વલસાડ : 2020 ગયુ. અલવિદા 2020. તે બહુ ફટકા મર્યા. હવે 2021નું આ વર્ષ તમામ લોકો માટે સારું જાય તેવી ટીમ ચાબુક તરફથી શુભકામના. હેપ્પી ન્યૂ યર. હવે વાત કરીએ ન્યૂ યરની ઉજવણી જેમને ભારે પડી ગઈ તેમના વિશે. અલા ભાઈ કોરોના છે. આવી રીતે ઉજવણી કરાય ?
વલસાડમા નવા વર્ષની પહેલી રાત 1200 દારૂડિયાએ જેલમાં વિતાવી. કેટલાક પોલીસને ચકમો આપીને છટકી ગયા નહીં તો આ આંકડો વધી ગયો હતો. જેલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દારૂડિયાઓને લાઈનમાં બેસાડી દેવાયા હતા. કેટલાક લથડી રહ્યા હતા તો કેટલાક મદીરાપાન કરીને એટલા મસ્ત થઈ ગયા હતા કે તેમને ખબર જ ન રહી કે તેઓ ‘સાસરે’ પહોંચી ગયા છે. દારૂડિયાનો પોલીસ સ્ટેશનમાં એટલો ભરાવો થઈ ગયો હતો કે, પોલીસ સ્ટેશન પણ તેમના માટે નાનું પડ્યું. રાતભરમાં પોલીસ ડ્રાઈવમાં જે પણ પોલીસની નજરે ચડ્યો એ ડાયરેક્ટ જેલમાં જ ગયો.
31 ફર્સ્ટ હતી એટલે પોલીસ સતર્ક જ હતી. ગુરૂવારે સવારથી જ પોલીસ દમણ અને ગુજરાતની બોર્ડર પર ગોઠવાઈ ગઈ હતી. રાત્રે આ બંદોબસ્ત વધુ ચુસ્ત કરી દેવાયો હતો અને પછી શરૂ થયો હતો પકડા-પકડીનો ખેલ. દમણથી આવ્યા. વાહનો ચેક કર્યા. મોઢામાં મશીન નાખ્યું. જો જાણ થઈ કે ભાઈ ટલ્લી છે તો તેમને વાહન સહિત પોલીસ સ્ટેશન ભેગા જ કર્યા. પોલીસે કોઈની એક પણ ન સાંભળી. અને રાતભર પોલીસ સ્ટેશનમાં મહેમાનગતિ કરાવી. પોલીસને તો પહેલાથી જ ખ્યાલ હતો કે મદિરા રસિયાઓની સંખ્યા વધીને આવવાની છે. અગમચેતીના પગેલા રૂપે પૂરતું સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય એટલે હોલ અને મંડપો પણ ભાડે રાખવામાં આવ્યા હતા.
પોલીસે ચેકિંગમાં અને આરોપીની ધરપકડ દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પાલન કરાવ્યું. પોલીસ જે બ્રેથ એનાલાઈઝર મશીનથી ચેકિંગ કરી રહી હતી. તેમાં આગળ જે પાઈપ આવે તેની દરેક વ્યક્તિના ટેસ્ટ સમયે બદલી રહી હતી જેથી કોરોના સંક્રમણ ન ફેલાય. આ ઉપરાંત ટેમ્પરેચર ગનથી લોકોનું ટેમ્પરેચર પણ માપવામાં આવી રહ્યું હતું. જ્યારે ધરપકડ કરાયેલા વ્યક્તિને જેલમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે પણ પોલીસે આરોપીઓને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવ્યું હતું. જોકે વલસાડમાં જ બધું નથી થયું.
અમદાવાદમાંથી પણ 156 પીધેલા પકડાયા
નવા વર્ષની ઉજવણીમાં રાત્રે સડા આઠ વાગ્યે અમદાવાદમાં પોલીસની ગાડીઓ દોડાદોડી કરી રહી હતી. 9 વાગતા જ શહેરના રસ્તાઓ સુમસામ બની ગયા હતા. જો કે, આટલા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કેટલાક મદિરા રસિયાઓ રસ્તા પર નીકળ્યા અને પોલીસના હથ્થે ચઢી ગયા. અમદાવાદમાં પણ પોલીસે તવાઈ આદરી હતી અને 31મી ડિસેમ્બરની ઉજવણીમાં ચકચૂરોને પકડી પાડ્યા હતા. જેમાં 136 જેટલા જાહેરભંગના કેસ દાખલ થયા હતા. રાતના 156 લોકો પીધેલી હાલતમાં ઝડપાયા હતા.
તાજેતરમાં જ રાજ્ય સરકારે નશાબંધી ધારામાં સુધારો કર્યો છે. જે મુજબ દારૂ પીને દંગલ મચાવનારા લોકોને, કોઈ વ્યક્તિ દારૂ પીને ઉપદ્રવ કરે, અપશબ્દો બોલે તેવા કિસ્સામાં 1થી 3 માસની કેદની સજા અને 200થી 500 રૂપિયાના દંડની જૂની જોગવાઈના બદલે 3 વર્ષની કેદ પરંતુ 1 વર્ષ કરતા ઓછી નહીં. તેવી સજા અને દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. વલસાડમાં પકડાયેલા મોટા ભાગના લોકોને આકરો દંડ કરાયો છે.
નવા કાયદા અંગે જાણી લો
ગુજરાત નશાબંધી ધારાને વધુ અસરકારક બનાવી દારૂબંધીને વધુ કડક બનાવવાનો રાજ્ય સરકારે દ્રઢ નિર્ણય કર્યો છે. દારૂબંધીને વધુ કડક બનાવવા અને ગુનેગાર ફરતે સજા અને દંડનો ગાળીયો કસવા વિવિધ જોગવાઇઓ છે.
દારૂના ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂા.૫ લાખ સુધીના દંડની જોગવાઇ છે. દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને ૧૦ વર્ષ સુધીને કેદ અને રૂા.૧ લાખ સુધીના દંડની જોગવાઇ છે.ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ ૭ વર્ષ સુધીની કેદ અને રૂા.૧ લાખ સુધીનો દંડની જોગવાઈ છે. કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ ૫ વર્ષ સુધી કેદ અને ૫ લાખ દંડની જોગવાઇ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત