Homeગામનાં ચોરેઅલવિદા કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર : સિઆચેનનો હીરો જેના કાતિલ ઠંડીએ બંને...

અલવિદા કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર : સિઆચેનનો હીરો જેના કાતિલ ઠંડીએ બંને અંગૂઠા લઈ લીધા હતા

‘‘સિઆચેનની બાબતે વર્ષો થયે અંધારપટમાં જીવતી સરકારની બત્તી જેણે સ્વિચ ઓન કરી આપી તે લશ્કરી અફસરનું નામ કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર હતું. વિશેષણ તરીકે વચલો શબ્દ bull/ગોધો એટલા માટે કે તેમની શારીરિક તાકાત અને માનસિક તેજમિજાજી માતેલા ગોધા જેવી હતી. (સૈનિકની લાક્ષણિકતા મુજબ તેને અમુક યા તમુક હુલામણુ નામ આપવું તેવી ભારતીય ખુશ્કીદળમાં પ્રણાલિકા છે—જેમ કે ફીલ્ડ માર્શલ સામ માણેકશાનું ફૌજી નામ હતું સામ બહાદુર માણેકશા.) કર્નલ નરિન્દર કુમાર ચુનંદા પર્વતારોહક હતા. ખુશ્કીદળના તબીબોએ જો કે તેમને લશ્કરી પરિભાષા મુજબ ‘Medical Category’ના જાહેર કર્યા હતા અને 2,240 મીટર (8000 ફીટ) કરતાં વધુ ઊંચે ન જવાની સલાહ આપી હતી. આમ છતાં તે કર્નલે જિંદગીનાં ઘણાંખરાં વર્ષો એટલી પહાડી ઊંચાઈ કરતાં પણ વધુ ઊંચી સપાટીએ વીતાવ્યાં હતાં.’’

આ લખાણ લખ્યું છે આ છે સિઆચેન પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણાએ. પુસ્તક બેસ્ટ સેલર રહ્યું છે એટલું જ નહીં પણ તેની અંગ્રેજી અને મરાઠીમાં પણ આવૃતિઓ થઈ છે. સિઆચેનની હાડ થીજવી નાખતી નહીં, પણ હાડની અંદર ઘુસી કોરોના કરતાં પણ વિસ્ફોટક તબાહી મચાવી નાખતી ટાઢમાં શૂરવીરતા બતાવતા ભારતીય સૈન્યની વાત છે. સાહિત્યપ્રેમીઓ તેને પ્રવાસ નિબંધ ગણે છે. સફારીના ચાહકો તેને લાંબો માહિતીપ્રદ નિબંધ ગણે છે. ઘણા તેને ભારતીય આર્મીનો દળદાર અને દમદાર દસ્તાવેજ તરીકે લેખાવે છે. તો હવે તમે વિચારશો કે ઉપરનો ફકરો શું કામે લખ્યો? આખા પુસ્તકમાંથી પેજ નંબર વીસ પર આવેલો આ ફકરો મુકવા પાછળનું સમાચાર ‘બુક’ ચાબુકનું કારણ શું ?

ગઈકાલે ચાબુકના વાચક મિત્ર મયુર ધુલિયાએ અમને મેસેજ કર્યો અને આ વિષય પર પ્રકાશ પાડ્યો. તેઓ સફારીના એટલા અઠંગ ચાહક છે કે સફારીની મેગેઝિનના કયા અંકમાં કેપ્ટન નરિન્દ્ર બુલ વિશેનો લેખ પ્રકાશિત થયો છે એ પણ જણાવ્યું અને કયા પુસ્તકમાં છે એ પણ. આવા સારા વાચકો હોય તો પછી લખવામાં પણ સાવચેતી રાખવી પડે કે ક્યાંક અમથો અમથો ગોટાળો ન થઈ જાય.

સંયોગવશ્ મયુરભાઈએ જણાવેલી એ બંને વસ્તુઓ અમારી પાસે ઉપલબ્ધ હતી. હવે મૂળ લખવાના કારણ પર આવીએ. 2020 જતા જતા આપણી પાસેથી ઉપર ફકરામાં જે વ્યક્તિની છાતીફાડ બહાદુરી વિશે હર્ષલ પુષ્કર્ણાએ સોનેરી શબ્દો લખ્યા તેને પણ લેતો ગયો. કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર આપણી વચ્ચે નથી રહ્યા. આ છેલ્લો ઘા બધાના હ્રદયની અંદર નહીં લાગે. નહીં એટલા માટે લાગે કે દેશ અને આર્મી પ્રત્યે આપણે ચોક્કસ સમયે પ્રેમ દર્શાવતા હોઈએ છીએ. આર્મીના શૌર્ય પર આપણે ફેસબુક પર ફોટો મુકીએ છીએ, પણ આટલી મોટી ઘટના કાલે બની તો પણ મેઈન સ્ટ્રીમ મીડિયા તેનું કવરેજ ન કરે તો પછી છેવાડાની લઘુતમ સામાન્ય અવયવ જેવી વેબસાઈટો પાસેથી સીદને અપેક્ષા રાખવી ? એ તો સીધું ત્યાંથી જ ઉઠાવે છે. હિન્દીમાંથી ગુજરાતીમાં.

ભારતીય સૈન્યએ અગણિત પરાક્રમો કર્યા છે. એ તમામ સાહસો સફારી મેગેઝિને આપણી સમક્ષ રાખ્યા છે. સિઆચેન વિશે તો હર્ષલ પુષ્કર્ણાનું પુસ્તક, ‘આ છે સિઆચેન… વિશ્વના સૌથી વિષમ યુદ્ધક્ષેત્રની મુલાકાતનું સફરનામું’ પુસ્તક સિવાય આવી દમદાર માહિતી બીજા કોઈ ગુજરાતી પુસ્તકમાં તો ઉપલબ્ધ નથી જ.

કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર કુમાઉં રેજિમેન્ટના ઓફિસર રહી ચૂક્યા હતા. એ ફક્ત કર્નલ જ નહોતા. પુસ્તકમાંથી જ આપણને તેમના પરાક્રમની માહિતી મળે છે કે આ તો એવરેસ્ટ સર કરનારી ટુકડીના સભ્ય પણ રહ્યા હતા. 1965ની સાલમાં એવરેસ્ટની ટોચે પહોંચેલી પ્રથમ ભારતીય ટીમના તેઓ નાયબ સરદાર હતા. જેથી સીઆચેનમાં ઓપરેશન મેઘદુતને પાર પાડવું એ તેમના માટે તો ચણા મમરા જેવું જ હતું.

આ છે સિઆચેન પુસ્તક બોલે છે, ‘‘હિમાલયના બર્ફિલાં શિખરો પર ત્યાર પછી  તો તેમણે એટલો બધો સમય ગુજાર્યો કે બંને પગના અંગૂઠાને હિમખડંખ થયો હતો. અંગૂઠા તેમણે કપાવી નાખવા પડ્યા હતા. લશ્કરમાંથી નિવૃત્તિ લીધા પછીયે હિમપહાડો સાથે તેમની યારી-દોસ્તી ચાલુ રહેવાની હતી.’’

13 ઓક્ટોબરના રોજ આઝાદીના 31માં વર્ષે ભારતે સિઆચેન પર તિરંગો લહેરાવ્યો. ભારતની સરકાર તો ઘોરાડતી હતી. સોશિયલ મીડિયા નહોતું કે કોઈ ટ્વીટ કરી તેની જનતાને માહિતી આપે. છેલ્લે ઈલ્યુસ્ટ્રેટેડ વિકલી દ્વારા સમગ્ર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અહેવાલ પ્રસિદ્ધ થયા તેની સાથે સામાયિકે તેના મુખપૃષ્ઠ પર સિઆચેનના રિયલ હીરો કર્નલ નરિન્દર ‘બુલ’ કુમારની તસવીર છાપી અને સરકારે મારતા ઘોડે તાબડતોડ પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી.

ઓપરેશન મેઘદૂતના તો ઘણા હીરો છે. ટીમમાં કામ કરો છો ત્યારે સફળતા એકની ક્યારેય નથી હોતી, પણ કર્નલ નરિન્દર ‘બુલ’ કુમાર માટે કહી શકાય કે તેમણે સામાયિકનો એક અંક ન વાંચ્યો હોત તો કોઈને ખબર પડેત ? 1978ની સાલમાં અમેરિકન એરપ્લેન જર્નલનો અંક તેમના હાથમાં આવ્યો. જેમાં સિઆચેનનો ભૌગોલિક પ્રદેશ પાકિસ્તાનમાં બતાવેલો હતો. કર્નલ નરિન્દર કુમાર દિલ્હીમાં એલ.એમ. છિબ્બરને મળ્યા અને આ તમામ માહિતી તેમને આપી દીધી. તેનાથી સ્પષ્ટ થતું હતું કે પાકિસ્તાન સિઆચેન પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું છે. અને એ પછી જે થયું તે ઈતિહાસ છે. કર્નલ તમારી બહાદુરીને એકવીસ તોપોની સલામી પણ ઓછી પડે. અલવિદા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments