Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલી રાજ્યની એકમાત્ર સંસ્કૃત યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ આજ રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વર્ચ્યૂઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)- ૩૩૩, આચાર્ય (એમ.એ.)- ૧૮૪, પી.જી.ડી.સી.એ.-૧૭૪, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.) ૫૧, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)- ૦૯ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)- ૦૫ મળીને કુલ ૭૫૬ ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ ૨૦ ગોલ્ડમેડલ અને ૪ સિલ્વરમેડલ એમ કુલ મળીને ૨૪ જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૪માં દીક્ષાંત સમારોહમાં ૭૫૬ જેટલાં પદવી પ્રાપ્ત કરી રહેલાં વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતીય સંસ્કૃતિને જાણવા હોય તો સંસ્કૃત ભાષા જાણવી પડશે. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ભારત દેશ ધર્મ પરાયણ દેશ છે. ભારતીય સંસ્કૃતિ અધ્યાત્મ સાથે જોડાયેલી છે ત્યારે, ઋષિ પરંપરાનું પાલન કરી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં વેદ-પુરાણો અને શાસ્ત્રોનો અભ્યાસ કરનારા યુવાનો પ્રતિ સમાજ અપાર શ્રદ્ધા ભાવ ધરાવે છે. વેદ સંસ્કૃતિની આ ભવ્ય જ્ઞાન વિરાસતથી રાષ્ટ્ર અને સમાજને લાભાન્વિત કરવા રાજ્યપાલએ પદવીધારકોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારથી યુવાપેઢી સજ્જ બને અને આ જ્ઞાન પ્રકાશથી સમસ્ત સમાજ આલોકિત થાય તેવા ઉદ્દેશથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ભારતીય જ્ઞાન પરંપરાની ઉપાસના દ્વારા વિદ્યાર્થીઓ પોતાની જ્ઞાનસંપદાથી સમાજને સમૃદ્ધ કરે અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પુરુષાર્થ કરે તેવી શીખ પણ રાજ્યપાલએ વિદ્યાર્થીઓને આપી હતી.
સંસ્કૃત પૂર્ણ ભાષા છે અને અન્ય ભાષાઓની જનની છે તેમ જણાવી રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, વેદોને ઈશ્વર દ્વારા પ્રદત્ત જ્ઞાન માનવામાં આવે છે. ધરતી પર જ્ઞાનનો આવિર્ભાવ વેદથી થયો અને ભારત દેશ સમસ્ત વિશ્વ માટે જ્ઞાનદાતા બન્યો હતો. સંસ્કૃત ભાષામાં રચાયેલા વૈદિક સાહિત્યમાં ભારતીય જીવન દર્શન સંસ્કૃતિ અને પરંપરાના દર્શન થાય છે ત્યારે તેને જાણવા સંસ્કૃત ભાષા જન સામાન્યની ભાષા બનવી જોઈએ આ વાતને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં સંસ્કૃત ભાષાને મહત્વનું સ્થાન આપ્યું છે. ગુજરાતની ધરતી ઉપર જન્મ લઈને સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદોનો વૈજ્ઞાનિક અભિગમ સાથે તર્કસંગત અર્થ આપીને વૈદિક સંસ્કૃતિને જન-જન સુધી પહોંચાડવા જીવન પર્યંત પુરુષાર્થ કર્યો હતો. તેમના પ્રેરણારૂપ જીવન દર્શનને અનુસરીને વિદ્યાર્થીઓ સંસ્કૃત અને સંસ્કૃતિ પ્રત્યે સન્માનની ભાવના સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરે તેવો અનુરોધ પણ રાજ્યપાલએ કર્યો હતો અને પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના સફળ જીવનની કામના કરી હતી.
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના ચૌદમા પદવીદાન સમારોહમાં પદવીઓ અને સુવર્ણ પદકો મેળવનાર સ્નાતકોને અભિનંદન પાઠવતાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સ્નાતકો સમાજને ‘આત્મનિર્ભરતા’નો સાચો મર્મ સમજાવશે.
શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ગુજરાતના મહાપુરુષ, એકતાના પ્રતિક અને દીર્ઘદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથના ભવ્ય મંદિરની સાથે સંસ્કૃત યુનિવર્સિટીનું પણ સ્વપ્ન જોયું હતું, જેને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું હતુ. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ યુનિવર્સિટીના કર્મઠ અધિકારીઓ, કર્મચારીઓ, પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સાથે મળીને આ સ્વપ્નને પૂર્ણપણે વિકસિત કરી રહ્યા છે. ૧૫ વર્ષની યાત્રામાં વિવિધ કુલપતિશ્રીઓના નેતૃત્વમાં આ યુનિવર્સિટી ક્રમશઃ વિકાસ પામી રહી છે. હાલમાં જ યુનિવર્સિટીએ નેકના મૂલ્યાંકનમાં એ+ ગ્રેડ મેળવી ગુજરાતના શિક્ષણ જગતમાં એક આદર્શ સ્થાપિત કર્યો છે.
શિક્ષણ મંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, આ યુનિવર્સિટી ભૌતિક સુવિધાઓ અને શૈક્ષણિક સુવિધાઓ રૂપી પોતાના નિરંતર વિકાસથી ઉંચી ઉડાનો ભરી રહી છે. એક બાજુ ઇન્ટિગ્રેટેડ બી.એ., બી.એડ જેવા નવીન અભ્યાસક્રમો સામેલ કરવામાં આવી રહ્યાં છે. તો બીજી બાજુ ગ્રંથાલય, યોગભવન, અતિથિગૃહ જેવા ભવનોના લોકાર્પણની શ્રૃંખલાઓ પણ ચાલી રહી છે. આ વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થવાની સાથે શાસ્ત્ર પરંપરાના સંરક્ષણ અને સંવર્ધન થકી સમગ્ર ભારતમાં પ્રતિષ્ઠા પામી રહી છે. આજે ગુજરાતને સાંસ્કૃતિક પ્રતિષ્ઠા અપાવવામાં આ યુનિવર્સિટી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
આ યુનિવર્સિટીમાં ભવ્ય ગ્રંથાલય નિર્માણ પામશે જેમાં અંદાજે પાંચ લાખ શાસ્ત્ર ગ્રંથો અને ઈતર ગ્રંથોનો સમાવેશ થઈ શકશે. ગ્રંથાલયમાં ૨૪ કલાક અધ્યયન માટેની વ્યવસ્થા, સંગોષ્ઠી, પ્રદર્શની, પ્રાચીન પાંડુલિપિઓના સંરક્ષણની વ્યવસ્થા, સંદર્ભ ગ્રંથ સહિતના વિવિધ કક્ષની સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભારત કેન્દ્રીત ચિંતન અને ભારતીય વિચારધારા ઉપર સમાજને વિકસાવવાનું મોટું કામ આ વિશ્વવિદ્યાલય કરી રહી છે. આ વિશ્વવિદ્યાલયના પદવીધારક વેદ વિદ્યાને આત્મસાત કરી તેને સફળતાપૂર્વક આગામી પેઢી પહોંચાડશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ દિક્ષાંત સમારોહમાં વારાણસી ખાતેની સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. હરેરામ ત્રિપાઠીએ સારસ્વત અતિથિ તરીકે જ્ઞાનસભર વક્તવ્ય આપ્યું હતું.
સંસ્કૃત ભાષાના સંવર્ધન અને પ્રચાર-પ્રસાર માટે યોગદાન આપનાર વિદ્વાન વાચસ્પતિ મિશ્રને ‘‘શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ’’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના રિચર્સ જર્નલ શોધ જ્યોતિ અને સંદર્ભ ગ્રંથ રઘુવંશમ્ દ્વિતીય સર્ગનુ મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપિત લલિતકુમાર પટેલે સંસ્કૃત વિશ્વવિદ્યાલયની ગતિવિધિઓની જાણકારી આપતા સ્વાગત પ્રવચન કર્યું હતુ. તેમજ કુલસચિવ શ્રી દશરથ જાદવે આભારવિધિ કરી હતી. આ દિક્ષાંત સમારોહમાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ જયશંકર રાવલ, વેરાવળ-પ્રભાસ પાટણ નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી સહિતના મહાનુભાવો અને પદવી મેળવનાર છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
