરવામાં આવી ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આખી કટોકટી પાસવાન જેલમાં જ રહ્યાં. 1977 સુધી એટલે કે બે વર્ષ સુધી પાસવાન જેલમાં રહેલા. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીથી રોષ તો હતો જ. સમગ્ર જનતા કોંગ્રેસના વિરોધમાં હતી. પાસવાન જનતા પાર્ટીમાં જોડાયા અને હાજીપુરા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા. હાજીપુરા સીટ પરથી તેમને એટલા મત મળ્યા કે ગીનીસ બુકમાં નામ નોંધાઈ ગયું. 4 લાખ 24 હજાર મત તેમને મળ્યા હતા.
તેમણે પોતાની કારકિર્દીમાં કોઈ દિવસ કઈ પાર્ટીમાં જોડાવું કે પાર્ટી બનાવવી તેમાં પાછળ વળીને ન જોયું. જનતા પાર્ટી, લોકદળ, જનતા દળ, સમતા પાર્ટી, જનતા દળ (U)માં રહ્યાં પછી, 28 નવેમ્બર 2000ના રોજ એમણે લોક જનશક્તિ પાર્ટીનું ગઠન કર્યું.
ખૂબ જૂની વાત છે ચાબુક. વર્ષ 2002નું હતું. ગુજરાતમાં ગોધરા કાંડ થયેલું. હું તો ગીરમાં મારી ભેંસુ ચારતો હતો. ભેંસુનું ખાડુ નદીના પાણીમાં આળોટવા ગયું અને હું સંદેશ છાપુ વાંચવા લાગ્યો. તો ન્યાં મને ખબર પડી કે રામવિલાસ પાસવાને રાજીનામું આપી દીધું છે. પણ પછી તો એવી કેટલીય ચર્ચા ચાલી કે રામવિલાસ પાસવાને રાજીનામું નથી આપ્યું પણ અટલ બિહારી વાજપેયીની સરકારમાંથી તેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હતા. રાજીનામા સિવાય કોઈ વિકલ્પ નહોતો. વાસ્તવમાં ક્યારે રાજીનામું આપવું તેની છ મહિનાથી રામવિલાસ પાસવાન જગ્યા શોધતા હતા. એમને એ જગ્યા મળી ગઈ. ગોધરાકાંડ વખતે જ રાજીનામું આપી એમણે વાજપેયીની સરકારને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં મૂકી દીધી.
NDA છોડ્યા પછી પાસવાન કોંગ્રેસ તરફ ચાલ્યા ગયા. પાસવાન માટે પોતાની રાજનીતિને જીવતી રાખવા આ કરવું જરૂરી હતું. બે વર્ષની અંદર અંદર જ મનમોહન સિંહની સરકાર બની ગઈ. પાસવાનને મનમોહન સિંહની સરકારમાં રસાયણ અને ઉર્વરક ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. એક ટર્મ તો સચવાઈ ગઈ પણ બીજી ટર્મમાં કોંગ્રેસ સાથે સંબંધો બગડ્યા. આ કારણે જ 2009માં તેમની પાર્ટી ચૂંટણી હારી ગઈ. તેમનો એક પણ સાંસદ જીતી ન શક્યો. પાસવાન પોતે પણ હાજીપુરાથી હારી ગયા. બીજા જ વર્ષે લાલુ પ્રસાદ યાદવે એમને રાજ્યસભામાં મોકલી દીધા.
વર્ષ 2014ની વાત છે ચાબુક. ભાજપ અને નીતિશ કુમાર વચ્ચે અનબન હતી. નીતિશ કુમાર એ વખતે નરેન્દ્ર મોદીની ખૂબ ટીકાઓ કરતાં હતા. બિહારમાં મોદીને એક મોટા માથાની જરૂર હતી જે એમનું સમર્થન કરી શકે. મોદી અને શાહની જોડીએ પાસવાનને પોતાની સાથે જોડી લીધા. બદલામાં NDA દ્રારા પાસવાનને 2014ની ચૂંટણી લડવા લોક જનશક્તિ પાર્ટીને સાત સીટો આપી. પાસવાને આ સીટ પર પોતાના દીકરા ચિરાગ અને ભાઈ રામચંદ્રને ઉતાર્યા અને સફળતા મળી. મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેમને ખાદ્ય વિભાગનો હવાલો આપવામાં આવ્યો.
હવે તારે જો એમના આંતરિક જીવન વિશે જાણવું હોય તો એ પણ જણાવું. 5 જુલાઈ 1946ના રોજ બિહારના ખગડિયા જિલ્લાના શાહરબન્ની ગામડામાં દલિત પરિવારને ત્યાં પાસવાનનો જન્મ થયો હતો. આર્ટ્સ કર્યું અને કાયદામાં સ્નાતક થયા. છાત્ર રાજનીતિમાં પણ સક્રિય રહ્યાં અને બિહાર પોલીસમાં પણ નોકરી કરી. પ્રથમ લગ્ન 1960માં ખગડિયાની રાજકુમારી દેવી સાથે થયું. 1981માં તેમણે રાજકુમારી દેવીને છૂટાછેડા આપી દીધા. પ્રથમ પત્નીથી બે સંતાનો છે. બંને દીકરીઓ ઉષા અને આશા. 1983માં અમૃતસરમાં રહેનારી એર હોસ્ટેસ અને પંજાબી રીના શર્મા સાથે લગ્ન કર્યા. તેમનાથી એક દીકરો અને એક દીકરી છે. જેમાંથી દીકરો ચિરાગ પાસવાન રાજનીતિમાં સક્રિય છે. રાજનારાયણ અને જયપ્રકાશ નારાયણ તેમના આદર્શ હતા. તેમણે જેપીના સમાજવાદી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. તો ચાબુક આવા હતા પાસવાન.