Team Chabuk-Guajrat Desk: સુરતના પુણા વિસ્તારમાં હિટ એન્ડ રનમાં 15 વર્ષના કિશોરનું મોત થયું છે. પિતાની બાઈક લઈને નીકળેલા 15 વર્ષીય કિશોરનું બસની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
નાની ઉંમરે સંતાનોને વાહન ચલાવવા આપી દેનારા વાલીઓ માટે ચેતવણીરુપ આ કિસ્સો સુરતનો છે. સુરતના પુણા વિસ્તારમાં પિતાની બાઈક લઈ કિશોર રાઉન્ડ મારવા નીકળ્યો. જો કે, તેને ક્યાં ખબર હતી કે તે ઘરે પરત નથી ફરવાનો. ધોરણ-૯ના વિદ્યાર્થીને પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે લક્ઝરી બસના ચાલકે અડફેટે લીધો. જેમાં કિશોર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેને હોસ્પિટલ પણ ન પહોંચાડી શકાયો. એકના એક લાડકવાયા પુત્રના અકાળે મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે.
મળતી માહિતી મુજબ મુળ ગીર-સોમનાથના ઉના તાલુકાના અંજાર ગામના વતની મનિષ હીરાભાઈ ટાંક પરિવાર સાથે પુણાગામ સ્થિત ચામુંડાનગરમાં રહે છે. મનિષ કડોદરા ખાતે એમ્બ્રોઈડરીના કારખાનામાં નોકરી કરી પત્ની સોનલબેન અને 15 વર્ષીય પુત્ર યશનું ગુજરાન ચલાવે છે. પુણાગામ ખાતેની નચીકેતા સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતો યશ નિત્યક્રમ મુજબ શનિવારે સાંજે પિતા મનિષભાઈની બાઈક લઈ રાઉન્ડ મારવા નીકળ્યો હતો.
નિયમિત સમયસર ઘરે આવી જતા યશને શનિવારે પરત ફરવામાં મોડુ થતા મનિષભાઈએ તેની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મનિષભાઈને ભત્રીજાનો ફોન આવ્યો હતો કે, પુણાગામ સ્થિત રેશ્માનગર ચાર રસ્તા નજીક ફ્લાય ઓવર બ્રિજ પાસે યશને અકસ્માત નડ્યો છે.
ત્યારબાદ મનિષભાઈ ઘટનાસ્થળે પહોંચતા લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં યશ પર ટાયર ફરી વળતા તેનુ મોત થયું હોવાનું તેમને જાણવા મળ્યું હતું. બનાવ અંગે પુણા પોલીસે લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ સુરત પોલીસે વાલીઓને ફરી અપીલ કરી છે કે 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વાહનો ચલાવવા ન આપો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત