Team Chabuk-Gujarat Desk: વડોદરા જિલ્લાના સાવલી તાલુકા આરોગ્ય તંત્ર અને ખાસ કરીને ટુંડાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના લસુન્દ્રા પેટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમને,તેના હેઠળના સૂભેલાવ, અલીન્દ્રા અને લામડાપૂરા ગામોમાં 100 ટકા કોરોના રસીકરણની સિદ્ધિ તાજેતરમાં મળી છે. સંબંધિત તબીબો અને આરોગ્ય કર્મયોગીઓને આ લક્ષ્ય સિદ્ધિ માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને બિરદાવ્યા છે.
ટુંડાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી ડો. બિરેન્દ્ર પંડ્યાના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિ માટે બહુલક્ષી આરોગ્ય કાર્યકરો,મહિલા આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોએ ખૂબ જહેમત ઉઠાવવી પડી છે. કારણ કે આ વિસ્તારમાં કોરોનાની રસીથી કોરોના સામે મળનારા રક્ષણના મોટા લાભને બદલે આ રસી અંગે લોકોના મનમાં ઘણી ગેર સમજણો, ગેર માન્યતાઓ, અફવાઓ અને શંકાઓ ઘર કરી ગઈ હતી. તેના પગલે રસીકરણનો વેગ પકડાતો ન હતો અને સહુ સરળતાથી રસી મૂકાવે એવા વાતાવરણનું નિર્માણ જરૂરી હતું.
આ માટે આરોગ્ય તંત્રે સ્થાનિક પદાધિકારીઓ, સંતો, મહંતો અને ધર્મગુરુઓની મદદ લીધી. વિવિધ સમુદાયોમાં વ્યાપેલી રસીના ગેર લાભોની કુશંકાઓ જાણીને, તેનું નિવારણ કરવાની સાથે કોરોના સામે રક્ષણના સહુથી મોટા લાભની વાત લોકોના મનમાં ઠસાવી. તેના લીધે રસી લેવાની ઝડપ વધી. રસીકરણ પ્રક્રિયાને વધુ વેગવાન બનાવવા મોબાઈલ રસીકરણનો પ્રયોગ કર્યો. જેમણે રસી લીધી ન હતી તેમની પાસે સામેથી જઈને, સમજાવટ કરીને રસી મૂકવાનું શરૂ કર્યું. જેના પગલે ઉપરોક્ત સિદ્ધિ શક્ય બની.આ તમામ પ્રયત્નોના સારા પરિણામ મળી રહ્યાં છે અને સાવલી તાલુકો તમામ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ તરફ અગ્રેસર છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ગઈકાલે ગુરુવારે કોરોનાની રસી મૂકવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈને જણાવ્યું કે, ગુરુવારે 18 થી 44 વય જૂથના 3516. 45 થી 59 ના 992 અને 60 થી ઉપરના 640 મળીને કુલ 5148 લોકોએ પહેલા ડોઝની રસી મૂકાવતા કુલ સંખ્યા 954658 થઈ છે. જ્યારે વિવિધ વય જૂથના 6215 લોકોએ રસીનો બીજો ડોઝ મૂકાવતાં,બંને ડોઝની રસી પૂરી કરનારાઓની સંખ્યા વધીને 335176 થઈ છે. આમ, ગુરુવારના રોજ કુલ 11364 લોકોએ રસી મૂકાવી છે અને ફક્ત પહેલો અને અથવા બંને ડોઝની રસી લીધી હોય તેવા લોકોની સંખ્યા વધીને 1289834 થઈ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત